Aapnu Gujarat
ગુજરાત

ખોખરા રેલ્વે ઓવરબ્રીજને તોડીને સિક્સ લેન બ્રીજ કરાશે

શહેરના ૫૦ વર્ષ જૂના ખોખરા રેલવે ઓવરબ્રિજ કે જેનો એક ભાગ ઓક્ટોબર ૨૦૧૫માં અકસ્માતે તૂટી પડ્‌યો હતો જેના કારણે એક વ્યક્તિને ઈજા થઈ હતી. જો કે, સ્થાનિક રહીશો સહિત અમદાવાદના નગરજનો માટે રાહતની વાત એ છે કે, હવે વર્ષો જૂના આ બ્રિજને સંપૂર્ણ તોડીને નવો સિક્સ લેન બ્રીજ બનાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ‘કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ વિસ્તરણના પ્લાન અને ડીઝાઇનને રેલવે વિભાગે મંજૂરી આપી દીધી છે, તેથી હવે આ બ્રીજને તોડીને નવો સિક્સ લેન બ્રીજ બનાવવાનો માર્ગ મોકળો થયો છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ બ્રિજ પર ટ્રાફિક વધુ હોવાના કારણે જૂનો બ્રિજ ખૂબ જ નાનો પડતો હતો જેના કારણે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’ અમ્યુકોના અધિકારીઓના મતે ‘ટૂંક સમયમાં જ આ બ્રીજ પરથી વાહનોની અવરજવર બંધ કરવા માટે નોટિફિકેશન ઈશ્યુ કરવામાં આવશે. ટુ લેન ઓવરબ્રિજના વિસ્તરણથી રેલવે વિભાગને પણ ફાયદો થશે કેમ કે તેઓ પોતાના ટુ લાઇન ટ્રેકને વિસ્તાર કરીને ત્રીજી લાઇન નાખવાનું વિચારી રહ્યા છે.’ રેલવે અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે,‘ખોખરા રેલ્વે ઓવર બ્રિજ નીચેનો વિસ્તાર ખૂબ જ નાનો અને સાંકડો હતો. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુલ વિસ્તરણની પ્રપોઝલ મુકી કે તરત જ રેલવે વિભાગ આ બાબતે સહમત થઈ ગયો.’ ઓવરબ્રિજમાં બાંધકામમાં ટ્રેક ઉપર આવતો પુલનો ભાગ ભારતીય રેલવે બનાવશે જ્યારે બાકીનો ભાગ અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા બનાવાશે. આ સિવાય કાલુપુરથી વટવા વચ્ચે એક ત્રીજી લાઇન નાખવી જરુરી છે. જેથી ઘણીવાર મુંબઈ તરફથી આવતી ટ્રેનને સ્ટેશન બહાર પ્લેટફોર્મ માટે જે ૩૦ મિનિટ જેટલો સમય રાહ જોવી પડે છે તે ન જોવી પડે, તેથી તે ત્રીજી લાઇન નાંખવાનું કામકાજ હાથ ધરાશે. ઉદાહરણ તરીકે મુંબઈથી અમદાવાદ આવવા માટે કર્ણાવતી બપોરે ૧-૪૦ વાગ્યે નીકળે છે અને ડબલ ડેકર બપોરે ૨-૨૦ વાગ્યે નીકળે છે જોકે બંને ટ્રેન અમદાવાદ એક સાથે જ પહોંચે છે. તેથી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જો ત્રીજો ટ્રેક ચાલુ કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ આવી શકે છે. આ માટે કાલુપુરથી વટવા સુધી ૧૦ કિમીનો ટ્રેક બિછાવવા માટે રુ.૩૮ કરોડ ખર્ચ થશે. આગામી દિવસોમાં ઉપરોકત પ્રોજેકટ સંબંધી કાર્યવાહી પૂરજોશમાં શરૂ થઇ જશે.

Related posts

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ યોજાયો

editor

પ્લાસ્ટિક પ્રતિબંધ : ડીમાર્ટ-હેન્ડલુમમાં દરોડા

aapnugujarat

અનામત સિવાય પણ વ્યકિત જીવનમાં આગળ વધી શકે છે : સામ પિત્રોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1