Aapnu Gujarat
ગુજરાત

ઇશરત કેસ : જાવેદ શેખના પિતા ગોપીનાથનું મોત થયું

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનાર ૨૦૦૪ના ઇશરત જહાં એન્કાઉન્ટર દરમ્યાન માર્યા ગયેલા જાવેદ ગુલામ શેખ ઉર્ફે પ્રણેશ કુમાર પિલ્લાઈના પિતા એમ આર ગોપીનાથ પિલ્લાઈ (ઉ.વ.૭૭)નું એક અકસ્માતમાં મોત થયું છે. ગોપીનાથ પિલ્લાઈ જે કારમાં સવાર હતા તે કારને એક ટ્રકે ટક્કર મારી હતી, જેમાં તેમને ઈજા પહોંચી હતી અને શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગોપીનાથ પિલ્લાઇના અકસ્માતમાં મોતને પગલે ઇશરત કેસ સાથે સંકળાયેલા અને ન્યાય માટે ઝઝુમી રહેલા પક્ષકારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં આવેલા ચારામુડુમાં રહેતા ગોપીનાથ પિલ્લાઈને બુધવારે સવારે કોચીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ માટે લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે વાલાયર જંક્શન પાસે આ ઘટના બની હતી. પટ્ટાનાકડના સબ-ઈન્સ્પેક્ટર બી શાજિમોનના જણાવ્યા અનુસાર, તેઓ જે કારમાં સવાર હતા તેને એક ટેમ્પોએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેઓ ઘવાયા હતા અને કોચીની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જયાં શુક્રવારે તેમનું મોત નીપજયુ હતું. પોલીસે આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાં ઈશરત સાથે માર્યા ગયેલા જાવેદ પિલ્લાઈને પણ ગુજરાત પોલીસે આતંકવાદી ગણાવ્યો હતો. જાવેદના પિતા લાંબા સમયથી કાયદાકીય લડત લડી રહ્યા હતા. ઈશરત જહાની માતા પણ આ કેસમાં પિટિશનર છે. ગત તા.૧૫ જુન, ૨૦૦૪ના રોજ ગુજરાત પોલીસે અમદાવાદના કોતરપુર વિસ્તારમાં ઈશરત જહા, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને ઝીશાન જોહરનું એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે આ તમામ લોકો લશ્કર-એ-તોઈબાના આતંકીઓ હોવાનું જણાવી તેઓ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની હત્યા કરવા ગુજરાત આવ્યા હોવાનો દાવો કર્યો હતો. જો કે, બાદમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી સીટે પોતાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, આ એન્કાઉન્ટર બનાવટી હતું, અને પોલીસે આ ચારેયની ઠંડા કલેજે હત્યા કરી હતી. પિલ્લાઈના પિતાએ દીકરાની હત્યા બાદ જે તે વખતે મીડિયાને જણાવ્યું હતું કે, મારો દીકરો ક્યારેય આતંકવાદી ન હોઈ શકે. પ્રણેશના ઈસ્લામ અંગીકાર કરવા અંગે તેમણે કહ્યું હતું કે, તે પોતાની પસંદગીની છોકરીને પરણવા માગતો હતો, અને તેના માટે જ તેણે ઈસ્લામ અપનાવ્યો હતો. ઈશરત કેસમાં સીબીઆઈ કોર્ટે તાજેતરમાં જ પૂર્વ ડીજીપી પીપી પાંડેને ડિસ્ચાર્જ કર્યા હતા. ગત ડિસેમ્બરમાં પિલ્લાઈએ પાંડેની ડિસ્ચાર્જ અરજી સામે વાંધો લીધો હતો. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ‘પાંડેને ડિસ્ચાર્જ કરાશે તો તેનાથી હત્યાના કાવતરાંની વિગતો બહાર નહીં આવી શકે. જેનાથી કોર્ટ સમક્ષ સચ્ચાઈ બહાર નહીં આવે.’ જો કે, ગોપીનાથ પિલ્લાઇ અકસ્માતમાં થયેલી ગંભીર ઇજાઓના કારણે મોતને ભેટતાં હવે ઇશરત કેસમાં ન્યાય માટે ઝઝુમી રહેલા પક્ષકારોને પણ મોટો ફટકો પડયો છે, આ પક્ષકારોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

Related posts

ધ્રાંગધ્રા શહેરમાં શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મળશે.

editor

યુપીની ચૂંટણીમાં ભાજપની જીતની સુરતમાં ફટાકડા ફોડી ઉજવણી

aapnugujarat

જામનગર મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા બાઈક, તેલના ડબ્બા અને ગેસના બાટલાને હારતોરા કરીને અનોખી રીતે વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1