Aapnu Gujarat
ગુજરાત

પદ્મવાત : શહેરમાં આગચંપી-તોડફોડ કરવા માટે ષડયંત્ર સાણંદમાં રચાયું હતું

પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કરણી સેના અને રાજપૂત સમાજના કાર્યકરો સહિતના તોફાની ટોળાઓએ શહેરના હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ અને એક્રોપોલિસ ખાતેના પીવીઆર સહિતના પાંચેક મલ્ટિપ્લેક્સ ખાતે ૧૦૧થી વધુ વાહનોમાં આગચંપી અને તોડફોડના ચકચારભર્યા પ્રકરણમાં શહેર પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, શહેરમાં આગચંપી અને તોડફોડ કરી શાંતિ ડહોળવાનું કૃત્ય એ કરણીસેનાનું પૂર્વઆયોજિત કાવતરૂં હતું અને આ કાવતરૂં સાણંદ ખાતે કરણી સેનાના આગેવાનોની બેઠકમાં ઘડવામાં આવ્યું હતું. આ સાથે જ સેટેલાઇટ પોલીસમથકમાં એક અને વસ્ત્રાપુર પોલીસમથકમાં ત્રણ એમ મળી કુલ ચાર ગંભીર ગુનાઓ આ કાર્યકરો સહિતના તોફાની ટોળાઓ વિરૂધ્ધ દાખલ કરાયા છે અને કુલ ૪૫થી વધુ આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. તો બીજીબાજુ, અગમચેતી અને તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા ૯૦ વધુ જણાંની અટકાયત કરવામાં આવી છે. તોફાની ટોળાઓ વિરૂધ્ધ પોલીસે દાખલ કરેલી આ ફરિયાદોમાં રાયોટીંગ, ૩૦૭ અને જાહેર મિલકત અને સંપત્તિને નુકસાનના ગુનાઓ દાખલ કરાયા છે. સેટેલાઇટ પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદમાં જેઓના નામ બહાર આવ્યા છે, તેમાં કરણી સેનાના મહિપતસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ ચૌહાણ, સંજયસિંહ વાઘેલા, પ્રદીપસિંહ રાઠોડ, ઇન્દ્રજીતસિંહ ચૌહાણ, રાજદીપસિંહ વાઘેલા, ગીરીરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, અનિરૂધ્ધસિંહ ચૌહાણ, વિજયસિંહ ડોડિયા, શકિતસિંહ ભાટી, પ્રદ્યુમનસિંહ વાઘેલા, શીવભદ્રસિંહ વાળા, ઘનશ્યામસિંહ વાઘેલા, અલ્પેશસિંહ વાઘેલા, જયદીપસિંહ રાઠોડ, અનિરૂધ્ધસિંહ વાઘેલા, ધનરાનસિંહ પરમાર, પૃથ્વીરાજ વાઘેલા, કીરીટસિંહ સોલંકી, લઘધીરસિંહ વાઘેલા, જસ્મીનકુમાર દીપસીંગ ડોડ, હરવિજયસિંહ રાણા, કુલદીપદાન ગઢવી, જયરાજસિંહ જાડેજા વગેરેના નામો બહાર આવ્યા છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ-૩૦૮ સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ જ પ્રકારે વસ્ત્રાપુર પોલીસમથકના ત્રણ ગુનામાં પણ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ હતી. શહેરમાં પાંચેક મલ્ટિપ્લેક્સમાં તોડફોડ અને તેની બહાર વાહનોને આગચંપી કરી શહેરની શાંતિ હણવાના ગંભીર ગુના બદલ પોલીસે અત્યારસુધીમાં ૪૫થી વધુ આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમ્યાન શહેરમાં પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કરણી સેના, રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ દ્વારા આ પ્રકારની અન્ય કોઇ તોફાની હરકતને અંજામ આપવામાં ના આવે તે માટે શહેર પોલીસે સમગ્ર શહેરમાં ખાસ કરીને મલ્ટિપ્લેક્સ અને શોપીંગ મોલ્સ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સાથે સાથે શહેરભરમાં રેપીડ એકશન ફોર્સ અને એસઆરપીએફનું ફલેગ માર્ચ અને પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગની અસરકારક કામગીરી શરૂ કરી દેવાઇ છે. શહેરના પાંચેક મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં તોડફોડ અને વાહનોની આગચંપીની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આ તોડફોડ અને આગચંપીનું સમગ્ર કાવતરૂ સાણંદમાં ઘડાયું હતું. તપાસમાં એવી વિગતો પણ બહાર આવી હતી કે, રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનોને કેન્ડલ માર્ચના બહાને સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. પોલીસે હવે શહેરભરમાં ખાનગી અને સાદા ડ્રેસમાં પણ પોલીસને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરી દીધી છે કે જેથી તોફાની તત્વોની એકેએક હરકત પર નજર રાખી શકાય.

Related posts

ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર

aapnugujarat

‘આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા. 24-06-2017 ના રોજ “સ્વસ્થ મન, સમૃદ્ધ જીવન” (Healthy Mind, Wealthy Life) વિષય પરનું 80મું પ્રવચન યોજાશે

aapnugujarat

અમદાવાદના બિઝનેસમેનને ભારે પડ્યો વિડીયો કોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1