Aapnu Gujarat
ગુજરાત

કાલુપુર સ્ટેશને પાર્કિંગ ચાર્જ સીસ્ટમ સંદર્ભમાં હાઇકોર્ટમાં અપીલ

કાલુપુર રેલ્વે સ્ટેશન પરિસરમાં આજથી અમદાવાદ એરપોર્ટની જેમ જો કોઇપણ વાહન ૧૫ મિનિટથી વધુ સમય રોકાણ કરે તો વાહનચાલક પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની નવી સીસ્ટમ અમલી બનાવવાના રેલ્વે સત્તાવાળાઓના વિવાદીત નિર્ણયને પડકારતી મહત્વની જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે, જેની સુનાવણીમાં હાઇકોર્ટે રેલ્વે સત્તાવાળાઓ સહિતના પક્ષકારોને કારણદર્શક નોટિસ જારી કરી આ સમગ્ર મામલે આગામી મુદતે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
જાહેરહિતની રિટ અરજીમાં રેલ્વે સત્તાધીશો દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશન પર અમલી બનાવાયેલી પાર્કિંગ ચાર્જ વસૂલવાની સીસ્ટમ ગેરકાયદે, અયોગ્ય અને બિનવ્યવહારૂ હોઇ તેને રદબાતલ ઠરાવવા દાદ માંગવામાં આવી હતી. જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, કાલુપુર રેલ્વે સ્ટેશન પર રોજના સરેરાશ દસ હજારની આસપાસ વાહનો આવતા હોય છે. જો કોઇ નાગરિક તેમના પરિવારજનો, સગાવ્હાલા કે મિત્રવર્તુળને સ્ટેશન પર મૂકવા આવે તો તેને ૧૫ મિનિટમાં પાર્કિંગ એરિયા છોડી દેવો પડશે. જો ૧૫ મિનિટથી વધુ તેમનું વાહન રોકાશે તો, ટુ વ્હીલર વાહનચાલકોએ ૧૫ મિનિટના રૂ.૧૫, રીક્ષાચાલકોએ ૧૦ મિનિટના રૂ.૧૦ અને ફોર વ્હીલરના ચાલકોએ ૧૫ મિનિટના રૂ.૩૫ ચૂકવવાના રહેશે તેવો પાર્કિંગ ચાર્જ આજથી અમલમાં મૂકાયો છે. જો કે, રેલ્વે સત્તાવાળાઓ દ્વારા અમલી બનાવાયેલી આ સીસ્ટમ અયોગ્ય અને બિનવ્યહારૂ છે, એટલું જ નહી, આ સીસ્ટમ લાગુ કરતાં પહેલાં રેલ્વે સત્તાવાળાઓએ અસરકર્તા લોકોને સાંભળ્યા નથી કે તેમની રજૂઆત, સૂચનો કે વાંધાઓ પણ ધ્યાને લીધા નથી. આમ, એકાએક અને અચાનક મનસ્વી રીતે આ પ્રકારની પાર્કિંગ ચાર્જની સીસ્ટમ લાગુ કરી શકાય નહી. આ પ્રકારની સીસ્ટમ અમલી બનાવવાથી રેલ્વે સ્ટેશન પર આવનારા હજારો વાહનચાલકોની સાથે સાથે નિર્દોષ નાગરિકો અને જાહેરજનતા ભારે હાલાકીનો ભોગ બનશે.
જાહેર જનતાની મુશ્કેલી અને પ્રજાની તકલીફને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવી જોઇએ અને આ કેસમાં રેલ્વે સત્તાધીશો સહિતના ંસંબંધિત સત્તાવાળાઓને જરૂરી નિર્દેશો જારી કરવા જોઇએ. અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે રેલ્વે ડીઆરએમ સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને કેસની સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી.

 

Related posts

માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સોઃ ડાંગમાં ટીવીનું રિમોટ ફાટતા બાળક ઘાયલ

aapnugujarat

अब मध्यमवर्ग को लाभ : छोटे प्लोट में भी मकान बना सकेंगे

aapnugujarat

સિવિલમાં એક દિવસનું તાજુ જન્મેલું બાળકને ત્યજી દેવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1