Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૨૪ દિનમાં ૪૦૮ કેસો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં બેવડી સિઝનમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૨૪ દિવસના ગાળામાં જ ફેબ્રુઆરી મહિનામાં ઝાડા ઉલ્ટીના ૪૦૮, કમળાના ૧૬૦, ટાઇફોઇડના ૧૬૬ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૩૫ કેસ ફેબ્રુઆરી મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૬ કેસ નોંધાઈ ચુક્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૫૦૬૬ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૨૪મી ફેબ્રુઆરી સુધીમાં ૬૨૯૫૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનામાં ૧૪૧૬ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પરિણામને લઇને ચર્ચા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆત બાદ બે મહિનામાં હજુ સુધીમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થયો છે. ડેંગ્યુ અને એન્ય રોગના કેસોમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭માં હેલ્થ ફ્લાઇંગ સ્કોવોર્ડ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૧૮માં ૧૩૪ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ અપ્રમાણિત જાહેર થયા હતા જ્યારે ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં ૧૦૬ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી બે નમૂના અપ્રમાણિત જાહેર થયા છે.

Related posts

સંસ્કૃતિમાં સમૂહલગ્ન પ્રણાલી અનુમોદનીય : વિજય રૂપાણી

aapnugujarat

સુરતમાં કામો ન કરનારા સાંસદો અને ધારાસભ્યોની વિરૂદ્ધ પોસ્ટરો

aapnugujarat

થરા નગરપાલિકા વિસ્તારમાં બનેલા રોડમાં ભ્રષ્ટાચાર

editor

Leave a Comment

UA-96247877-1