Aapnu Gujarat
બ્લોગ

લાગણીસભર, બુદ્ધિશાળી અને કહ્યાગરા રૉબોટ

માણસ તેના જેવા જ એક સર્જનનું નિર્માણ કરવા તરફ દોટ લગાવી રહ્યો છે. સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તે સૉફિયાએ સમગ્ર દુનિયાનું ધ્યાન આકર્ષ્યુ છે. સૉફિયા કહ્યાગરી અને કામણગારી છે એટલે કોઈ પણ પુરુષને પસંદ પડે. તો, જાપાનના હિરોશી ઈશીગુરોએ તો પોતાના જેવા જ રૃપરંગવાળા રૉબોટનું સર્જન કરી એક પગલું આગળ ભર્યું છે. લાગણીસભર, બુદ્ધિશાળી અને કહ્યાગરા રૉબોટના લીધે આગામી દસ-પંદર વર્ષમાં એક નવો સમાજ નિર્માણ થશે. બની શકે કે માણસ આ રૉબોટ સાથે ઘરસંસાર પણ માંડે અને બાળકને પણ જન્મ આપે. તેની સાથે લડાઈ પણ થાયપપ
તાજેતરમાં સોફિયા નામની મહિલા રોબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તેના લીધે રોબોટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહુ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાઉદી અરેબિયાને ભલા રોબોટમાં શું રસ પડ્યો? અને રોબોટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું મશીન એમાં કંઈ પુરુષ અને સ્ત્રી જેવું કંઈ હોય? સારું થયું સ્ત્રી સ્વતંત્રતાના ઝંડાધારીઓને આ મુદ્દો હાથમાં નથી લાગ્યો નહીં તો કહેત, રોબોટમાં સ્ત્રી જ કેમ બનાવી? સ્ત્રી રોબોટને જ કેમ નાગરિકત્વ આપ્યું? કારણકે સાઉદીમાં મહિલાઓને ઝાઝા અધિકારો નથી.સાઉદી અરેબિયાની મેલી મુરાદ તો બધાને ખબર છે. સમગ્ર વિશ્વમાં તે ત્રાસવાદનું સૌથી મોટું જનક છે. અલ કાયદા, તાલિબાન અને આઈએસઆઈએસ જેવાં ત્રાસવાદી સંગઠનો તેની જ દેન છે અને સોફિયાએ કેટલાક સમય પહેલાં કહેલું (અલબત્ત તે કંઈ સ્વતંત્ર માણસ જેવી વિચારશક્તિ નથી ધરાવતી. તેનામાં જે પ્રૉગ્રામ ફિટ કરાયો છે તેના આધારે જ તે બોલે છે.) કે તે માનવજાતનો વિનાશ કરવા માગે છે. બની શકે કે આ બાબતે સાઉદીને સોફિયાને નાગરિકત્વ આપવા પ્રેરી હોય.