Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ-૧૦નું પરિણામ ૨૯ મેના દિવસે જાહેર કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૧૫મી માર્ચથી તા.૨૫મી માર્ચ દરમ્યાન લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ તા.૨૯મી મે ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૦નું પરિણામ વેબસાઇટની સાથે સાથે માર્કશીટ મારફતે એ જ દિવસે મળી જાય તેવું આયોજન બોર્ડ દ્વારા કરાયું છે. ધોરણ-૧૦ની પરીક્ષામાં આ વખતે વિક્રમજનક ૧૧.૦૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેઓનું પરિણામ આગામી સોમવારે જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ના પરિણામની તારીખની સત્તાવાર જાહેરાત કરાઇ છે, જે મુજબ, ધો-૧૦નું પરિણામ તા.૨૯મી મેના રોજ સવારે આઠ વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવાશે. વિદ્યાર્થી પોતાના બેઠક નંબર દ્વારા બોર્ડનું પરિણામ જોઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. ધોરણ-૧૦ના પરિણામની સાથે સાથે સંસ્કૃત પ્રથમાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૦ના પરિણામના દિવસે બોર્ડ દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં માર્કશીટ મોકલી દેવાશે. જેથી સ્કૂલો જિલ્લાના વિતરણ કેન્દ્રો પરથી સવારે ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા દરમ્યાન માર્કશીટ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ, ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ માર્કશીટ પણ મળી જાય તેવું આયોજન બોર્ડ દ્વારા કરાયું છે.
બોર્ડ દ્વારા આ વખતે ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ સૌપ્રથમ જાહેર કરાયું હતું. હવે ધોરણ-૧૦ના પરિણામની તારીખ બોર્ડે જાહેર કરી છે ત્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ સંભવતઃ ધો-૧૦ના પરિણામ પછી જાહેર કરાય તેવી શકયતા સૂત્રોએ વ્યકત કરી હતી. બોર્ડ દ્વારા ધો-૧૦ના પરિણામને જાહેર કરવાની ઔપચારિકતાને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે.

Related posts

ધોરણ ૧૦ પરિણામ : વિદ્યાર્થીનીઓએ બાજી મારી

aapnugujarat

ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મોટી પહેલ : ૮૦ હજાર માસિક સ્કોલરશીપ સ્કીમને આખરે મળેલ બહાલી

aapnugujarat

હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન ન આપવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1