Aapnu Gujarat
ગુજરાત

ડેમોમાં માત્ર ૩૩ ટકા પાણી સરકારની મે મહિનામાં અગ્નિપરીક્ષા

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગરમીનો પારો જેમ જેમ વધતો જાય છે તેમ તેમ રાજયના જળસ્ત્રોતોમાં પણ પાણીની સપાટી નોંધનીય રીતે ઘટી રહી છે. ઉનાળાની કાળઝાળ અને બળબળતી ગરમીને લઇ રાજયના નદી, નાળા અને ડેમો સૂકાઇ રહ્યા છે તો, કેટલાક તો સૂકા ભઠ્ઠ થઇ ગયા છે. આ સંજોગોમાં ગુજરાતની જનતાને માથે આગામી મે મહિનામાં આકરા ઉનાળાના તાપની સાથે સાથે પાણીની તીવ્ર તંગીનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. રાજ્યના ડેમો પણ તળીયાઝાટક થઈ રહ્યા છે. ગુજરાતના બંધોમાં હાલ રહેલા ૩૩ ટકા પાણીના જથ્થા અંગે વોટર એક્સપટ્‌ર્સનું માનવું છે કે આ પાણી ૩૧મી મે સુધી પણ ચાલે તેમ નથી. ત્યાર બાદ ગુજરાતના આ તમામ ડેમોનું પાણી સુકાઈ જશે. બીજીબાજુ, જો રાજયમાં આ વખતે સારો વરસાદ નહી પડે અથવા તો વરસાદ ખેંચાયો તો પણ ભયંકર દુકાળની પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આમ રૂપાણી સરકાર માટે મેમાં પાણીની અગ્નિપરીક્ષા બની રહેશે.રાજ્યના ડેમોની પાણીની પરિસ્થિતિ અંગે વાત કરીએ તો હાલ રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં ૫,૩૫૩ એમ.સી.એમ. પાણી બચ્યું છે, એટલે કે ગુજરાતમાં માત્ર ૩૩.૯૫ ટકા જ પાણી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં આવેલા કુલ ૧૫ ડેમમાં હાલ ૬૨૭.૨૩ એમ.સી.એમ. એટલે કે ૩૨.૬૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૧,૨૪૫.૭૫ એમ.સી.એમ. એટલે કે ૫૩. ૭પ ટકા અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૩ ડેમમાં ૨,૮૮૦ એમ.સી.એમ. એટલે કે ૩૩.૩૩% પાણી બચ્યું છે. આમ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કુલ ૪૫ ડેમમાં ૪,૭૯૫ એમ.સી.એમ. એટલે કે ૩૬.૮૯ ટકા જ પાણી બચ્યું છે. આ પાણી એક મહિનો પણ ચાલે એટલું નથી. આ ઉપરાંત કચ્છમાં આવેલા કુલ ૨૯ ડેમમાં ૫૨.૨૭ એમ.સી.એમ. પાણી છે એટલે કે ૧૫.૭૦ ટકા જ પાણી રહ્યું છે. તો વળી, સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં તો માત્ર ૫૪૬.૮૨ એમ.સી.એમ. એટલે કે સૌથી ઓછુ ૨૧.૫૨ ટકા પાણી છે. આમ રાજ્યના કુલ ૨૦૩ ડેમમાં ૫,૩૫૩ એમ.સી.એમ. એટલે કે તે ૩૩.૯૫ ટકા પાણી છે, જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાં પણ પાણી ઘટવા લાગ્યું છે. નર્મદા બંધમાં આજની તારીખે ૩,૦૫૧.૮૨ એમ.સી.એમ. એટલે કે ૩૨.૨૬ ટકા પાણી છે. નર્મદા ડેમ માટે વધુ પાણી આપવાની મધ્યપ્રદેશે ના પાડતા સરદાર સરોવરમાં આવતા પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી ૬૨૮ કયુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે ૨,૯૦૦ કયુસેક પાણીની જાવક થઇ રહી હોવાથી ડેમની સપાટી ઘટીને ૧૦૪.૮૧ મીટરે પહોંચી છે. રાજયમાં પાણીની વર્તાઇ રહેલી તીવ્ર તંગી અને અછત હવે આગામી દિવસોમાં ખાસ કરીને મે-જૂન મહિના દરમ્યાન બહુ મોટી અને ગંભીર ચિંતાનો વિષય બનવાનો છે. હાલ તો સરકાર અને મુખ્યમંત્રી સહિતના તમામ સત્તાવાળાઓ પાણીની તંગી નહી સર્જાવા દઇએ ના પોકળ દાવાઓ કરી રહ્યા છે, મે-જૂનમાં પાણીની અગ્નિપરીક્ષા બતાવી આપશે કે સરકારના દાવા કેટલા સાચા છે.

Related posts

ડભોઇના બજારમાં ઓસ્ટ્રેલિયન તરબુચનું આગમન

editor

केंद्रीय विदेश मंत्री एस जयशंकर ने ली राज्यसभा की सदस्यता की शपथ

aapnugujarat

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1