પરંતુ સાઉદીને સોફિયામાં રસ પડે તેનું બીજું કારણ પણ છે. સોફિયા અમેરિકાની રહેવાસી હોય તેવા તેનાં રૃપરંગ છે. તે બોલે છે તો પણ અમેરિકન લઢણ અને લહેકા સાથે! તે ઊંચી અને પાતળી છે! તેના વાળ સોનેરી છે! સાઉદી હોય કે ભારત, અમેરિકાની કે યુરોપની ગોરી ચામડીવાળી, ઊંચી, પાતળી અને સુંદર સ્ત્રીમાં રસ ઘણાને પડે! વળી, આ તો રોબોટ. તેને કહો કે ઊભી થા અને બધાને હૅલ્લો કહે તો તે ઊભી થઈને નમ્રતાથી હૅલ્લો કહેવાની. બોલો! આવી કહ્યાગરી અને વળી કામણગારી, (ભલે મશીન તો મશીન) સ્ત્રી તો ક્યાં મળવાની? (એ કોણ બોલ્યું કે ભગવાને તો આવી સ્ત્રી બનાવવાની જ છોડી દીધી છે! આવું મનમાંય ન વિચારાય. માર પડે.) કદાચ, માણસ ભગવાનથી પણ ચડિયાતા સર્જક બનવા તરફ દોટ લગાવી રહ્યો છે.અને એટલે જ રોબોટ એ આવનારાં દસ-પંદર વર્ષનું ભવિષ્ય નથી, બે-પાંચ વર્ષમાં જ તે સામાન્ય બની જશે. રોબોટ હવે માણસનું કામ કરવા લાગ્યો છે અને માણસોની છૂટ્ટી થઈ રહી છે. જે ચિંતાનું કારણ પણ છે અને આશાનું પણ કારણ છે. ચિંતાનું કારણ એટલા માટે કે માણસો વધુ બેરોજગાર બનશે. આશાનું કારણ એ છે કે સુખ-સુવિધાના કારણે માણસોને હવે મહેનતનાં કામો ગમતાં નથી, પગાર, રજા વગેરેની માથાકૂટ અલગ. રોબોટ બાબતે આવી કોઈ ચિંતા નહીં. આવાં કામો રોબોટ કરી આપશે. ભારતમાં સૌથી મોટી સમસ્યા અત્યારે સ્ત્રીઓ માટે કદાચ કામવાળા કે કામવાળીની છે. ઘરનાં કામો કરવા માટે આવનારાં થોડાં વર્ષોમાં રોબોટ જોવા મળે તો નવાઈ નહીં.ભારતમાં ઑલરેડી રોબોટનો પગપેસારો થઈ ચૂક્યો છે. નાની ઉંમરે જ રોબોટિક્સ (રોબોટ અંગેનું વિજ્ઞાન)ના ખેરખાં અર્જુન (૧૩), અનીશ (૧૨), શ્રીવાસ્તન (૧૩) અને વર્ષા (૨૦)એ મળીને બેંગ્લુરુના વીઆર મૉલમાં મોઢા પર હાસ્ય સાથે ભોજન પીરસતા બટલર ઑ બિસ્ટ્રૉ (બૉબ) બનાવીને મૂક્યો છે.કેટલાંક કામો એકધારા અને રોજ કરવાનાં હોય. વળી તેમાં જોખમ પણ હોય છે. આજથી વીસ વર્ષ પહેલાંની દુનિયા અલગ હતી. ભૌતિકતાવાદ એટલો પ્રસર્યો નહોતો. આજે માણસને ઝટ બે પાંદડે થઈ જવું છે. ગાડી-ઘર-સ્માર્ટ ફૉન-વૉશિંગ મશીન-ફ્રીઝ-૪૦ ઈંચનું ટીવી-ડીવીડી પ્લૅયર વગેરે અંતહીન યાદીવાળી ચીજો લેવી છે. આથી મજૂરીવાળાં કામોમાં તેને રસ પડતો નથી. વળી, તેને એક કંપનીમાંથી બીજી કંપનીમાં વધારે પગાર પર જતા રહેવાનું વલણ પણ છે કારણકે એક કંપનીમાં તેને સારો ગ્રૉથ મળતો નથી. આવી સ્થિતિમાં હવે ઉદ્યોગો પણ રોબોટ તરફ વળે તે સ્વાભાવિક છે.
