Aapnu Gujarat
ગુજરાત

સાણંદના ઉદ્યોગ ગુજરાતની બહાર જવાની ફિરાકમાં : રાજ્ય સરકારનું ઓરમાયું વર્તન

ગુજરાત ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેની પાછળ પાંચ લાખ નાના ઉદ્યોગની મહેનત અને પરિણામોનો સિંહફાળો છે. ગુજરાતની ઓળખ પણ નાના ઉદ્યોગોથી જ થાય છે પરંતુ હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જયાં ઔદ્યોગિક વિકાસના મહત્વાકાંક્ષી સપના સેવ્યા હતા તેવા સાણંદમાં ઉદ્યોગજગતની કફોડી હાલત બની છે. ગુજરાત સરકાર અને સાણંદ વસાહત(જીઆઇડીસી)ના અધિકારીઓના ઓરમાયા વર્તનના કારણે સાણંદમાંથી ૨૦૦થી વધુ ઉદ્યોગકારોએ પોતાના બિસ્તરા પોટલા બાંધી તેમનો ઉદ્યોગ માંડી વાળ્યો છે, જેના કારણે આશરે રૂ.એક હજાર કરોડનું રોકાણ સાણંદમાંથી જતુ રહ્યું છે, તો સાથે સાથે આઠ હજારથી વધુ લોકોની રોજીરોટી છીનવાઇ ગઇ છે. સરકારના ઓરમાયા અને ઉપેક્ષિત વ્યવહારના કારણે આજે સાણંદના ઉદ્યોગોને તાળા મારવાનો વારો આવ્યો છે અને આગામી દિવસોમાં સાણંદના મહત્વના ઉદ્યોગો ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ખસેડવાની ફિરાકમાં છે. સાણંદ ઇન્ડ્‌સ્ટ્રીઝ એસોસીએશન દ્વારા તેમના ઉદ્યોગો ગુજરા બહાર મધ્યપ્રદેશ ખસેડવાની ગંભીર ચીમકી આપી છે. તા.૯મી ફેબ્રુઆરીએ એસોસીએશનું એક પ્રતિનિધિમંડળ ઇન્દોર, ભોપાલ ખાતે મધ્યપ્રદેશ સરકારની ઓફર સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા માટે ત્યાં જઇ રહ્યું છે એમ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ અજીતભાઇ શાહ, ઉપ્રમુખ નીરજ શાહ અને ખજાનચી અતુલભાઇ શાહે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ સાણંદમાં ટાટા નેનોને લાવતી વખતે રોજગારી અને ઔદ્યોગિક વિકાસની બહુ મોટી મોટી અને મહત્વની જાહેેરાતો કરી હતી, તે સાણઁદના ઔદ્યોગિક વિકાસનું સપનું ગુજરાત સરકાર અને જીઆઇડીસીના હાલના અધિકારીઓના બિનવ્યવહારૂ અને જક્કી વલણના કારણે રોળાઇ રહ્યું છે. આ અંગે એસોસીએશનના આ પદાધિકારીઓએ ગુજરાત સરકાર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર અને જીઆઇડીસીના અધિકારીઓને એસોસીએશનના હોદ્દેદારોએ અત્યારસુધીમાં વારંવાર રજૂઆતો કરી પરંતુ તેમના પ્રશ્નોનું કોઇ નિરાકરણ આવતુ નથી. મુખ્ય સમસ્યા એ છે કે, સરકારે તેઓને ૨૦૧૧માં ઉદ્યોગકારોને પ્લોટોની ઓનપેપર ફાળવણી કરી પરંતુ ત્યાં તેમને પાણી, વીજળી અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક માળખાગત સુવિધા જ ૨૦૧૫ સુધી ઉપલબ્ધ ના કરાવી. જેના કારણે ઉદ્યોગકારો ૨૦૧૫ સુધી તેમના ઉદ્યોગો સ્થાપી ના શકયા. વળી, હવે જયારે ઉદ્યોગકારો સરકાર અને જીઆડીસી સત્તાધીશો પાસે લીઝડીડ કરાવવા જાય છે, તો સત્તાવાળાઓ ઉદ્યોગકારોને તમે પ્લોટ ફાળવ્યાના બે વર્ષમાં ઉદ્યોગ શરૂ કર્યો નથી, તેથી જમીનના ભાવના બે ટકા લેખે પેનલ્ટીની વસૂલાત કરી રહ્યા છે, જે બિલકુલ અયોગ્ય, અતાર્કિક અને ગેરકાયદેસર છે. એસો..ના પ્રમુખ અજીતભાઇ શાહ અને ખજાનચી અતુલભાઇ શાહે જણાવ્યું હતું કે, સરકારેે તેમને માળખાગત સુવિધા જ ૨૦૧૫માં ઉપલબ્ધ કરાવી છે તો બે વર્ષમાં કેવી રીતે ઉદ્યોગ સ્થપાય ? જીઆઇડીસીના અધિકારીઓ લીઝડીડ પહેલા છેલ્લા ચાર-પાંચ વર્ષની પેનલ્ટીની વસૂલાતની વાત કરી રહ્યા છે એટલે કે, કરોડો રૂપિયાનો બોજો ઉદ્યોગકારો પર આવે. એક તો, ઉદ્યોગ સ્થાપવા ઉદ્યોગકારોએ લાખો-કરોડો રૂપિયા આપી જમીનનો પ્લોટ લીધો અને હવે એ જમીન લીઝડીડ વિના માર્ગેજ પણ થઇ શકતી નથી અને તેની પર લોન મેળવી શકાય તેવી સ્થિતિ નથી. આ સંજોગોમાં ઉદ્યોગકારોની કેપીટલ બ્લોક થઇ ગઇ છે અને ઉદ્યોગોને તાળા મારવાનો વારો આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એસોસીએશને રાજયના મુખ્યમંત્રીને છેલ્લા પાંચ વર્ષમાં અત્યારસુધીમાં અઢાર વખત રજૂઆત કરી પરંતુ તેઓ અત્યારસુધી તેમને મળતા નથી કે, આ સમસ્યાનું કોઇ નિરાકરણ લાવતા નથી.
સરકાર અને જીઆઇડીસીના અધિકારીઓના આવા ઓરમાયા વ્યવહારથી કંટાળી ૧૫૦થી વધુ ઉદ્યોગો હવે તેમના ઉદ્યોગો ગુજરાત બહાર ખસેડવા તૈયાર થયા છે અને આ માટે મધ્યપ્રદેશ સરકારે તેમને આમંત્રણ આપ્યું છે. ઇન્દોરથી ૨૦ કિલોમીટરના વિસ્તારમાં સારા લોકેશન સાથે સારી ઓફરો આપવાની હૈયાધારણ મધ્યપ્રદેશ સરકાર તરફથી અપાઇ છે અને તે અંગે ચર્ચા વિચારણા કરવા સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનું એક પ્રતિનિધિમંડળ તા.૯મી ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ જઇ રહ્યું છે. સરકારના આવા ઉપેક્ષિત વલણના કારણે ગુજરાત સરકારની છબી પણ ખરડાઇ છે.

Related posts

વડોદરા : અજાણ્યા વાહનની ટક્કરે કાર ડિવાઈડરમાં ભટકાઈ, દંપતિનું મોત

aapnugujarat

દિયોદરમાં ગણપતિ ઉત્સવની સાદગીથી ઉજવણી

editor

બે વર્ષની પુત્રી સામે માતાની લૂંટારુઓએ હત્યા કરતા ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1