Aapnu Gujarat
બ્લોગ

ભારત-ઈઝરાયેલ સંબંધો : જાગ્યા ત્યારથી સવાર

હાલમાં બેન્જામીન નેતાન્યાહુ પોતાની પત્ની સાથે ભારતની મુલાકાતે છે અને ભારતે ઇઝરાયેલ સાથે મહત્વપુર્ણ કરારો કર્યા છે.આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલની મુલાકાત લઇને સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને આ વાતને ધ્યાનમાં રાખીને જ ઇઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન ેનેતાન્યાહુ ભારતની મુલાકાતે આવ્યા છે.હાલમાં શરૂ થયેલા આ સંબંધો વધારે મજબૂતી પકડશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો સાથે સાંકળતા કર્યા હતા. તે વખતે ભારતના મુસ્લિમો પણ આ નિર્ણય વિરુદ્ધ હતા. પરંતુ આ પગલાં અને તે પછી આવાં પગલાંઓથી ઉત્તરોત્તર ભારતના મુસ્લિમો વિદેશના મુસ્લિમોના પ્રશ્નો સાથે સંકળાવા લાગ્યા અને અહીંના પ્રશ્નો માટે વિદેશના મુસ્લિમો પાસે સમાધાન શોધતા થયા. એટલે જ ઓસામા બિન લાદેનનું એન્કાઉન્ટર થાય તો ભારતમાં વિરોધ થાય, ફ્રાન્સનું શાર્લી હેબ્દો મેગેઝિન મુહમ્મદ પયગંબરનું કાર્ટૂન છાપે તો અહીં વિરોધ થાય. આવા પ્રશ્નો પર અહીં તોડફોડ પણ કરવામાં આવે અને સંપત્તિને નુકસાન થાય, રમખાણો થાય.ગાંધીજીને અને નહેરુને માત્ર મુસ્લિમો પરનો અત્યાચાર જ અત્યાચાર લાગતો હતો. અને આ દૃષ્ટિકોણ આજની કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ બરાબર પકડી રાખ્યો છે. એટલે ગાંધીજી યહૂદીઓ પરના અત્યાચાર બાબતે શું માનતા હતા? તેમની સહાનુભૂતિ તો આરબો પ્રત્યે જ હતી! ૨૬ નવેમ્બર ૧૯૩૮ના ‘હરિજન’માં તેમણે લખ્યું હતુંઃ “પહું માનું છું કે જેવી રીતે હિન્દુઓ અસ્પૃશ્યો સાથે વર્તન કરે છે તેવું વર્તન ખ્રિસ્તીઓ યહૂદીઓ સાથે કરે છેપતેમની સાથે અમાનવીય વર્તન થયું છેપ” આટલા સ્વીકાર પછી પણ ગાંધીજી ઈઝરાયેલની ભૂમિ પર હક તો આરબોનો જ માને છે. તેમણે લખ્યું, “યહૂદીઓની રાષ્ટ્ર માટેની રોકકળ મને બહુ અપીલ કરતી નથી (!) તેઓ જ્યાં જન્મ્યા હોય ત્યાં જ તેમણે રહેવું જોઈએ. જેવી રીતે ઇંગ્લેન્ડ ઇંગ્લિશ લોકોનું છે, ફ્રાન્સ ફ્રેન્ચ લોકોનું છે, તેમ પેલેસ્ટાઇન આરબોનું છે.” એ વખતે ગાંધીજીને કોઈએ પૂછવું જોઈતું હતું કે તો પછી હિન્દુસ્થાન હિન્દુઓનું કેમ નહીં?
૧૯૪૭માં જ્યારે ઈઝરાયેલને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આવ્યો ત્યારે પ્રથમ વડા પ્રધાન નહેરુ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે “ઝિયોનિસ્ટ (યહૂદીઓ)એ ભારતને લાખો રૂપિયાની લાંચ આપવા પ્રયાસ કર્યો છે અને તેમની બહેન વિજયાલક્ષ્મી પંડિતને રોજ ધમકીઓ મળતી હતી કે જો તેઓ ઈઝરાયેલની તરફેણમાં મત નહીં આપે તો તેમના જીવને ખતરો છે.”