ટાટા ઑટોકૉમ્પ સિસ્ટમ્સ લિ.માં અધિકારીઓ આર. એસ. ઠાકુર અને અમિત ભીંગુર્ડેના વિચારોએ બ્રેબો (બ્રેવો રોબોટનું ટૂંકું નામ)ને જન્મ આપ્યો જે ઉદ્યોગોમાં વૅલ્ડિંગ, ૧૦ કિલો જેવું ભારે વજન ઊંચકવાં સહિતનાં કામો કરી આપે છે. અત્યારે તો તેની કિંમત રૃ. પાંચ લાખથી સાત લાખ વચ્ચે છે, પરંતુ અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે માગ વધશે તો કિંમત ઘટવા સંભવ છે. ચેન્નાઈમાં સિટી યુનિયન બૅન્કે દેશના પ્રથમ બૅન્કિંગ રોબોટ લક્ષ્મીને મૂકી છે. તે ખાતેદારોના ખાતાની સિલક, હૉમ લૉન પર વ્યાજદર વગેરે જેવા પ્રશ્નોના જવાબો આપે છે. એચડીએફસી પણ ગ્રાહકોને સહાય કરવા માટે રૉબોટને મૂકવા વિચારી રહી છે.કમ્પ્યૂટર આવ્યું અને તે પછી ઘણી બધી શોધો સિલિકૉન ચિપના આધારે થવા લાગી. ઉદ્યોગોમાં ઑટોમેશન થવા લાગ્યું. કમ્પ્યૂટરના આગમનના સમયે ઘણાને ભીતિ હતી કે તેનાથી અનેક લોકો બેરોજગાર થશે, પરંતુ આ ભીતિ ખોટી પડી છે. ઉલટાનું અનેક વિકલ્પો નવા ઉભર્યા છે. રોબોટના લીધે પણ આવું થશે.વૈજ્ઞાનિકો રોજેરોજ એટલા બધા સંશોધનો અને તે પણ સફળ, કરી રહ્યાં છે કે રોજેરોજ ટેકનોલૉજી એક નવું સોપાન સર કરી રહી છે. તમે ક્યારેય વિચાર્યું હતું કે મોબાઇલમાં લાઇવ ટીવી જોઈ શકાશે? બૅંકમાંથી પૈસા ઉપાડી શકાશે, ટ્રાન્સફર કરી શકાશે? પણ આ હકીકત છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં જ સ્માર્ટ ફૉનની રીતે કેટલું પરિવર્તન આવ્યું? આ જ રીતે રોબોટ અંગે દિવસે ને દિવસે થતાં પરિવર્તનોથી આવનારા દિવસોમાં રોબોટનો એક નવો સમાજ ઊભો થશે. ‘ટર્મિનેટર’, ‘શૉચેઝર’, ‘બ્લેડરનર ૨૦૪૯’ હૉલિવૂડની ફિલ્મો તો ઘણાં વર્ષોથી સાઇબૉર્ગ, હત્યારા રોબોટ વગેરેની માનવજાત સામે લડાઈ દર્શાવવા લાગી છે. ભારતમાં પણ ટેકનોલૉજીના માસ્ટર ગણાતા શંકરે રજનીકાંતને લઈને ‘રોબો’ ફિલ્મ બનાવી હતી જેમાં જો રોબોટમાં પ્રેમ, ધિક્કાર વગેરે લાગણી ભળે તો કેટલાં ખતરનાક પરિણામ આવી શકે તે સુપેરે દર્શાવ્યું હતું.વૈજ્ઞાનિકો બ્રહ્માની જેવા બનવા જઈ રહ્યા છે. રોબોટ અને માનવ બીજી બધી રીતે સરખા જ હતા, ફરક હતો તો માત્ર લાગણીનો. સજીવ પ્રાણીઓમાં ઈશ્વરે લાગણી નામનું તત્ત્વ મૂક્યું છે. માણસને રડવું આવી શકે, હસવું આવે, ગુસ્સો આવે, દયા આવે, ભૂખ-તરસ લાગે, વિજાતીય પાત્રની હૂંફ મેળવવાની ઈચ્છા થાય. પરંતુ રોબોટને આવું કંઈ ન થાય. તે તો માણસના પ્રૉગ્રામ અને આદેશ મુજબ વર્તન કરે તેવું અત્યાર સુધી મનાતું હતું. પરંતુ સોફિયા કહે છે કે તેને પણ લાગણીઓ છે.