Aapnu Gujarat
ગુજરાત

નોટબંધીની અસરમાં મંદ પડ્યું ગુજરાતનું અર્થતંત્ર, આવકવેરા ખાતું તેના ટાર્ગેટને સિદ્ધ કરવામાં નિષ્ફળ

ગુજરાતનું આવકવેરા ખાતું રૂ.૪૭૪૩૮ કરોડની આવકવેરાની આવક કરવાના ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના ટાર્ગેટને પાર કરવામાં અંદાજે રૂ. ૩૦૦૦ કરોડથી ચૂકી ગયું છે. નોટબંધીની અસરમાં મંદ પડી ગયેલા અર્થતંત્રના કારણે ઘણાં વર્ષો પછી ગુજરાતનું આવકવેરા ખાતું તેના ટાર્ગેટને સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડયું છે. એક્સિસ બૅન્કની નોન પરફોર્મિંગ એસેટ્‌સ વધી જતાં તેણે નફામાંથી એનપીએ સામે જોગવાઈ કરવા પાછળ જ મોટી રકમ ફાળવવી પડી હોવાથી એડવાન્સ ટેક્સ પેટે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે અંદાજે રૂ. ૨૫૦૦ કરોડ જેટલા ઓછા જમા કરાવ્યા હોવાથી ગુજરાતનું આવકવેરા ખાતું ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં રૂ. ૪૭,૪૩૮ કરોડની આવક કરવાના ટાર્ગેટથી અંદાજે રૂ. ૩૦૦૦ કરોડ પાછળ રહી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે કે એક્સિસ બૅન્ક સામાન્ય રીતે રૂ. ૫૦૦૦ કરોડની આસપાસનો એડવાન્સ ટેક્સ જમા કરાવે છે. આ વરષે તેનો એડવાન્સ ટેક્સ રૂ. ૨૫૦૦ કરોડથી ઓછો આવ્યો છે. તેથી તેના થકી થતી આવકવેરાની આવકમાં રૂ. ૨૫૦૦ કરોડનું ગાબડું પડી ગયું છે.
આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે કે ગયા વર્ષે એડવાન્સ ટેક્સની રૂ. ૨૦૩૬૭ કરોડની આવક થઈ હતી. તેની સામે આ વર્ષે એડવાન્સ ટેક્સની આવક ૧૩.૨૧ ટકા વધીને રૂ. ૨૩૦૫૬ કરોડની થઈ છે.આમ એડવાન્સ ટેક્સની આવક વધી છે, પરંતુ એક્સિસ બૅન્ક દ્વારા જમા કરાવવામાં આવતા એડવાન્સ ટેક્સમાં ઘટાડો થયો છે. જોકે આ વખતે કોર્પોરેટ તરફથી જમા કરાવવામાં આવતા એડવાન્સ ટેક્સ રૂ.૧૫૦૨૧ કરોડના છે. તેની સામે વ્યક્તિગત કરદાતાઓ દ્વારા જમા કરાવવામાં આવતો એડવાન્સ ટેક્સ રૂ. ૮૦૩૫ કરોડ જમા થયો છે. જોકે ૨૦૧૬-૧૭ના વર્ષની તુલનાએ કોર્પોરેટ ટેક્સની આવકમાં ૧૧ ટકા એટલે કે રૂ. ૧૩૫૩૨ કરોડ હતી તે ૨૦૧૭-૧૯માં વધીને ૧૫૦૨૧ કરોડ થઈ છે. આ જ રીતે વ્યક્તિગત કરદાતા દ્વારા ૨૦૧૬-૧૭માં રૂ. ૬૪૮૦ કરોડ એડવાન્સ ટેક્સ તરીકે જમા કરાવવામાં આવ્યો હતો. તેની સામે ૨૦૧૭-૧૮માં વ્યક્તિગત એડવાન્સ ટેક્સની આવક ૨૪ ટકા વધીને રૂ. ૮૦૩૫ કરોડની થઈ છે. જોકે ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં કરદાતાઓની સંખ્યામાં વધારો થાય તે માટે આવકવેરા ખાતાએ ખાસ્સા પ્રયાસો કર્યા હતા.આ પ્રયાસોને પરિણામે આવકવેરા ખાતાએ અંદાજે ૧૦ લાખ જેટલા કરદાતાઓનો ગુજરાતના કરદાતાઓમાં ઉમેરો કરવામાં સફળતા મેળવી છે. તેમ છતાંય ૫મી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં આવકવેરા ખાતાની કચેરીમાં ગુજરાતની આવકવેરાની થયેલી આવકના એકત્રિત થયેલા આંકડાઓ મુજબ ગુજરાતની વાર્ષિક આવકવેરાની આવકમાં અંદાજે રૂ. ૩૦૦૦ કરોડનું ગાબડું પડયું છે.
જોકે નોટબંધી પછી આ વર્ષ દરમિયાન રોકડની અછત રહેતા વેપાર ધંધાઓ જોઈએ તેટલા સંગીન થયા નથી. તેથી પણ આવકવેરાની આવક પર અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોર્પોરેટ ટેક્સના આંકડાઓમાં પણ ખાસ્સી વધઘટ થઈ હોવાનું આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે.

Related posts

अहमदाबाद  : स्वाइन फ्लू से और ४ लोगों की मौत

aapnugujarat

राहुल ने जीएसटी को गब्बर सिंह टैक्स के तौर पर बताया

aapnugujarat

બોટાદમા નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1