Aapnu Gujarat
ગુજરાત

રાજદ્રોહ કેસ : હાર્દિક સામે જામીનપાત્ર વોરંટ જારી

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો કરી રાજયમાં હિંસા, તોડફોડ અને કોમી વૈમનસ્ય ફેલાવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસમાં આજે અત્રેની સેશન્સ કોર્ટે પાટીદાર નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. રાજદ્રોહના કેસની સુનાવણી દરમ્યાન આજે હાર્દિક પટેલ અદાલત સમક્ષ હાજર નહી રહેતાં કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને હાર્દિક પટેલના આ વલણ પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે આગામી મુદતે તા.૨૫મી એપ્રિલના રોજ આરોપી હાર્દિક પટેલને ખાસ અદાલત સમક્ષ હાજર રહેવા પણ કડક આદેશ કર્યો હતો. એ દિવસે રાજદ્રોહ કેસમાં ચાર્જફ્રેમની મહત્વની કાર્યવાહી હાથ ધરાય તેવી પૂરી શકયતા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યા બાદ હાર્દિક પટેલ તરફથી ત્રણ જુદી જુદી અરજીઓ કરી આ કેસનું કામ તાત્કાલિક બોર્ડ પર લેવા, તેની વિરૂધ્ધ જારી કરાયેલું જામીનપાત્ર વોરંટ રદ કરવા અને કેસની સુનાવણી દરમ્યાન તેને હાજર રહેવામાંથી મુકિત આપવા માટે માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આકરા વલણ સાથે આ ત્રણેય અરજીઓ ફગાવી દીધી હતી અને હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. રાજદ્રોહ કેસની સુનાવણી દરમ્યાન આજે સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે મહત્વની દલીલ કરતાં જણાવ્યું હતું કે, આરોપી હાર્દિક પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી અને ઘણી મુદતોથી આ કેસમાં અદાલત સમક્ષ હાજરી આપવામાં આવતી નથી. જામીન આપતી વખતે અદાલતની શરતોમાં પણ કેસના ટ્રાયલ વખતે આરોપીએ દર મુદતે હાજર રહેવાની સ્પષ્ટ તાકીદ કરાતી હોય છે. સુપ્રીમકોર્ટે પણ આ અંગે ચુકાદાઓ જારી કરેલા છે ત્યારે આરોપીઓ દ્વારા રાજદ્રોહના ખૂબ જ સંવેદનશીલ અને અતિમહત્વના કેસની સુનાવણીને ભારે હળવાશથી લેવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.
આ સંજોગોમાં કોર્ટે આરોપી હાર્દિક પટેલના વલણ સામે કાયદાનુસાર પગલા લેવા જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ કોર્ટે આરોપી હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. એટલું જ નહી, કોર્ટે હાર્દિક પટેલના વકીલને આગામી મુદતે તેને અદાલત સમક્ષ હાજર રાખવા કડક તાકીદ કરી હતી. કોર્ટે રાજદ્રોહ કેસની વધુ સુનાવણી ૨૫મી એપ્રિલના રોજ મુકરર કરી હતી. એ દિવસે આરોપીઓ વિરૂધ્ધની ચાર્જફ્રેમની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. આજે કેસની સુનાવણી દરમ્યાન આરોપી ચિરાગ પટેલ પણ હાજર રહ્યો ન હતો, જો કે, તેની એક્ઝમ્પ્શનની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જો કે, કોર્ટે હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન ભાજપ સરકારની સામે પડનાર અને સરકારના નાકમાં દમ કરી નાંખનાર પાસના નેતા હાર્દિક પટેલને ટૂંકા ગાળામાં લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે.હાર્દિકે હજુ પણ ભાજપ વિરુદ્ધની પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી છે, ચૂંટણી દરમિયાન તેણે અનેક સ્થળે મંજૂરી વગર રેલીઓ અને સભાઓ પણ કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળે જુદા કારણો આપી મંજૂરી મેળવી અને રાજકીય ભાષણો આપ્યા હતા. જેને કારણે તેની સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદો નોંધાયેલી છે. જેમાં હજી પણ વધારો થશે, હાર્દિકે જ્યાં પણ નિયમનો ભંગ કરી સભાઓ અને રેલીઓ કરેલી છે, એવા તમામ વિસ્તારમાં તેની સામે ફરિયાદ થશે. ટૂંકમાં ભાજપ સરકાર પણ હવે હાર્દિક પટેલ સામેનો હિસાબ પતાવવાના મૂડમાં હોય તેમ જણાય છે.

Related posts

માસ્ક નિયમના ધજાગરા ઉડાડી પોલીસ કાફલા સાથે ભાઈગીરી કરતી એમ.પી.ની મહિલાઓ

editor

મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી.

editor

અમદાવાદ મ્યુનિની ઓનલાઈન ફરિયાદ માટેની સેવા ઠપ્પ થઈ ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1