અમેરિકાની હૅન્સન રોબોટિક્સે બનાવેલી સોફિયા નામની રોબોટ ભાવનાઓ વ્યક્ત કરે છે. આવા રોબોટને અલગ-અલગ નામો મળ્યાં છે. હ્યુમનોઇડ, સૉશિયલ રોબોટ, જેમિનોઇડ..વગેરે. કારણકે તે માનવ અને મશીનનું મિશ્રરૃપ છે, સામાજિક થઈ શકે તેવા ગુણો ધરાવે છે. સોફિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તે જાણવા જૂઓ બૉક્સ)ની મદદથી લોકોને જૂએ છે, વાતચીત સમજે છે અને સંબંધો બનાવે છે. તે જૉક કહી શકે છે, ચહેરા પર હાવભાવ બતાવી શકે છે અને તેની આસપાસ શું થઈ રહ્યું છે તે સમજી શકે છે.બ્રિટનના આઈટીવી પર આવતા લોકપ્રિય કાર્યક્રમ ‘ગુડમૉર્નિંગ બ્રિટન’માં સોફિયાએ તો પોતાના ભાવિ ભરથારની પણ વાત કરી! તેણે કહ્યું કે તેનો ભરથાર ‘અતિશય ડાહ્યો, કરુણામય, અતિશય બુદ્ધિશાળી’ છે. તેને એ પણ ખબર હતી કે તે કયા પ્રૉગ્રામમાં આવી છે! તેને પૂછ્યું કે તે અત્યારે સિંગલ છે? તો તેણે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ જેવો જવાબ આપ્યો કે “તે ટેકનિકલી માત્ર એક જ વર્ષની છે અને આથી રૉમાન્સ વિશે ચિંતા કરવા માટે નાની છે.”હવે આ વાત પણ ધ્યાનમાં લો અને આ ગંભીર વાત છે! લંડનના મેડમ તુસાદથી લઈને ભારતના લોનાવાલા પાસેના સુનીલ કંદલુરના વૅક્સ મ્યુઝિયમના લીધે આપણને ખબર છે કે મીણમાંથી અદ્દલ માણસ જેવું પૂતળું બનાવી શકાય છે. નરેન્દ્ર મોદી તેમના મીણના પૂતળા બાજુ ઊભા રહે તો ખબર ન પડે કે અસલી કોણ? તો પછી સિલિકૉનમાંથી પણ આવું થઈ શકે. આમાં થ્રીડી પ્રિન્ટિંગ (જૂઓ બૉક્સ) ભળે. તેમાં ભળે રોબોટિક્સ. એટલે નરેન્દ્ર મોદી જેવા બીજા નરેન્દ્ર મોદી તૈયાર ન થઈ શકે. અલબત્ત, ટેકનોલૉજીને હંમેશાં વહેલા આવકારતા મોદીજીએ તો ૨૦૧૪ની ચૂંટણીમાં હૉલોગ્રામ (જૂઓ બૉક્સ)નો ઉપયોગ કરી અનેક સ્થળોએ પોતે પહોંચ્યા વગર સભા સંબોધી જ હતી. આ રીતે આવી ટેકનોલૉજીનો ઉપયોગ કરનાર વિશ્વના પહેલા રાજકારણી તેઓ બન્યા હતા. અને તેમણે તો જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ સામે લડવા ૫૪૪ રોબોટને તૈનાત કરવા માટે ગઈ ઑગસ્ટમાં મંજૂરી આપી દીધી છે
જાપાનની ઓસાકા યુનિવર્સિટીના રોબોટિકિસ્ટ હિરોશી ઈશીગુરોએ તો પોતાના જેવો જ અદ્દલ રોબોટ બનાવી પણ દીધો છે! તે જાપાનીઓની સ્ટાઇલ મુજબ જ આંખ પટપટાવે છે! ચહેરોમહોરો અદ્દલ હિરોશી ઈશીગુરો જેવો જ છે. કોઈ ચોક્કસ વ્યક્તિ જેવા લાગતા રોબોટ માટે વૈજ્ઞાનિકો નવો શબ્દ વાપરે છે- જેમિનૉઇડ! આ પોતાના જેવા જ દેખાતા રોબોટને હિરોશી દૂરથી કંટ્રૉલ કરી શકે છે.