નહેરુએ એ વખતે કાશ્મીરને સંયુક્ત રાષ્ટ્રોમાં લઈ જવાની ભૂલ કરેલી, રશિયા તરફી ઝુકાવ રાખેલો, બલુચિસ્તાનની ભારતમાં ભળવાની માગણી ફગાવી, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં પ્રવેશ માટે નરેન્દ્ર મોદી આકાશ-પાતાળ એક કરી રહ્યા છે, જે દેશમાં જાય છે ત્યાં આ હક સ્વમાન સાથે માગે છે, ત્યારે નહેરુએ અમેરિકાના પ્રમુખ કેનેડી દ્વારા કાયમી સભ્ય પદની માગણી ફગાવી દીધી હતી. નહેરુની આવી અનેક ભૂલો સાથે વધુ એક ભૂલ એટલે ઇઝરાયેલ સાથે સંબંધ ન રાખવો.નહેરુની આ નીતિ ઈન્દિરા- રાજીવ ગાંધીએ ચાલુ રાખી. પરંતુ વડા પ્રધાન નરસિંહરાવે ૨૯ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો વિધિવત્‌ સ્થાપ્યા. ભલે નરસિંહરાવની સરકાર ઇતિહાસમાં કૉંગ્રેસની સરકાર ગણાય, પરંતુ લાલબહાદૂર શાસ્ત્રી અને રાવની સરકાર એ અન્ય કૉંગ્રેસી સરકારો કરતાં વિચારસરણીની રીતે ભિન્ન હતી. નરસિંહરાવની સરકારને કૉંગ્રેસ પણ પોતાની સરકાર ગણતી નથી સિવાય કે ઉદારીકરણની નીતિનો જશ ખાટવો હોય. સોનિયા ગાંધીના ઈશારે રાવ ભૂતપૂર્વ કૉંગ્રેસ પ્રમુખ અને વડા પ્રધાન હોવા છતાં તેમને કૉંગ્રેસ કારોબારીમાં સ્થાન નહોતું અપાયું. નરસિંહરાવના અંતિમ સંસ્કાર દિલ્લીમાં થવા દેવાયા નહોતા.૧૯૯૨માં વિધિવત્‌ સંબંધો પછી પણ ભારતના કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન એ ભૂખંડ ગયા પરંતુ ઈઝરાયેલની મુલાકાતે ગયા નહોતા! નહેરુજી ૧૯૬૦માં ગાઝા પટ્ટી (પેલેસ્ટાઇનનો કહેવાતો ભાગ) ગયા હતા. ઉપરાષ્ટ્રપતિ ઝાકીર હુસૈન મે ૧૯૬૫માં અલ અક્સા મસ્જિદમાં નમાઝ પઢી હતી! મુસ્લિમોનું તુષ્ટીકરણ કઈ હદે થયું તે જુઓ. વિશ્વમાં સૌ પ્રથમ ત્રાસવાદ શરૂ કરનાર યાસીર અરાફતને વર્ષ ૧૯૮૯માં ૧૯૮૮ માટેનો જવાહરલાલ નહેરુ એવૉર્ડ ફૉર ઇન્ટરનેશનલ અંડરસ્ટેન્ડિંગ આપવામાં આવેલો!
