Aapnu Gujarat
બ્લોગ

મધની ખેતી : ઢોલાર સહિતના ગામોના ખેડૂતો આલેખી રહ્યા છે વડોદરા જિલ્લામાં ખેતીનો એક નવો અધ્યાય

ડભોઇ તાલુકાના ઢોલાર ગામના બંસીભાઇ, નંદેરીયાના સજીવ ખેતીકાર યોગેશભાઇ પુરોહિત સહિત શિનોર તાલુકાના તેરસા અને ટીંગલોદ જેવા ગામોના ખેડૂતોએ વડોદરા જિલ્લા બાગાયત તંત્રની પ્રેરણા અને પ્રોત્સાહનથી મધમાખીઓની કોલોનીઝ સ્થાપિત કરવાનું નવતર સાહસ, ખેતીના ક્ષેત્રમાં કર્યું છે. મધમાખીની એક કોલોની એટલે કે એક લંબચોરસ પેટી જેમાં આઠ આડી ફ્રેમ્સના રૂપમાં આઠ કૃત્રિમ મધપૂડા પકવી શકાય તેવી વ્યવસ્થા. આ પેટીના નીચેના ભાગે એક કાણું હોય છે જ્યાંથી ઇટાલીયન મધમાખીઓ અવર-જવર કરે છે, ફુલોનો રસ ચૂસીને કૃત્રિમ માળખામાં સાચો મધપૂડો બનાવે છે. બાગાયત ખાતાના જણાવ્યા પ્રમાણે હાલમાં પ્રગતિશીલ ખેડૂતોએ ૫૫ જેટલી કોલોનીઝ સ્થાપિત કરવાનું પ્રાયોગિક સાહસ કર્યું છે. જેને સફળતા મળ્યેથી જિલ્લામાં મધમાખી ઉછેરના એપીકલ્ચરના નવા અધ્યાયની શરૂઆત થશે.

ઢોલારના બંસીભાઇ પટેલ જણાવે છે કે, મધમાખીનો ઉછેર મધનું ઉત્પાદન મેળવવા કરવામાં આવે એવી પ્રચલિત માન્યતા છે. પરંતુ હકિકત એ છે કે મધનું ઉત્પાદનનો આડપેદાશ છે. વાસ્તવમાં મધમાખી ખેડૂત અને ખેતીની મિત્ર છે. મધમાખીઓના ઉછેર અને વિવિધ વનસ્પતિઓના રસ ચૂસવાની તેમની પ્રવૃત્તિથી ફ્લોરી કલ્ચર, હોર્ટી કલ્ચર અને અનાજ પાકોમાં પરાગનયન એટલે કે ફલીનીકરણની પ્રક્રિયા વેગવાન બને છે. જેના લીધે પાકના ઉતારમાં અંદાજે ૩૦ ટકા જેટલો વધારો થાય છે. કુદરતી જીવાત નિયંત્રણ થાય છે અને છોડની તંદુરસ્તી વધે છે. મધના ઉત્પાદનથી પૂરક આવક મળે છે અને પોતાના ખેતરમાં ઉપયોગ પૂરો થતા, આ કોલોનીઝ ભાડે આપીને વધારાની આવક રળી શકાય છે. એટલે કૃષિમિત્ર પ્રયોગના રૂપમાં મધમાખીના ઉછેરમાં ઝંપલાવ્યું છે. જિલ્લાની બાગાયત કચેરીએ આ પ્રયોગને ખૂબ જ પ્રોત્સાહન આપ્યુ છે.

નંદેરીયાના યોગેશ પુરોહિત સન ૨૦૦૮થી ઓર્ગેનીક ખેતી કરે છે. તેઓ જણાવે છે કે, ઓર્ગેનીક ખેતીનો કન્સેપ્ટ  વિશ્વભરમાં વિસ્તરી રહ્યો છે. મધમાખીનો ઉછેર ઓર્ગેનીક ખેતી માટે ખૂબ જ આશિર્વાદરૂપ છે.

