Aapnu Gujarat
રમતગમત

આઈસીસી અન્ડર-૧૯ : ભારત પાકિસ્તાનને કચડી ફાઇનલમાં

શુભમન ગીલની શાનદાર સદી અને ઇશાન પોરેલની જોરદાર બોલિંગની સહાયથી ભારતે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલમાં પાકિસ્તાન પર ૨૦૩ રને મોટી જીત મેળવી ફાઇનલમાં આગેકુચ કરી લીધી છે. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૨૭૨ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર ૬૯ રનમાં ખખડી ગઇ હતી. ભારત તરફથી ઇશાન પોરેલે ચાર અને રયાન પરાગ તેમજ શિવાસિંહે બે બે વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી રોહેલે સૌથી વધારે ૧૮ રન કર્યા હતા. બાકીના તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. હવે ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ ફાઇનલ મેચ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રમાશે. ૨૭૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને કંગાળ શરૂઆત કરી હતી. તેની નિયમિત વિકેટો છેલ્લા તબક્કા સુધી પડી હતી.
પાકિસ્તાન તરફથી ચોથી ઓવરમાં જ મોહમ્મદ જાયદ આલમ સાત રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી કમલેશ , શિવમ માવી, ઇશાન પોરેલની ત્રિપુટીની સામે પાકિસ્તાનના બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા. પાકિસ્તાનના ટોપ ઓર્ડરના બેટ્‌સમેનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા હતા. બેટિંગની દ્રષ્ટિએ સારી વિકેટ પર ભારતે શાનદાર બેટિંગ કરી હતી. પૃથ્વી શોએ ૪૨ રન કર્યા હતા. મનજોત કાલરાએ ૪૭ રન કર્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે ૯૪ બોલમાં સૌથી વધુ ૧૦૨ રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ મુસાએ ૬૭ રન આપીને સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. અંડર ૧૯- વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો દેખાવ પાકિસ્તાન સામે હમેંશા જોરદાર રહ્યો છે. ભારતની તેના પર લીડ રહી છે. તેમની વચ્ચે રમાયેલી મેચોમાં ભારતે ૧૨ અને પાકિસ્તાને આઠ મેચો જીતી છે. છેલ્લા બન્ને ટીમો વર્ષ ૨૦૧૪માં અંડર૧૯ વર્લ્ડ કપમાં સામ સામે આવી હતી. ભારતે એ મેચમાં પાકિસ્તાન પર ૪૦ રને જીત મેળવી હતી. ભારતીય ટીમના જોરદાર દેખાવના કારણે ભારતીય ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. તમામ ભારતીય લોકો જે ટીવી પર મેચ નિહાળી રહ્યા હતા તે પણ રોમાંચિત થઇ ગયા હતા. સમગ્ર મેચમાં ભારતીય ટીમ છવાયેલી રહી હતી. હવે તમામની નજર ફાઇનલ પર કેન્દ્રિત થઇ ગઇ છે.
શુભમને અણનમ ૧૦૨ રનની ઇનિંગ્સ રમી હતી. ઇનિંગ્સના છેલ્લા બોલે શુભમને સદી ફટકારી હતી. આ અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારત તરફથી આ પ્રથમ સદી હતી. શુભમને ૯૪ બોલમાં સદી પુરી કરી હતી. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચોમાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. આજની મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવા ટીમ ઈન્ડિયાનાં કોચ તરીકે ભુતપૂર્વ સ્ટાર ખેલાડી અને કેપ્ટન રાહુલ દ્રવિડની સુઝબુઝ અને ખેલાડીઓની મહેનતની મીડિયા અને બીસીસીઆઈએ પ્રશંસા કરી છે. બીસીસીઆઈએ તો આ યુવા ખેલાડીઓને રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરી દીધી છે.

Related posts

ओल्टमंस की जगह लेंगे महिला हॉकी टीम के कोच मारिन शोर्ड

aapnugujarat

फिर एक बार सामने आई शेन वॉर्न की रंगीनमिजाजी

aapnugujarat

बारिश के कारण रद्द हुआ भारत और विंडीज के बीच पहला वनडे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1