તે પછી ધીમે ધીમે આપણા પ્રધાનો અને રાજ્ય સરકારના પ્રધાનો ઇઝરાયેલ જતા થયા. ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથસિંહે ઈઝરાયેલની મુલાકાત લીધી તો વિદેશ પ્રધાન તરીકે જશવંતસિંહ, એસ. એમ. કૃષ્ણ (જે અત્યારે ભાજપમાં છે) અને સુષમા સ્વરાજ પણ ઈઝરાયેલ ગયાં છે. ઈઝરાયેલના વડા ઓએ પણ ભારતની મુલાકાત લીધી છે.૧૯૯૭માં પ્રમુખ એઝર વૈઝમેન, વર્ષ ૨૦૦૩માં વડા પ્રધાન એરિયલ શેરોન અને વર્ષ ૨૦૧૬માં પ્રમુખ રેઉવેન રિવલિન આવેલા. આ ત્રણેય મુલાકાતો વખતે બિન કૉંગ્રેસી સરકારો હતી તે નોંધવું જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ પણ ઈઝરાયેલની મુલાકાતે ગયા તે વખતે ભાજપ સરકાર હતી. પ્રણવ મુખર્જી ઑક્ટોબર ૨૦૧૫માં ઈઝરાયેલ ગયા હતા. તો મોદીજી સિત્તેર વર્ષોમાં ઈઝરાયેલ જનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. પેલેસ્ટાઇન ન જવું એટલે ઘર આંગણે ઘણા મુસ્લિમોને રોષિત કરવા. આ હિંમત મોદીજી દાખવી શક્યા છે.ઈઝરાયેલ આપણી સાથે સંબંધો બાંધવા તલપાપડ. રીતસર કરગરે. એમનો આ તલસાટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ યાત્રામાં સ્પષ્ટ જોવા મળ્યો. આપણો કોઈ ભાઈ આપણી સાથે સંબંધો તોડી વર્ષોથી બેસી ગયો હોય અને વર્ષો પછી તેના પરિવારમાંથી કોઈ આપણા ઘરે આવે તો આપણને કેટલો હરખ થાય? તેવો હરખ ઈઝરાયેલમાં જોવા મળ્યો. ઈઝરાયેલના તત્કાલીન પ્રમુખ શિમોન પેરેઝે તો તત્કાલીન કૉંગ્રેસ સરકારને વર્ષ ૨૦૧૩માં કહેલું, “જો તમે મુસ્લિમોના ડરથી ઈઝરાયેલ ન આવતા હોય તો ફરી વિચાર કરજો કારણકે ઈઝરાયેલને પોતાને પણ મુસ્લિમ રાષ્ટ્રો ઇજિપ્ત અને જૉર્ડન સાથે સારા સંબંધો છે.”
આટલી બધી ઉપેક્ષા છતાં ઈઝરાયેલે ભારતની મદદ કરવામાં ક્યારેય પાછી પાની નથી કરી. ઈઝરાયેલે ૧૯૬૨, ૧૯૭૧ અને ૧૯૯૯ એ તમામ યુદ્ધોમાં ભારતની મદદ કરી હતી. ૧૯૬૨ અને ૧૯૭૧ વખતે તો આપણા રાજદ્વારી સંબંધો નહોતા એટલે પાછલા બારણે મદદ કરી હતી. નહેરુ તો સેનાને રાખવાના જ વિરોધી હતા. તેમને હતું કે “પોલીસથી કામ ચાલી શકે! વળી આપણો દેશ તો અહિંસાનો પૂજારી!” એટલે જ ૧૯૬૨ના ચીન સામેના યુદ્ધમાં ભારતને તકલીફ પડી ત્યારે ઈઝરાયેલે ૮૧ એમ.એમ. અને ૧૨૦ એમ.એમ. મૉર્ટાર અને દારૂગોળો પૂરો પાડેલો. ૧૯૭૧માં પાકિસ્તાનનું એફ-૮૬ સબ્રે વિમાન મેઇનટેનન્સ માટે ઈઝરાયેલ ગયું તો ઈઝરાયેલે તેને પાછું મોકલવામાં જાણી જોઈને વિલંબ કર્યો હતો. ૧૯૭૧માં તો અમેરિકા ભારત વિરુદ્ધ હતું અને ઈઝરાયેલની પોતાની પાસે પણ શસ્ત્રોની તંગી હતી, તેમ છતાં તેના તત્કાલીન વડા પ્રધાન ગૉલ્ડા મૈરે હસ્તક્ષેપ કરી ઈરાનને મોકલવાનાં શસ્ત્રો ભારતને આપ્યાં હતાં!