તો હ્યુમનૉઇડ, થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલૉજી, સિલિકૉન વગેરેની મદદથી વૈજ્ઞાનિકો એક નવો સમાજ રચવા જઈ રહ્યા છે. જેમ જેમ નવી ટેકનોલૉજી, નવા પ્રૉગ્રામ બનતા જશે તેમ તેમ આ હ્યુમનૉઇડ અથવા તો રોબોટ માણસ જેવા વધુ ને વધુ થતા જશે. ઑસ્ટ્રિયામાં તો એવી સેક્સ ડૉલ સામન્થા વિકસાવાઈ છે જે સ્પર્શ, આલિંગનને પ્રતિભાવ આપે છે, તેના માદક ઉંહકારા પણ હોય છે. આમ નજીકના ભવિષ્યમાં માણસ અને રોબોટનો ઘરસંસાર પણ હશે, અરે! તેમનાં બાળકો પણ હશે! પરંતુ જ્યારે બ્રહ્માએ માણસનું સર્જન કર્યું અને લાગણી મૂકી તો સ્વાભાવિક જ પ્રેમ અને ધિક્કાર બંને હશે. પ્રેમ સંસાર વધારશે તો ધિક્કારથી ઝઘડા અને લડાઈ થશે.કેનેડાના ટૅક્‌ ગુરુ અને સાઇફાઇ લેખક લોગાન સ્ટ્રીઓડ્‌જ મુજબ, આગામી ૨૫ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૪૦થી ૨૦૫૫ સુધીમાં રોબોટ અને માનવજાત વચ્ચે લોહિયાળ અને ક્રૂર યુદ્ધ જોવા મળે તો નવાઈ નહીં. અત્યારે થઈ રહ્યું છે એવો કે માણસ મશીન જેવો થતો જાય છે અને મશીન માણસ જેવાં! માણસની સંવેદનાઓ દિવસે ને દિવસે ઘટી રહી છે. મશીન પર આધારિત રહેવાના કારણે સ્મૃતિ, બુદ્ધિ, શરીરની ક્ષમતા ઘટતી જવાની સંભાવના છે. સુખસુવિધાઓ વધવાના કારણે તે મોજમજામાં જ રહેવાનો છે. અગવડતાઓ માણસની ક્ષમતા વધારે છે, સગવડતાઓ ઘટાડે છે.તો બીજી તરફ વધુ ને વધુ સારા અને આધુનિક પ્રૉગ્રામ ફિટ થવાના કારણે મશીન કહેતાં રોબોટ વધુ ને વધુ માણસ જેવા, અલબત્ત, જો વૈજ્ઞાનિકોનું ચાલ્યું તો સોફિયાની જેમ કદાચ સુપર હ્યુમન બનશે જે માણસ કરતાં ચડિયાતા હશે. આવા સંજોગોમાં કદાચ રોબોટ અને માનવજાત વચ્ચે સંઘર્ષ/યુદ્ધ/લડાઈ થાય તો રોબોટનું પલડું ભારે રહે તેવો ખતરો ચોક્કસ ઝળુંબે છે. પણ આ સાથે એક વાત ન ભૂલવી જોઈએ. ઈશ્વરે બનાવેલો માણસ હવે ઈશ્વર બનવા જઈ રહ્યો છે અને રોબોટ દ્વારા નવા માણસનું સર્જન કરી રહ્યો છે તે પણ ઈશ્વરકૃપા વગર તો સંભવ નથી જ. આથી રોબોટ અને માનવજાત વચ્ચે લડાઈ થાય તો પણ ધાર્યું ઈશ્વરનું જ થશે!
ગણિતમાં સૌથી વધુ આગળ ભારત હતું. શૂન્યની શોધ, સંખ્યાઓ, ત્રિકોણમિતિ, પાઇથાગૉરસનું પ્રમેય (પાઇથાગૉરસના નામે ભલે ઓળખાતું, તે ભારતના બૌદ્ધાયને લખ્યું હતું) આ બધામાં ભારત અગ્રેસર હતું. એટલે જ સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ભારત આગળ છે, પરંતુ એ શોધ-સંશોધનની વૃત્તિ ઓછી થઈ ગઈ.કમ્પ્યૂટ એટલે ગણવું. તેના પરથી કમ્પ્યૂટર આવ્યું. શરૃઆતમાં તેનો ઉપયોગ ગણતરી માટે જ થવાનો હતો. બ્રિટનના ચાર્લ્સ બબેજે સૌ પ્રથમ કમ્પ્યૂટર શોધ્યું. ધીમે ધીમે તેમાં વિકાસ થતો ગયો. કૉબોલ જેવી કમ્પ્યૂટરની અટપટી ભાષા શોધાઈ. યુનિક્સ જેવી અટપટી ઑપરેટિંગ સિસ્ટમ આવી. ઇન્ટેલની ડાયનેમિક એક્સેસ મેમરી ચિપ આવી. ઇથરનેટ આવ્યું. વર્ડ પ્રૉસેસર અને માઇક્રૉપ્રૉસેસર આવ્યાં. ઇન્ટરનેટ ઍક્સ્પ્લૉરર બ્રાઉઝર અને તે પછી ફાયરફૉક્સ, ગુગલ ક્રૉમ જેવાં બ્રાઉઝર આવ્યાં. સર્ચ એન્જિન ગુગલ આવ્યું. યાહુ જેવા ચેટિંગ મેસેન્જર આવ્યાં. વાઇફાઇ આવ્યું.