Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભામાં એઇમ્સનો મુદ્દો ઉછળ્યો : ભાજપ અને કોંગ્રેસી સભ્યો દ્વારા એકબીજા પર આક્ષેપો

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમ્યાન એઇમ્સના મુદ્દે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષના કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર ચડસાચડસી અને જીભાજોડી સર્જાઇ હતી. બંને પક્ષના ધારાસભ્યો હુંસાતુંસી અને આક્ષેપબાજી પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને અન્યાય કરતી હોય તો કેન્દ્ર સામે થપ્પડવાળી જાહેરાત કરવામાં આવતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી એઇમ્સ મામલે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્રના અન્યાય સામે ફરી ગુજરાત સરકારે થપ્પડવાળી જાહેરાત શરૂ કરવી જોઇએ. કોંગ્રેસના આવા માર્મિક ટોણાં સાંભળી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગિન્નાયા હતા અને તેમણે જણાવ્યું કે, બોલવામાં શૂરા અને કરવામાં બૂરા તેનું નામ કોંગ્રેસ. તમારા શાસનમાં એઇમ્સનું નામ પણ નહી સાંભળ્યુ હોય પરંતુ અમે એઇમ્સ આપી. વિધાનસભા ગૃહમાં આજે એઇમ્સના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક તબક્કે સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશે સૌરાષ્ટ્રને એઇમ્સ આપવાની માંગણી કરી હતી. તો, સામે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પણ વડોદરા જિલ્લામાં એઇમ્સ આપવા માંગ કરી હતી. જેથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો કે, કોંગ્રેસ નાતજાતની જેમ ભૌગોલિક દ્રષ્ટિએ પણ ભાગલા પાડવાના પ્રયાસો કરે છે. જે વાતને લઇ નીતિન પટેલ અને વિપક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી સર્જાઇ હતી. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોની સામસામી આક્ષેપબાજી અને બોલાચાલીને લઇ ગૃહનું વાતાવરણ ગરમાયું હતું અને ભારે શોરબકોરથી ગાજી ઉઠયું હતું. દરમ્યાન ગુજરાત વિધાનસભામાં આજે ઝીરો અવર્સ દરમ્યાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નવા ધારાસભ્યોને ગૃહમાં મોબાઇલ ફોનને લઇ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી હતી. અધ્યક્ષે ટકોર કરી હતી કે, નવા ધારાસભ્યો ગૃહમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે જે ગંભીર બાબત છે. કેટલાક ધારાસભ્યો મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરતા હોવાનું જણાય છે. જો હવે કોઇ ધારાસભ્ય મોબાઇલનો ઉપયોગ કરશે તો તેની વિરૂધ્ધ નિયમોનુસાર પગલા ભરાશે. ધારાસભ્યો પોતાની બેઠક બદલી બીજી બેઠક પર બેસતા હોવાના મુદ્દે અધ્યક્ષે ટીકા કરી હતી.

Related posts

વિજાપુર દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત દ્વારા મામલતદારને આવેદન પત્ર સોંપાયુ

editor

મહુડી મંદિરના ટ્રસ્ટ્રીઓએ ૪૦૦ ગ્રામ સોનુ ચોર્યાની કબૂલાત કરી

aapnugujarat

અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને ઇન્ફેક્શનના કેસોમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1