યહૂદીઓ મૂળ ઇઝરાયેલમાં વસતા હતા. અબ્રાહમથી યહૂદી પંથની શરૂઆત મનાય છે. અબ્રાહમના વંશજ મોસીસ (મુસા)એ યહૂદી પંથ સ્થાપેલો. તેનાં સેંકડો વર્ષો પછી અબ્રાહમના વંશજ ઈશા (જિસસ ક્રાઇસ્ટ) દ્વારા ખ્રિસ્તી પંથ અસ્તિત્વમાં આવ્યો અને તેના સેંકડો વર્ષો પછી અબ્રાહમના અન્ય વંશજ ઇસ્માઇલના પુત્ર મુહમ્મદે ઇસ્લામ પંથ સ્થાપ્યો. આ ત્રણેય પંથો અબ્રાહમિક રિલિજિયન્સ તરીકે ઓળખાય છે. પરંતુ ખ્રિસ્તી અને ઇસ્લામ પંથીઓ યહૂદીઓના કટ્ટર દુશ્મન બની ગયા અને તેમને પોતાની માતૃભૂમિમાંથી ભાગવા ફરજ પડી. આમ છતાં અન્ય દેશોમાં આશ્રય લેનારા યહૂદીઓ પર ખ્રિસ્તી અને ઇસ્લામ પંથીઓએ અસહ્ય અને અકલ્પનીય અત્યાચારો કર્યા. યહૂદીઓ તરફની આ નફરતને અંગ્રેજીમાં એન્ટી સેમિટિઝમ કહે છે. આવા સમયે એક માત્ર ભારત દેશ જ હતો જેમાં હિન્દુઓ શાસનમાં હોવાથી ત્યાં તેમના પર અત્યાચારો ન થયા કારણકે અહીં હિન્દુઓ એકમ્‌ સત વિપ્રાઃ બહુધા વદન્તિમાં માનતા હતા.યહૂદીઓની જર્નલ ‘એવોતાયનૂ’માં નિસ્સિમ મોસીસના ૧ જુલાઈ ૨૦૦૭ના લેખમાં નોંધવામાં આવ્યું છે કે સાત યહૂદી પુરુષો અને સાત યહૂદી મહિલાઓ કોંકણના કાંઠે ઉતર્યા હતા. આજે જે કોઈ યહૂદીઓ ભારતમાં છે તે આ ૧૪ના વંશજો છેપ. સ્થાનિક હિન્દુઓ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયું હતુંપ.આ (હિન્દુઓની) ધરતી ક્યારેય યહૂદી વિરોધી રહી નથી. ૨૪૦૦ વર્ષથી યહૂદીઓ અહીં ફૂલ્યા-ફાલ્યા છે.ડિસેમ્બર ૧૯૧૭માં અંગ્રેજોના તાબા હેઠળ ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડીને ઈઝરાયેલને સ્વતંત્ર બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી તે યહૂદીઓ આજે પણ ભૂલ્યા નથી. તુર્કોના મુસ્લિમો પાસે મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળા હતા. એક સમયે બ્રિટિશ કમાન્ડર પણ લડવા તૈયાર નહોતા તો પણ મેજર દલપતસિંહના નેતૃત્વમાં જોધપુરના સૈનિકો લડ્યા અને ૪૦૨ વર્ષથી ગુલામ હૈફા શહેરને સ્વતંત્ર કરાવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શહીદ સૈનિકોના સ્મારકની મુલાકાત લેવાનું ભૂલ્યા નહીં.સામે પક્ષે ગેટ વે ઑફ ઇન્ડિયાથી લઈને અનેક બાબતોમાં યહૂદીઓનું પણ ભારતમાં પ્રદાન અદ્વિતીય રહ્યું છે. સામાન્ય રીતે પારસીઓ માટે ‘દૂધમાં સાકરની જેમ ભળી જવું’ શબ્દપ્રયોગ થાય છે પરંતુ આ જ બાબત આ લઘુમતી માટે પણ વાપરી શકાય. હિન્દી સિનેજગતમાં સુલોચના (રૂબી માયર્સ), પ્રમીલા (એસ્થર વિક્ટૉરિયા અબ્રાહમ), નાદિરા (ફ્લૉરેન્સ એઝીકિએલ) સહિત અનેક અભિનેત્રીઓ, જાણીતા ચરિત્ર અભિનેતા ડેવિડ યહૂદી હતાં. અમદાવાદ પ્રાણી સંગ્રહાલયના સ્થાપક રૂબિન ડેવિડ, તેમનાં પુત્રી અને લેખક, કલાકાર તેમજ શિલ્પકાર એસ્થર ડેવિડ પણ યહૂદી.
