Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાતમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવાયું

સમગ્ર ગુજરાત રાજયમાં હવેથી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવાયુ છે. અંગ્રેજીની ઘેલછામાં ગુજરાતી ભાષાની થઇ રહેલી ઉપેક્ષા અને તે આપણી માતૃભાષા હોઇ તેને કોઇપણ સંજોગોમાં અવગણી શકાય નહી તે દ્રષ્ટિકોણથી ભાજપ સરકારે બહુ સન્માનજનક કહી શકાય તેવા એક મહત્વના નિર્ણય મારફતે ગુજરાત રાજયમાં હવેથી ગુજરાતી ભાષાના શિક્ષણને ફરજિયાત કરી દેવાયું છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામાએ આ અંગેની મહત્વની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયને પગલે ગુજરાતી પ્રેમી સહિત સમગ્ર ગુજરાતની જનતામાં એક ગૌરવ અને આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી હતી. ગુજરાતની ભાષા ધીરે ધીરે લુપ્ત થઇ રહી હોવાની કાગારોળ અને વાલીઓનો પોતાના સંતાનોને ઇંગ્લીશ મીડિયમમાં જ ભણાવવાના વધતા જતા ક્રેઝને પગલે ગુજરાતી ભાષાની કયાંક ને કયાંક ઉપેક્ષા થઇ રહી હતી અને તેને લઇને જ આજે રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં ગુજરાતી ભાષાને આદર અપાવતા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ, હવેથી રાજયમાં કોઇપણ બોર્ડની શાળા હશે પરંતુ તે શાળામાં વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાતપણે આપવાનું રહેશે. શિક્ષણમંત્રીએ વિધાનસભા ગૃહમાં આ અંગેની જાહેરાત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, સરકારના ગુજરાતી ભાષાના શિક્ષણને શાળામાં ફરજિયાત બનાવતા નિર્ણયનો અમલ વર્ષ ૨૦૧૮-૧૯ના પહેલા સત્રથી જ કરી દેવામાં આવશે. સરકારની આ જાહેરાતને પગલે હવે ગુજરાત રાજયમાં નવા સત્ર એટલે કે, જૂન-૨૦૧૮થી અથવા જે શાળાઓમાં સત્ર વહેલુ શરૂ થતુ હશે તેવી શાળાઓમાં બીજા સત્રથી ગુજરાતી વિષય ફરજિયાતપણે ભણાવવામાં આવશે. આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાથે સાથે હવે સીબીએસઇ, આઇસીએસઇ, આઇબી, સીઆઇએસસીઇ અને આઇજીસીએસઇ સહિતના તમામ બોર્ડની શાળાઓમાં ધોરણ-૧થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Related posts

રાજ્યભરમાં એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના લાગૂ કરાઈ

aapnugujarat

ધોરણ-૧૦નું પરિણામ ૨૯ મેના દિવસે જાહેર કરાશે

aapnugujarat

ગાયનેક ડોકટર માટે તાલીમ અને પરીક્ષા ફરજિયાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1