Aapnu Gujarat
ગુજરાત

સાવલીમાં યોજાયેલ સર્વધર્મ સમૂહલગ્‍નોત્‍સવ વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો

મુખ્‍યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણીએ સમૂહ લગ્‍ન પ્રથાને સમયની માંગ ગણાવતાં જણાવ્‍યું હતું કે સમૂહ લગ્‍નપ્રથાને સંપન્‍ન વર્ગોની સામાજિક સ્‍વીકૃતિ મળી છે, ત્‍યારે સમૂહ લગ્‍નો સામાજિક સમરસતાના ધોતક બની રહયા છે. આ અવસરે મુખ્‍યમંત્રીશ્રીએ રાજય સરકારની યોજના હેઠળ દિવ્‍યાંગ નવયુગલોને રૂા. એક-એક લાખ આપવાની જાહેરાત કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતું કે ભારતીય સંસ્‍કૃતિની પરંપરા મુજબ લગ્‍ન એ બે વ્‍યકિતનું માત્ર મિલન નથી પરંતુ સમગ્રયતા પરિવારનું મિલન છે. ભારતીય સંસ્‍કૃતિમાં નારી શકિતસ્‍વરૂપા તથા લક્ષ્‍મીજીનું સ્‍વરૂપ ગણાય છે, ત્‍યારે નારી પરંપરાની આપણી સંસ્‍કૃતિને ઉજાગર કરવા તેમણે મહિલાઓને સન્‍માન આપવા અનુરોધ કર્યો હતો.

વડોદરા જિલ્‍લાના સાવલી ખાતે સમાજ ઉપયોગી અને સમાજ સુધારક પરંપરાને આગળ ધપાવતા ધારાસભ્‍ય શ્રી કેતનભાઇ ઇનામદારની દોરવણી હેઠળ શ્રી મહેન્‍દ્રભાઇ જશભાઇ ચેરીટી ટ્રસ્‍ટ દ્વારા આયોજિત સ્‍વ.મહેન્‍દ્રભાઇ જશભાઇ ઇનામદારના જન્‍મદિન નિમિત્તે યોજાયેલ ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્‍નોત્‍સવને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ, વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્‍થિતિમાં ખુલ્‍લો મુકયો હતો. આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્‍તોત્‍સવમાં ૫૩૧ હિન્દુ, ૧૦ મુસ્‍લિમ અને એક ખ્રિસ્‍તી સહિત કુલ ૫૪૨ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ સમૂહ લગ્‍નોત્‍સવમાં ચાર દિવ્‍યાંગ યુગલોએ પણ પ્રભુતામાં ડગ માંડયા હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ધારાસભ્‍યશ્રી કેતનભાઇ ઇનામદારે તેમના પિતાશ્રીના જન્‍મદિને જાતિવાદ, જ્ઞાતિવાદ અને ધર્મવાદથી ઉપર ઉઠીને કોઇપણ જાતના ભેદભાવ વગર સર્વજ્ઞાતિય સમૂહ લગ્‍નોત્‍સવનું આયોજન કરી સમાજ સેવાનું ઇશ્‍વરીય કાર્ય કર્યું છે તે સરાહનીય છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સાવલીમાં યોજાયેલા આ અનોખા સર્વજ્ઞાતિય સમૂહ લગ્‍નોત્‍સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. જે બદલ તેમણે ધારાસભ્‍યશ્રીને અભિનંદન આપ્‍યા હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ સમૂહ લગ્‍નમાં જોડાયેલા નવદંપતિઓને સુખી અને સમૃધ્‍ધ લગ્‍નજીવનના શુભાષિશ પાઠવ્‍યા હતા.

સમૂહ લગ્‍નોત્‍સવમાં લગ્‍નગ્રંથીથી જોડાનાર ૫૪૨ નવયુગલોને ગૃહસ્‍થજીવનની સરળ અને સુખરૂપ શરૂઆત માટે ૫૬ જેટલી ચીજવસ્‍તુઓની ભેટ સોગાદ આપવામાં આવી હતી. સમૂહલગ્‍નમાં જોડાયેલ વરરાજાઓની શણાગારેલા ટ્રેકટરોમાં બેન્‍ડવાદન અને આતશબાજી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ધારાસભ્‍યશ્રી કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્‍નોત્‍સવની વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવામાં આવી છે. જે અંગેનું પ્રમાણપત્ર મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે ધારાસભ્‍યશ્રીને અર્પણ કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોના હસ્‍તે દિવ્‍યાંગ યુગલોને સ્‍મૃતિચિન્‍હ આપવામાં આવ્‍યા હતા.

વિધાનસભાના અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્‍યું કે ૫૪૨ જેટલી દિકરીઓના કન્‍યાદાનના ભગીરથ પૂણ્યનું કામ ધારાસભ્‍યશ્રી કેતનભાઇ ઇનામદારે કર્યું છે જે અભિનંદનીય છે.

સમૂહલગ્‍નના આયોજનમાં કોઇ એક જ્ઞાતિ જોડાયેલી હોય છે. પરંતુ સમાજ જીવન સાથે જોડાયેલી કોઇ વ્‍યકિત ૫૪૨ જેટલા નવયુગલોના સમૂહલગ્‍ન કરે તેવું ભાગ્‍યે જ જોવા મળે એવી લાગણી વ્‍યકત કરતાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર શ્રી કેતનભાઇ ઇનામદારે સમાજ સેવાનું પવિત્ર અને પૂણ્યશાળી કાર્ય કરી સ્‍વ. પિતાશ્રીની ઇચ્‍છાને પૂર્ણ કરી છે. શ્રી ચુડાસમાએ નવયુગલોને સુખી અને સમૃધ્‍ધ  લગ્‍નજીવનના આર્શીવાદ પાઠવ્‍યા હતા.

પ્રારંભમાં સાંસદ શ્રીમતી રજંનબેન ભટ્ટે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં સમૂહ લગ્‍નોત્‍સવના આયોજક અને ધારાસભ્‍યશ્રી કેતનભાઇ ઇનામદારે સૌનો ઋણ સ્‍વીકાર કર્યો હતો.

આ અવસરે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, પક્ષ અગ્રણી શ્રી દિલુભા ચુડાસમા, મેયરશ્રી ભરત ડાંગર, ભાર્ગવભાઇ ભટ્ટ, ધારાસભ્‍યશ્રીઓ, કલેકટર  શાલિની અગ્રવાલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી વી.એ.વાઘેલા, ઇનામદાર પરિવારના મોભીઓ, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં  નાગરિકો હાજર રહયા હતા.

Related posts

કચ્છની સૂકી ધરતી બનશે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર

aapnugujarat

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વિરુદ્ધ સ્વયંમ સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1