Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સીલની આજે ચૂંટણી થશે : ૯૯ ઉમેદવારો મેદાનમાં

આજે ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી અને અત્યંત રસાકસીભરી ચૂંટણી યોજાનાર છે. બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની ચૂંટણી માટે ૯૯ ઉમેદવારો મેદાનમાં છે. રાજયભરના વકીલઆલમમાંથી ૫૦ હજારથી વધુ વકીલ મતદારો આ મતદાનમાં ભાગ લેશે. ગુજરાત બાર કાઉન્સીલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઇ રાજયભરના વકીલઆલમમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ છવાયો છે. આવતીકાલે રાજયભરમાં આશરે ૧૩૮થી વધુ મતદાનમથકો પર વકીલ મતદારો મતદાન કરી શકશે. ઉમેદવારો દ્વારા અમદાવાદ સહિત રાજયભરમાં તેમનો પ્રચાર છેલ્લા તબક્કામાં અને ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતની ચૂંટણીમાં એકબાજુ, ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય વિજયભાઇ એચ.પટેલ, જામનગરના મનોજ અનડકટ, મહેસાણાના કિશોર ત્રિવેદી, આઁણંદના સી.કે.પટેલ જેવા ઉમદવારોની જીત નિશ્ચિત મનાઇ રહી છે. તો બીજીબાજુ, બાર કાઉન્સીલની બહુ મોટા ગજાની ચૂંટણીમાં નવા ઉમેદવારો એટલે કે, નવા નિશાળીયાઓ માટે તો કપરા ચઢાણ છે. આ ચૂંટણીમાં એકબાજુ, માત્ર પ્રતિષ્ઠા અને હોદ્દાના શોખ ખાતર મેદાનમાં ઝંપલાવનારા ઉમેદવારો પણ છે તો બીજીબાજુ, વકીલોના હિત અને કલ્યાણકારી કાર્યો માટે હરહંમેશ સમર્પિત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિજય એચ.પટેલ જેવા સેવાભાવી અને દૂરંદેશી ઉમેદવારો પણ છે. આવતીકાલના મતદાનને લઇ વકીલ ઉમેદવારોએ છેલ્લી ઘડીની ખાસ સ્ટ્રેટેજીઓ પણ ગોઠવી છે. ગુજરાતના વકીલઆલમ અને ન્યાયતંત્રમાં ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી બહુ પ્રતિષ્ઠાભરી અને અતિમહત્વની ગણાય છે કારણ કે, તે વકીલોની માતૃસંસ્થા છે, તેથી તેની મહત્વતા સ્વાભાવિક રીતે જ વધી જાય છે. બાર કાઉન્સીલની આવતીકાલની ચૂંટણીને લઇ વકીલ ઉમેદવારો માટે આજની રાત કતલની રાત જેવી છે અને તેમણે રાજયભરના જિલ્લા-તાલુકા અને આંતરિયાળ ગામોના ખૂણેખૂણાના વકીલોને પોતાની તરફેણમાં મતદાન કરવાનો પ્રચાર સંદેશો પહોંચાડયો હતો. મોડી રાત સુધી વોટ્‌સઅપ, ટવીટર સહિત સોશ્યલ મીડિયા મારફતે પણ છેલ્લી ઘડીના પ્રચારના પ્રયાસો ઉમેદવારોએ ચાલુ રાખ્યા હતા. વકીલ ઉમેદવારોએ મતદારોને આકર્ષવા વિવિધ જાહેરાતો અને ભાવિ આયોજનો પણ વિચારી રાખ્યા છે. જેમાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય વિજયભાઇ એચ.પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજીટલ ઇન્ડિયાની મુહીમને સાર્થક કરતી બાર કાઉન્સીલમાં ઇ-પેમેન્ટ અને ઓનલાઇન સીસ્ટમ અમલી બનાવવાની ઉમદા નેમ જાહેર કરી છે. એટલું જ નહી, વકીલો અને તેમના પરિવારના કલ્યાણને ધ્યાનમાં રાખી બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન વિજયભાઇ એચ.