Aapnu Gujarat
ગુજરાત

પૂર્વ-દક્ષિણ ઝોનમાં પાણી સમસ્યા નિવારવા નવા બોર બનાવાશે

શહેરના પૂર્વઝોન અને દક્ષિણઝોનના વિસ્તારોને રાસ્કા આધારિત શેઢી કેનાલ દ્વારા પાણી આપવામાં આવતુ હતુ પરંતુ આ કેનાલને સમારકામ માટે સિંચાઈ વિભાગને સોંપવામાં આવ્યા બાદ કામગીરી શરૂ ન થઈ શકતા શહેરના બે ઝોનના અનેક વિસ્તારોમાં પાણીની અભૂતપૂર્વ તંગી સર્જાતા હવે જરૂર હોય ત્યાં નવા બોર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર,ગત વર્ષે રાસ્કા આધારિત કાચાપાળાની બનેલી શેઢી કેનાલમાં ત્રણ વખત મોટા ભંગાણ સર્જાયા બાદ મ્યુનિ.તંત્ર દ્વારા આ કેનાલને સમારકામ માટે રાજયના સિંચાઈ વિભાગને સોંપવાનો નિર્ણય લીધો હતો.બીજી તરફ સિંચાઈ વિભાગ તરફથી ચોમાસાની મોસમની શરૂઆત થવા આવી હોવા છતાં પણ કેનાલના સમારકામ માટેના ટેન્ડર પણ બહાર પાડયા ન હોઈ કેનાલના સમારકામની કામગીરી બિલકુલ ઠપ થઈ જવા પામી છે.આખી ગરમીની મોસમમાં પૂર્વના અને દક્ષિણના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પહોંચાડવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા રોજ ૩૫૦થી પણ વધુ ટેન્કરો ભાડે કરીને પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.ઉપરાંત કોતરપુરથી પાઈપલાઈન દ્વારા આ વિસ્તારોને પાણી પહોંચાડી શકાશે એમ માનતા મ્યુનિ.તંત્રની ગણતરીઓ પણ ઉંધી પડી છે અનેક વિસ્તારોમાં પાણી પહોંચતું ન હોવાની વ્યાપક બૂમરાણ તંત્ર સુધી પહોંચવા પામી હતી. દરમિયાન આ બંને ઝોનમાં પ્રવર્તી રહેલી પાણીની ગંભીર સમસ્યા હજુ બીજા છ માસ લંબાય એવી શકયતા છે કેમકે ટેન્ડર બહાર પાડવામાં આવે તો પણ ચોમાસાને કારણે કેનાલના સમારકામની કામગીરી હાથ ધરી શકાય એમ નથી.આ સાથે જ ચોમાસાની મોસમ પુરી થયા બાદ પણ કેનાલના સમારકામની કામગીરી જો હાથ ધરવામાં આવે તો બેથી ત્રણ માસ જેટલો સમય લાગી શકે એમ છે.આ પરિસ્થિતિમાં આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકના અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે એક વાતચીતમાં કહ્યુ કે,જે વિસ્તારોમાં પાણીની ગંભીર પરિસ્થિતિ છે ત્યાં શકય હોય તો નવા બોર બનાવવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે સૌથી વધુ સમસ્યા બહેરામપુરા અને વટવા વિસ્તારમાં જોવા મળતી હોવાનો પણ તેમણે સ્વીકાર કર્યો છે.

Related posts

બોક્સમાંથી મોબાઈલ કાઢીને પથ્થર મૂકતો ચોર ઝડપાયો

aapnugujarat

દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આહીરની સરાહનીય કામગીરી

editor

યોગ દિવસની ઉજવણી ટાંણે કહેવાતા યોગાચાર્યનો વિવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1