હિન્દુ ધર્મ અને યહૂદી પંથ વચ્ચે સામ્યતાઓ ઘણી છે. બંનેમાં પંથાંતરણને અવકાશ નથી. કોઈને યહૂદી બનવું હોય તો ખૂબ જ આકરી પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ બની શકાય છે. હિન્દુ પણ જન્મથી જ બની શકાય છે. બંને મતો પંથાતરણને ઉત્તેજન આપતા નથી. બંને લોકો પર અસંખ્ય આક્રમણો અને અત્યાચારો થયા. યહૂદીઓ પર ખ્રિસ્તી અને મુસ્લિમો એ ભરપૂર અત્યાચારો કર્યા જ્યારે હિન્દુઓ પર પણ મુસ્લિમો, ખાસ કરીને મોગલોના શાસનકાળમાં તેમજ ખ્રિસ્તી અંગ્રેજોના કાળમાં ખૂબ અત્યાચાર થયા. આમ છતાં આ બંને ટકી રહ્યા છે કારણ તેમની જિજીવિષા અને પ્રતિકાર શક્તિ અદ્ભુત છે. બંને દેશોનું વિભાજન હિંસક રહ્યું. બંનેની સ્વતંત્રતા પણ એકાદ વર્ષના અંતરવાળી રહી.દર વર્ષે પાસ ઑવર (જેનું નામ ખ્રિસ્તીઓએ બદલી ઇસ્ટર કર્યું) સમારોહમાં ‘નેક્સ્ટ ઇયર ઇન જેરુસલેમ’ કહેતા યહૂદીઓ આખરે ઇઝરાયેલ મેળવીને જંપ્યા પરંતુ હજુ જેરુસલેમમાં તેમના મંદિરનું પુનર્નિર્માણ બાકી છે. આપણે રામમંદિરનું પુનર્નિર્માણ બાકી છે. જોકે એક મોટો તફાવત એ રહ્યો કે સ્વતંત્રતા પછી આપણે ત્યાં અંગ્રેજોની કઠપૂતળી જેવા શાસકોના લીધે ભારત પોતાના મૂળથી દૂર ને દૂર જતું ગયું. શશી થરૂરે લખેલા પુસ્તક ‘નહેરુઃ ધ ઇન્વેન્શન ઑફ ઇન્ડિયા’ મુજબ, નહેરુ પોતાને ભારતીય કરતા અંગ્રેજ વધુ માનતા હતા. આમ પહેલા જ વડા પ્રધાન હિન્દુ ધર્મ પ્રત્યે સૂગ ધરાવતા હોય, તો પછી ભારતમાં હિન્દુત્વનો ખો કાઢવા પૂરા પ્રયત્નો થાય તે સ્વાભાવિક હતું. ઈઝરાયેલના પ્રથમ વડા પ્રધાન ડેવિડ બેન ગુરિયને કહેલું, “આપણને ક્યારે ખબર પડશે કે આપણો દેશ સામાન્ય (પહેલાના જેવો) દેશ બની ગયો છે? જ્યારે દેશના ચોર અને વેશ્યાઓ હિબ્રૂ બોલતા હશે.” આમ, સ્વતંત્રતા પછી જ મૃતઃપ્રાય હિબ્રૂને જીવંત કરવાના ભરપૂર પ્રયાસો થવા લાગ્યા અને તમે જોયું હોય તો વર્તમાન વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ટ્‌વીટ હિબ્રૂમાં જ કરે છે. ભારતમાં તો સ્વતંત્રતા પછી ઉત્તરોતર સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓને સતત મરણતોલ ફટકા પડતા રહ્યા ને અંગ્રેજીને જ મહત્ત્વ મળતું રહ્યું.આજે ઈઝરાયેલ ભારત કરતાં બધી બાબતોમાં આગળ છે. ઈઝરાયેલમાં અંદાજે ૮૦ લાખની વસતિ છે. ભારતમાં ૧.૨૫ અબજની વસતિ છે. ભારતનો જીડીપી પર કેપિટા ૪,૦૦૦ અમેરિકી ડૉલર છે તો ઈઝરાયેલનો ૩૬,૨૦૦ અમેરિકી ડૉલર! ભારતનો માનવ વિકાસ સૂચકાંક ૦.૬૦૯ છે તો ઈઝરાયેલનો ૦.૯૩. ભારતમાં સાક્ષરતા દર ૬૧ ટકા છે તો ઈઝરાયેલનો ૯૭.૧ ટકા. ભારતમાં બેરોજગારીનો દર ૮.૮ ટકા છે તો ઈઝરાયેલનો ૫.