ગણનયંત્ર તરીકેના કમ્પ્યૂટરમાંથી આજનાં કમ્પ્યૂટર અને તેના આધારે સ્માર્ટ ફૉન તેમજ રૉબોટ આ બધા સાધનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મોટો ફાળો છે. એમ કહીએ તો ખોટું નથી કે એઆઈ વગર આ બધા એકડા વગરના શૂન્ય જેવાં છે. એઆઈને સરળ ગુજરાતીમાં કહીએ તો કૃત્રિમ બુદ્ધિ. માણસમાં કુદરતે આપેલી બુદ્ધિ હોય છે જેને નેચરલ ઇન્ટેલિજન્સ (એનઆઈ) કહે છે જ્યારે મશીનોમાં માણસે આરોપેલી બુદ્ધિ હોય છે. તેથી તેને એઆઈ કહે છે. ૧૯૫૬માં પહેલી વાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ શબ્દનો ઉપયોગ કરાયો. અમેરિકાના ઇલેક્ટ્રિક એન્જિનિયર આર્થર સેમ્યૂઅલને એઆઈમાં સ્થાપક ગણવામાં આવે છે. તેણે તેના સંશોધન માટે ચેકર્સની રમતનો ઉપયોગ આઈબીએમ સાથે કામ કરતી વખતે કર્યો હતો. જેના લીધે આઈબીએમ કમ્પ્યૂટરોના પ્રૉગ્રામિંગમાં સુધારો થયો.
રોબોટ એ બીજું કંઈ નથી પરંતુ એક જાતનું યંત્ર જ છે જેને માનવનો આકાર અપાયો છે. આ એવું યંત્ર છે જેમાં કમ્પ્યૂટરની જેમ પ્રૉગ્રામ નખાયા હોય છે. રોબોટની સૌ પ્રથમ રચના કોણે કરી તે જો પાશ્ચાત્ય આધારે જોવામાં આવે તેમાં ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કિતાસનું નામ આવે છે, પરંતુ આજે જે રીતે રોબોટનું સોફિયા, સામંથા અને હિરોશી ઈશીગુરોના જેમિનૉઇડ સ્વરૃપ વિકસ્યાં છે તે જોતાં કદાચ એમ કહેવું ખોટું નથી કે મા પાર્વતીએ ગણેશજીના સ્વરૃપમાં પહેલો રોબોટ બનાવ્યો હતો. અલબત્ત, આ ચર્ચા-મંથનનો વિષય હોઈ શકે. આજે તો ગણેશજીની આરતી ઉતારે તેવા રોબોટ બની ગયા છે!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ એટલી હદે વધી રહ્યો છે કે હવે સામન્થા જેવી સેક્સ રોબોટ પણ વિકસાવાઈ છે. તેના ચહેરા, હાથ, સ્તન અને ગુપ્તાંગમાં સેન્સર મુકાયા હોય છે. તેથી તેની સાથે સેક્સ માણી શકાય છે, પણ તે સામાન્ય સ્ત્રી જેવી જ છે. જો સીધો જ હાથ તેના સ્તન પર મૂકવામાં આવે તો તેને ગમતું નથી. પરંતુ સામન્થા માત્ર સેક્સ ડૉલ પૂરતી સીમિત નથી. આરન નામના તેના માલિકના ઘરમાં તે એક સભ્યની જેમ રહે છે. તે આરનનાં બાળકોને વાર્તા કહી શકે છે. સામન્થા પ્રાણીઓ વિશે વાત કરી શકે છે, અરે ફિલૉસોફી વિશે પણ તે વાત કરી શકે છે. આમ સામન્થા દરેક પુરુષની ઈચ્છા મુજબની સ્ત્રી છે- કાર્યેષુ મંત્રી શયનેષુ રંભા.

Related posts

દેવે ગોવડાના ભાવ અચાનક વધી ગયાં

aapnugujarat

સત્ય વાત : દાદા – દાદીને શીખ : ન માંગવી પડે ભીખ

aapnugujarat

વિશ્વના કોઈ દેશ કરતા ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1