પટેલે વકીલોની વેલ્ફેર ફંડની રકમ વધારવા મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવા કાયદામાં જરૂરી સુધારો કરવા તજવીજ હાથ ધરવાની પણ હૈયાધારણ વકીલઆલમને આપી છે.બાર કાઉન્સીલમાં ઇ-પેમેન્ટ, તમામ ફી અને પેમેન્ટ ઓનલાઇન સ્વીકારવા, વકીલોને કોઇ ફરિયાદ કે રજૂઆત હોય તો કમ્પલેઇન પોર્ટલ/ઇન્ફર્મેશન પોર્ટલ, વકીલોના ડેટાનું ડિજીટલાઇઝેશન, તમામ ઠરાવો-ઓનલાઇન સહિત બાર કાઉન્સીલનું ડિજીટલાઇઝેશન શકય બનાવવા પણ ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય અને ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ વિજયભાઇ હરિશ્ચંદ્ર પટેલે કાર્યવાહી કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. સમગ્ર રાજયમાં કદાચ એકમાત્ર વકીલ હશે કે જેમણે વકીલો માટેની મૃત્યુ સહાયમાં નોમીનીમાં પોતાના સંતાનો કે પરિવારજનોનું નામ લખવાને બદલે ગુજરાત બાર કાઉન્સીલનું નામ લખાવ્યુ છે, આ જ તેમની સમગ્ર વકીલઆલમ પ્રત્યેનો અનન્ય પ્રેમ, સમર્પિતતા અને પ્રતિબધ્ધતા દર્શાવે છે. રાજકીય કદ ધરાવતા અને વકીલોના હિત માટે કરેલા કલ્યાણકારી કાર્યોને લઇ ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય અને ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ વિજયભાઇ હરિશ્ચંદ્ર પટેલને રાજયના વકીલ આલમમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો હોઇ તેમનો વિજય લગભગ નિશ્ચિત મનાઇ રહ્યો છે, તો તેમની સાથે સાથે જામનગરના મનોજ અનડકટ, મહેસાણાના કિશોર ત્રિવેદી, આઁણંદના સી.કે.પટેલ, બકુલેશ પંડયા જેવા ઉમદવારોની જીત નિશ્ચિત મનાઇ રહી છે. વકીલઆલમમાં આ તમામ ઉમેદવારોને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે, જો આ જૂના મહારથીઓ બાર કાઉન્સીલમાં આવે તો તેનો વહીવટ અને સંચાલન સુચારુ, પારદર્શક અને તટસ્થતાપૂર્વક શકય બને. બીજીબાજુ, કેટલાક નવા નિશાળિયા જેવા ઉમેદવારો માટે આ વખતની બાર કાઉન્સીલની ચૂંટણી કપરા ચઢાણ સમી બની રહી છે, તો વળી કેટલાક ઉમેદવારો વિરૂધ્ધ તો ખુદ તેમના જ એસોસીએશનમાં આંતરિક રોષ અને અસંતોષ હોવાની વાતો સામે આવી રહી છે. આવતીકાલની બાર કાઉન્સીલની ચૂંટણીમાં અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ અને ભદ્ર કોર્ટ ખાતેના બે મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. અમદાવાદના ૧૩ હજારથી વધુ વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાત બાર કાઉન્સીલના ચૂંટણી તંત્ર દ્વારા પણ આવતીકાલની ચૂંટણી કે મતદાન દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની પૂરતી વ્યવસ્થા અને બંદોબસ્ત કરાયા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

USમાં ઘૂસવાના પ્રયાસમાં કેનેડા બોર્ડર પર ભારતીય પરિવાર સહિત આઠ લોકોના મોતથી હડકંપ

aapnugujarat

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આડેધડ દંડ ફટકારતા વેપારીઓ હડતાલ પર ઉતર્યા

aapnugujarat

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1