Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટ : ગરીબો, ખેડૂતો માટે રાહતો, મધ્યમ વર્ગને ફટકો

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. મોદી સરકારની વર્તમાન અવધિ માટેનુ અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરતી વેળા જેટલીએ એકબાજુ ખેડુતો, ગરીબો અને મહિલાઓ માટે અનેક મોટી જાહેરાતો કરી હતી. પરંતુ પગારદાર વર્ગ, નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને મોટો ફટકો આપ્યો હતો. કારણ કે તેમના માટે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જેટલીએ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે સ્ટાન્ડર્ડ ડિડેક્શનની ફરી શરૂઆત કરવામાં આવી છે. આના હેઠળ ૪૦ હજાર રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડેક્શન આપવામાં આવનાર છે. હવે મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર ૧૦ ટકા ટેક્સ આપવાની ફરજ પડશે. સિનિયર સિટિજન્સને જુદી જુદી જમા રકમ પર મળનાર ૫૦ હજાર રૂપિયા સુધીના વ્યાજ દર ટેક્સ છુટછાટ આપવામાં આવનાર છે. પહેલા આ મર્યાદા ૧૦૦૦૦ રૂપિયા હતી. શિક્ષણ, આરોગ્ય પર સેસને હવે ત્રણ ટકાના બદલે ચાર ટકા કરવામાં આવ્યો છે. કસ્ટમ ડ્યુટી વધી જવાના કારણે મોબાઇલ ફોન અને ટીવી મોંઘા થઇ જશે. નાણાંપ્રધાન જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યુ હતુ કે નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા૭.૨ ટકાથી ૭.૫ ટકાના દરે આગળ વધશે. તેમણે દાવો કર્યો હતો કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં છે. નાણાંપ્રધાને એમ પણ કહ્યુ હતુ કે વર્તમાન સરકારના કાર્યકાળમાં ભારતનો સરેરાશ વૃદ્ધિ દર ૭.૫ ટકા રહ્યો છે. જેટલીએ જુદા જુદા ક્ષેત્રોને ફાળવણીમાં પણ વધારો કર્યો હતો. બજેટ રજૂ કરતી વેળા જેટલીએ ધારણા પ્રમાણે જ કૃષિ, ગ્રામીણ વિસ્તારો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના ક્ષેત્રમાં અનેક મોટી જાહેરાત કરી હતી. તમામ વર્ગને રાજી કરવાના ઇરાદા સાથે અનેક જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં કૃષિ અને ગ્રામીણ વિસ્તારો તેમજ ખેડુત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં જેટલીએ ખેડુતો માટે અનેક યોજના જાહેર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકારે આગામી ખરીફના પાકને ઉત્પાદન કરતા ઓછામાં ઓછી દોઢ ગણી વધારે કિંમતમાં ખરીદવાનો નિર્ણય કર્યો છે. દેશના ખેડુતોની આવકને વધારીને વર્ષ ૨૦૨૨ સુધી બે ગણી કરવાની દિશામાં આ પગલા લેવામાં આવી રહ્યા છે. જેટલીએ ખેડુતોની આવકને બે ગણી કરવા માટે સરકારની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે વર્તમાન સરકાર ખેડુતોને તેમના ખર્ચ કરતા દોઢ ગણી રકમ આપશે. આની ખાતરી કરવા માટે બજાર કિંમત અને એમએસપીમાં અંતરની રકમને સરકાર ઉપાડશે. જેટલીએ અન્ય મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ૫૮૫ એપીએમસીને ઇ-નૈમ સાથે જોડાવામાં આવનાર છે. આ કામને માર્ચ ૨૦૧૯ સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ક્રેડિટ કાર્ડ હવે માછીમારો અને પશુપાલકોને પણ મળશે. ૪૨ મેગા ફુડ પાર્ક બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વાસના ઉત્પાદનને વધારી દેવા માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના પગારને પાંચ લાખ કરવાની વાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિના પગાર ચાર લાખ રહેશે. સાંસદોના પગારમાં પણ વધારો થશે.