Aapnu Gujarat
ગુજરાત

૭૫ ન.પા.માંથી ૪૭ ભાજપ અને ૧૬ કોંગ્રેસના ફાળે

રાજયની ૭૪ નગરપાલિકાઓના જાહેર થયેલા પરિણામો આજે ઘણાં ચોંકાવનારા અને ઉલટફેરવાળા આવ્યા હતા. ૭૪ નગરપાલિકાઓમાંથી ભાજપના ફાળે ૪૭ નગરપાલિકાઓ અને કોંગ્રેસને ૧૬ નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મળી છે. નગરપાલિકાઓની ગત ચૂંટણી કરતાં ભાજપને આ વખતે ૧૪ જેટલી બેઠકોનું નુકસાન થયું છે, જયારે કોંગ્રેસને છથી વધુ નગરપાલિકાનો ફાયદો થયો છે. આમ, ઓવરઓલ જોઇએ તો, કોંગ્રેસનો દેખાવ વિધાનસભાની ચૂંટણીની જેમ એકંદરે સારો અને ઘણો સુધારાયુકત રહ્યો છે. તો, બીજીબાજુ, ભાજપને આ વખતે શહેરી વિસ્તારોમાં પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાજયની છ નગરપાલિકાઓ પર અપક્ષોનો દબદબો જોવા મળ્યો તો. અન્ય છ બેઠકો એવી હતી કે, જયાં ભાજપ કે કોંગ્રેસને કોઇ સ્પષ્ટ બહુમતી નથી મળી. તો એનસીપી અને બહુજન સમાજ પાર્ટી એક-એક નગરપાલિકા આંચકી ગયા છે. છ નગરપાલિકા મિશ્ર આવી છે, જયારે ચાર નગરપાલિકામાં અપક્ષોનો દબદબો રહ્યો છે. રાજયની ૭૫ નગરપાલિકાઓની કુલ બેઠકોની વાત કરીએ તો, કુલ ૨૦૬૦ બેઠકો પૈકી ૧૧૬૭ બેઠકો પર ભાજપ, ૬૩૦ બેઠકો પર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી ૧૫, એનસીપી ૨૮ બેઠકો અને અન્ય પક્ષને ૧૮ બેઠકો જયારે અપક્ષોના ફાળે ૨૦૨ બેઠકો ગઇ છે. રાજય ચૂંટણી આયોગના સંયુકત કમિશનર એ.એ.રામાનુજ, મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી અને મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, ૭૫ નગરપાલિકા પૈકી અમરેલીની જાફરાબાદ નગરપાલિકાની તમામ બેઠકો પહેલેથી જ બિનહરીફ થતાં તે તમામ ઉમેદવારો ભાજપના હોઇ તે ભાજપના ફાળે ગઇ હતી. જયારે ૭૫ નગરપાલિકાઓની ૨૧૧૬ બેઠકો પૈકી ૫૨ બેઠકો બિનહરીફ થતાં તા.૧૭મી ફેબ્રુઆરીએ રાજયની ૭૪ નગરપાલિકાઓ માટે કુલ ૨૦૬૦ બેઠકો માટેની ચૂંટણી યોજાઇ હતી. આજે સવારે નવ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ઉમેદવારો અને તેમના એજન્ટની હાજરીમાં ઇવીએમના સીલ ખોલી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. તમામ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી અને તમામ પરિણામો જાહેર કરી દેવાયા છે. સમગ્ર ચૂંટણીથી લઇ મતગણતરી અને પરિણામો જાહેર કરવા સુધીની તમામ પ્રક્રિયામાં રાજય ચૂંટણી આયોગના કમિશનર વરેશ સિંહા, સંયુકત કમિશનર એ.એ.રામાનુજ, મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી, નાયબ ૂચૂંટણી કમિશનર એ.એ.વ્યાસ, નાયબ ચૂંટણી કમિશનર ફાતિમા શેખ, મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલ, વસંતભાઇ સોલંકી, ઇશ્વરભાઇ નીનામા, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. દરમ્યાન મતગણતરી દરમ્યાનના માહોલની વાત કરીએ તો, મતગણતરી પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા હતા અને ભારે ઉત્તેજનાભર્યો માહોલ મતગણતરી કેન્દ્રો પર જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. એક તબક્કે કેટલીક નગરપાલિકાઓ કોંગ્રેસ આગળ જતી હતી પરંતુ બપોરે બે વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ હતું અને કુલ ૭૫ નગરપાલિકાઓમાં ભાજપને ૪૭ નગરપાલિકાઓ પર સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઇ હતી, તો કોંગ્રેસને ૧૬ નગરપાલિકાઓ પર સ્પષ્ટ બહુમતી મળી હતી. ભાજપનો હાથ ભલે ઉંચો રહ્યો હોય પરંતુ ગત નગરપાલિકાઓની ચૂંટણીની સરખામણીએ ભાજપને ૧૩ જેટલી નગરપાલિકાઓની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. એટલે કે, ભાજપના હાથમાંથી ૧૩ નગરપાલિકા આ વખતે સરકી ગઇ છે.
ગત ચૂંટણીમાં ભાજપ પાસે ૬૦ નગરપાલિકાઓ પર કબ્જો હતો. તેથી આ વખતે ભાજપનો દેખાવો પ્રમાણસર રહ્યો છે, બહુ સારો નથી નોંધાયો. તો, સામે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીની જેમ નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ઘણો સારો દેખાવ કર્યો હતો અને ગત નગરપાલિકાની ચૂંટણી કરતાં આ વખતે કોંગ્રેસને દસ નગરપાલિકાઓનો સીધો ફાયદો થયો છે. ગઇ વખતે કોંગ્રેસ પાસે માત્ર ૭ નગરપાલિકા જ હતી. તો બીજીબાજુ, આ વખતની નગરપાલિકાઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ઝંપલાવ્યું હતું, તેથી ચાર નગરપાલિકાઓ એવી હતી કે, જેની પર માત્ર અપક્ષોનો દબદબો રહ્યો હતો. આ સિવાય એનસીપી અને બહુજન સમાજ પાર્ટી એક-એક નગરપાલિકા આંચકી ગઇ છે. છ નગરપાલિકાઓના પરિણામો મિશ્ર આવ્યા છે.

Related posts

વડોદરામાં બોગસ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવનાર ઝડપાયો

aapnugujarat

राज्य में स्वाइनफ्लू  से अधिक ५ की मौत : मृतांक ३८२

aapnugujarat

ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1