વડોદરા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખેતી મિત્ર મધમાખીના ઉછેરની સંભાવનાઓ ઉજ્જવળ જણાય છે એવી લાગણી વ્યક્ત કરતા પ્રાદેશિક સંયુક્ત બાગાયત નિયામકશ્રી એસ.એસ.ગાવીતે જણાવ્યું કે, સારા વરસાદ અને નર્મદા આધારીત સિંચાઇ સુવિધાઓને કારણે આપણા વિસ્તારમાં લગભગ બારેમાસ ખેતી પાકો લહેરાય છે. ફ્લોરી કલ્ચર અને બાગાયતનો વિસ્તાર વધી રહ્યો છે. મધમાખીના ઉછેર માટે આ આદર્શ વાતાવરણ ગણાય. મધમાખીઓ દ્વારા પોલીનેશન વધવાથી ફ્રુટીંગ વિપુલ થાય છે એટલે ખેતી માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

નાયબ બાગાયત નિયામકશ્રી હિમાંશુ પારેખના જણાવ્યા પ્રમાણે ખેતીના વિકાસમાં મધમાખીના ઉછેરની પ્રોત્સાહક ભૂમિકાને જોતાં, બાગાયત ખાતાએ મધમાખી ઉછેર પેટીઓ, મધ કાઢવા માટેના એક્સટ્રેકટર સહિતના સાધનો, બી બ્રીડીંગ ઇત્યાદી માટે સહાયની યોજનાઓ અમલમાં મૂકી છે. એટલે મધમાખી ઉછેર અપનાવવો ખેડૂતો માટે સરળ બન્યો છે.

અર્પિત સેવા સંઘના વિનોદભાઇ નકુમ અને રાજેશ પટેલ મધમાખી ઉછેરનું માર્ગદર્શન અને માળખાકીય સાધન સુવિધાઓ આ ખેડૂતોને ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મધમાખી ઉછેર દ્વારા શુદ્ધ અને અહિંસક મધ મળે છે. મધ કાઢવાની પ્રક્રિયામાં માખીઓ મરતી નથી અને તેમના ઇંડાનું રક્ષણ થાય છે. હિમાચલ પ્રદેશમાં તેમણે સફરજનના ખેતરોમાં મધમાખીઓની કોલોનીઝ સ્થાપિત કરી આપતા, સફરજનના પાકને નવું જીવન મળ્યુ છે. બાગાયત ખાતાના પ્રોત્સાહક અભિગમ અને યોજનાઓનો લાભ લઈને ખેડૂતો મધમાખી ઉછેર તરફ વળે અને પૂરક આવક મેળવવાની સાથે ખેતીને સુધારે એવી તેમની ભલામણ છે. ઇટાલીયન પ્રકારની મધમાખીઓ દેશી-જંગલી મધમાખીઓ જેવી આક્રમક નથી. એટલે થોડી સાવચેતી દાખવીએ તો ડરવાની કોઇ જરૂર નથી.

રાજ્યના નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓના ખેડૂતો મધમાખીના ઉછેરને અપનાવ્યો છે. મધમાખી ખેડૂત મિત્ર છે. પર્યાવરણના પ્રદૂષણને કારણે ખેતી પાકોની ગુણવત્તામાં કસર આવી છે. મધમાખીઓની મદદ લઈને આ કસર પૂરવાનો પ્રયત્ન કરવો હિતાવહ જણાય છે. દરેક જિલ્લાની બાગાયત ખાતાની કચેરીમાં એપીકલ્ચર સહાયક યોજનાઓની જાણકારી અને માર્ગદર્શન મળી શકે છે. હવે ખેડૂતો જાગે અને આ દિશામાં પ્રયોગશીલ બને એ સમયની માંગ છે.

Related posts

સુબ્રમણ્યમ સ્વામીએ ઇન્દિરા જ નહીં વાજપેયીને પણ હેરાન કરી નાંખ્યા હતાં…..

aapnugujarat

देश की चाबी अदालत के हाथ

aapnugujarat

शिक्षा में क्रांति का तरीका

editor

Leave a Comment

UA-96247877-1