૮ ટકા. ભારતમાં વ્યક્તિની સરેરાશ ઉંમર ૬૭ વર્ષ છે તો ઈઝરાયેલમાં ૮૧ વર્ષ. લશ્કર અને જાસૂસી સંસ્થાની બાબતમાં ઈઝરાયેલ આપણાં કરતાં ઘણું ઘણું આગળ છે. ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલો આ દેશ અડીખમ ઊભો છે અને બધાને હંફાવે છે. વિશ્વની પરવા કર્યા વગર તે નિર્દયતાથી પડોશીઓને લશ્કરી જવાબ આપી શકે છે જ્યારે આપણે છેક હવે સર્જિકલ સ્ટ્રાઇકથી ખુશ થતા થયા છીએ.વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં હુમલાઓ દરમિયાન યહૂદીઓના નરિમન હાઉસ જે હવે છાબડ હાઉસ તરીકે ઓળખાય છે, તેના પર હુમલો થયો. તેમાં આઠ ઇઝરાયેલીઓ માર્યા ગયા પરંતુ ભારતીય આયાના કારણે બે વર્ષનો મોશે હૉલ્ત્ઝબર્ગ બચી ગયો. મોદીજી તેને મળવાનું પણ ભૂલ્યા નહોતા.હિન્દુઓ અને યહૂદીઓ વચ્ચે આંખે ઊડીને વળગે તેવો મોટો તફાવત એ રહ્યો કે સમ્રાટ અશોક પછી મોટા ભાગે કોઈ રાજાએ સીમા વળોટીને આક્રમણ કર્યા નથી. હા, પોતાની સીમા પર જ્યારે આક્રમણ થાય ત્યારે જડબાતોડ જવાબ જરૂર આપ્યા, પરંતુ યહૂદી પ્રજા તેના શૌર્ય અને ખમીર માટે જાણીતી છે. ૧૯૬૬માં ઇજિપ્તે સ્ટ્રેઇટ ઑફ તિરાન (દરિયાઈ માર્ગ) ઈઝરાયેલ માટે બંધ કર્યો ત્યારે ઈઝરાયેલે ઇજિપ્તના સિનાઈમાં ઘૂસીને હલ્લો બોલ્યો હતો અને ઇજિપ્તને આ માર્ગ ખોલવા ફરજ પાડી હતી. ભારતની જેમ ઈઝરાયેલ પણ ચોતરફથી દુશ્મનોથી ઘેરાયેલો દેશ છે પરંતુ તેની આ આક્રમક નીતિના કારણે તેની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકતું નથી.૧૯૭૨ની ઑલિમ્પિકમાં પેલેસ્ટાઇની ત્રાસવાદી સંગઠન બ્લેક સપ્ટેમ્બરે જર્મનીમાં ૧૧ ઈઝરાયેલી ખેલાડીઓને બંધક બનાવ્યા અને તેમની હત્યા કરી. તે પછી ઈઝરાયેલના લોકો માત્ર મીણબત્તી લઈને દેખાવો કરવા કે ફેસબુક પર (એ વખતે જે માધ્યમ હોય તે) ગુસ્સો પ્રદર્શિત કરવા પૂરતા સીમિત ન રહ્યા પરંતુ વીસ વર્ષ સુધી ઑપરેશન રૅથ ઑફ ગૉડ ગુપ્ત રીતે ચલાવી આ હુમલામાં જોડાયેલા એક-એક પેલેસ્ટાઇની ત્રાસવાદીને મારતા રહ્યા.સામાન્ય રીતે રૂઢિચુસ્ત મનાતા યહૂદીઓ ભારતને અગાધ પ્રેમ કરે છે. તેથી જ વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ નમસ્તે કરીને અને હિન્દીમાં મોદીજીનું સ્વાગત કરતા જોવા મળ્યા, ભારતથી ગયેલા ઇઝરાયેલી માબાપની દીકરી અને ગાયિકા લિયોરા ઇત્ઝાકે ભારતનું રાષ્ટ્રગીત ગાયું તો મુસ્લિમ ટોપી પહેરવાનો ઇનકાર કરનાર મોદીજી યહૂદી ટોપી પહેરીને જોવા મળ્યા તે પણ મોટો સંકેત છે. ભારતમાં ૮૦ કરોડ હિન્દુઓ છે પરંતુ તેમાંની નોંધપાત્ર સંખ્યા સેક્યુલરિઝમથી ગ્રસિત છે. પરંતુ ઈઝરાયેલમાં ૮૦ લાખ યહૂદીઓ એક સમાન દેશભક્ત છે. તેથી ઈઝરાયેલ ભારત કરતાં આટલું આગળ છે.
