Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મોદી-નેતન્યાહુના રોડ-શો અને સ્વાગતની તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની આવતીકાલની અમદાવાદ મુલાકાત ખાસ કરીને ગાંધી આશ્રમની મુલાકાત અને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી આ બંને મહાનુભાવોના રોડ-શોને લઇ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. બંને દેશોના વડાપ્રધાનના રોડ-શો ને લઇ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, એસપીજી અને ઇઝરાયલની સુરક્ષા ટીમ દ્વારા એરપોર્ટથી લઇ ગાંધી આશ્રમ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષાનું રિહર્સલ કરી લીધુ હતુ. બંને મહાનુભાવોની સુરક્ષાને લઇ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ આવતીકાલે સવારે ૧૦-૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, તેને લઇ અમદાવાદ એરપોર્ટ પર પણ આ બંને મહાનુભાવોનું ભવ્યાતિભવ્ય અને જાજરમાન સ્વાગત કરવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તો સાથે સાથે એરપોર્ટ પર પણ લોખંડી સુરક્ષા કવચ ખડકી દેવાયું છે. બંને મહાનુભાવો એરપોર્ટથી લઇ ગાંધી આશ્રમ સુધી રોડ-શો યોજશે અને રસ્તામાં આઠ કિલોમીટર લાંબા આ રૂટમાં માર્ગની બંને બાજુએ ઉભા કરાયેલા વિવિધ સ્ટેજ અને આકર્ષણોમાં ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓને નિહાળતા તેઓ ગાંધીઆશ્રમ પહોંચશે. એરપોર્ટથી લઇ ગાંધીઆશ્રમ સુધીના રૂટમાં બંને મહાનુભાવોના સ્વાગત અને અભિવાદનના બેનરો, સાઇનબોર્ડ અને મોટા કટઆઉટ પણ લગાવવામાં આવ્યા છે. મોદી અને ઇઝરાયલના વડાપ્રધાનના આ રોડ-શોને લઇ ૨૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો છે. તો, ગાંધી આશ્રમ ખાતે ત્રણ ડીસીપી, ૧૪ પીઆઇ, સાત એસીપી, ૫૧ પીએસઆઇ, ૭૮૭ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ, ૧૨૨ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓ સુરક્ષામાં ખડેપગે તૈનાત રહેશે. સાથે સાથે રિવરફ્રન્ટ પર એક ડીસીપી, બે એસીપી, ૨૦ પીઆઇ, ૪૭ પીએસઆઇ, ૬૯૫ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ અને ૬૪ મહિલા કોન્સ્ટેબલનો કાફલો તૈનાત કરાયો છે. બંને મહાનુભાવોના આવતીકાલના રોડ-શો ને લઇ આવતીકાલે સવારે સાત વાગ્યાથી સુભાષબ્રીજથી શાહીબાગ તરફ, એરપોર્ટ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવશે. આ જ પ્રકારે સુભાષબ્રીજથી વાડજ તરફ આવનજાવન રસ્તો પણ બંધ કરી દેવાશે. વૈકલ્પિક માર્ગ તરીકે પ્રબોધ રાવલ સર્કલથી પલક ટી ત્રણ રસ્તા થઇ વાડજ તરફ જઇ શકાશે. જયારે શહેરમાં જવા માટે વાડજ થઇ દધિચિ બ્રીજ પરથી શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ તરફના માર્ગ પર થઇ જઇ શકાશે. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ ઇઝરાયલના વડાપ્રધાન અને મોદી બાવળા ખાતે આઇક્રિએટ સેન્ટરની મુલાકાત લેશે ત્યાં બપોરનું ભોજન સાથે લીધા બાદ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે હોર્ટિકલ્ચર સેન્ટરની મુલાકાત લેશે.

Related posts

રાજ્યનાં શિવાલયો ‘ઓમ નમઃ શિવાય’નાં નાદથી ગુંજ્યા

aapnugujarat

आंगलधरा में वजनकांटा के संचालक पर फायरिंग हुई

aapnugujarat

होटल, कैंटीन-रेस्टोरेन्ट की जांच कर सकेंगे ग्राहक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1