રાજ્યપાલોને ૩.૫ લાખ રહેશે. સાંસદોના ભથ્થામાં દર વર્ષે વધારો કરવામાં આવશે. તેમના પગારમા ંપણ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. ખેડુતોને કૃષિ લોન સરળતાથી મળે તે માટે ધ્યાન આપવામાં આવનાર છે. જેટલીએ ગામ અને ગરીબો માટે કેટલીક મોટી જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે હવે ૧૦ કરોડ ગરીબ પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયાના આરોગ્ય સુરક્ષા પગલાની જાહેરાત કરી હતી. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ આ સુવિધા આપવામાં આવનાર છે. જેટલીએ આને દુનિયાના સૌથી મોટા હેલ્થ કેર પ્રોગ્રામ તરીકે જાહેર કરીને કહ્યુ હતુ કે આના કારણે ઓછામાં ઓછા ૫૦ કરોડ લોકોને સીધી રીતે ફાયદો થશે. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો આશરે ૧.૩૦ અબજ વસ્તીમાં આશરે ૪૦ ટકા લોકો માટે મોટી આરોગ્ય સુરક્ષા યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે અમે ગરીબ અને દુખી પરિવારને પ્રતિ વર્ષે પાંચ લાખ રૂપિયાની સહાયતા આપી શકીશુ. ઉજ્જવલા યોજના હેઠળ પાંચ કરોડ ગરીબ મહિલાને ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવી ચુક્યા છે અને હવે આનુ લક્ષ્ય વધારીને આઠ કરોડ કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના હેઠળ કોઇ પણ પ્રકારના ચાર્જ વગર ચાર કરોડ ઘરમાં વીજળી કનેક્શન આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ છ કરોડ શૌચાલય બનાવવામાં આવી ચુક્યા છે. આગામી નાણાંકીય વર્ષમાં બે કરોડ બીજા શૌચાલય બનાવવામાં આવનાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર વર્ષ ૨૦૨૨ સુધી તમામ ગરીબને ઘર બનાવવા માટેનું લક્ષ્ય ધરાવે છે. ગ્રામીણ ક્ષેત્રમાં આ નાણાંકીય વર્ષમાં ૫૧ લાખ ઘર બનાવવામાં આવનાર છે. શહેરી ક્ષેત્રોમાં ૩૭ લાખ મકાન બનાવવા માટેની દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી હતી. સરકાર પ્રી નર્સરીથી લઇને ૧૨મા ધોરણ સુધી નવી નીતિ બનાવવામાં આવી રહી છે. શિક્ષણના ક્ષેત્રમાં વિકાસ માટે પગલા લેવામાં આવી રહયા છે. શિક્ષણના ક્ષેત્રમાં ૨૪ મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૩ લાખથી વધારે શિક્ષણકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવનાર છે. હવે નવોદય વિદ્યાલયની જેમ જ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય સ્કુલ બનાવવામાં આવનાર છે. વડોદરામાં રેલવે યુનિવર્સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષકોના સ્તરને સુધારી દેવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેટલીએ કહ્યુ હતુ કે દેશમાં આશરે ૩૦૦ મિલિયન ટન ફળ અને શાકભાજીનુ રેકોર્ડ ઉત્પાદન થયુ છે. ટામેટાં, બટાકા અને ડુંગળીનો ઉપયોગ સિઝનના આધાર પર કરવામાં આવે છે. ઓપરેશન ગ્રીન લોંચ કરવામાં આવનાર છે. ૫૦૦ કરોડ રૂપિયા આના માટે રાખવામાં આવી રહ્યા છે. વીજળીના મોરચા પર મોટી જાહેરાત કરતા તેમણે કહ્યુ હતુ કે ૧૬ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી ચાર કરોડ પરિવારોને વીઝળીની સુવિધા આપવામાં આવનાર છે. નવા નાણાંકીય વર્ષમાં બીજા બે કરોડ શૌચાલય બનાવવામાં આવનાર છે.

Related posts

શિવરાજનો રાહુલને ટોણો, પૂજાની થાળી નથી ઉપાડી એ મંદિર જઈ તિલક કરે છે

aapnugujarat

ટેરર ફંડિંગ ગિલાનીના જમાઈ અલ્તાફ અહેમદની કડક પુછપરછ

aapnugujarat

લોકસભા ચૂંટણીમાં સપા સાથે જોડાણ રહેશે : માયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1