આરએસએસની તરફેણમાં બોલતા ભારતના લોકો પણ અચકાય છે ત્યારે ઈઝરાયેલ એક માત્ર દેશ છે જે તેની તરફેણમાં બોલે છે. જ્યારે વર્ષ ૨૦૧૦માં દિગ્વિજયસિંહે કૉંગ્રેસની સભામાં કહ્યું હતું કે “જે રીતે નાઝીઓએ યહૂદીઓનો નરસંહાર કર્યો હતો તે જ રીતે આરએસએસ મુસ્લિમોનો કરે છે.” આનો ઈઝરાયેલ દૂતાવાસે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આરએસએસને નાઝીઓ સાથે સરખાવી શકાય નહીં.ઈઝરાયેલે કૃષિમાં ઓછા પાણી અને ઓછી કૃષિલાયક જમીન છતાં સંશોધન કરીને વધુ પાક મેળવવામાં સફળતા મેળવી છે. આઈ.ટી. ક્ષેત્રે પણ તેની બોલબાલા છે. સંરક્ષણ ક્ષેત્રે તે આત્મનિર્ભર છે. તેની જાસૂસી સંસ્થા મોસાદનો કોઈ જવાબ નથી. આ બંને દેશો જો એકત્ર આવશે તો વિશ્વમાં મહા સત્તાની એક નવી ધરી રચાતી જોવા મળશે. આમ છતાં, ઈઝરાયેલ માત્ર ભારત પ્રત્યે ઝૂકેલું છે તેમ આ મુલાકાતથી માનવું ભૂલભરેલું છે. વેપારી પ્રજા હોવાથી ઇઝરાયેલીઓ ચાલાક અને લુચ્ચા પણ ગણાય છે. તેઓ ભારત જેટલું જ મહત્ત્વ ચીનને પણ આપી રહ્યા છે કારણકે આજની તારીખે ચીન ઈઝરાયેલનું એશિયાનો સૌથી મોટો અને વિશ્વનો ત્રીજા ક્રમનો વેપાર ભાગીદાર દેશ છે. આમ છતાં, અમેરિકાના પ્રમુખ અને ખ્રિસ્તી ગુરુ પોપને જે સન્માન મળે તે મોદીજીને આપીને ઈઝરાયેલે મોટો સંકેત આપ્યો હતો. નેતન્યાહુએ સાચું જ કહ્યું, ભારત અને ઇઝરાયેલ સ્વર્ગમાં બનેલી જોડી છે જેનો અમલ હવે ધરતી પર શરૂ થયો છે.નેતાન્યાહુની ભારતની મુલાકાત દરમિયાન નવ જેટલા કરારો થયા છે.

Related posts

સ્થાનિક મુદ્દા તેમજ કેટલાક સમીકરણની અવગણના બંને પાર્ટી માટે જોખમી બની શકે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : પ્રતિજ્ઞાપત્રના ચાડિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1