Aapnu Gujarat
ગુજરાત

ઊતરાયણના પ્રસંગે મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી

મકરસક્રાંતિ-ઊતરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પતંગપર્વની ઉજવણીની સાથે સાથે દાન-પુણ્યનો પણ ધોધ વહ્યો હતો. પ્રજાજનો દ્વારા ખાસ કરીને સમાજસેવી લોકો અને સંસ્થાઓ દ્વારા ઊતરાયણના પર્વને લઇ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરી તેમ જ ગાય-હાથી, પક્ષીઓને ચારો, કેળા, ધાન ખવડાવી પુણ્ય અર્જિત કર્યું હતું. શાસ્ત્રોમાં પણ ઊતરાયણના તહેવાર દરમ્યાન કરાયેલા દાન-પુણ્યનું અનેકગણું ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાયું છે. ઊતરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં દેવી-દેવતાઓના ખાસ સાજ-શણગાર અને અન્નકુટ-ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજયના સોમનાથ મહાદેવ, દ્વારકા, ડાકોર, અંબાજી, શામળાજી, સાળંગપુર કષ્ટભંજન દેવ સહિતના યાત્રાધામોમાં વિશેષ સાજ-શણગાર અને ભકતો માટે દર્શન-પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજયભરના મંદિરોમાં તહેવારને લઇ શ્રધ્ધાળુ ભકતો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના પરિવાર સાથે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આરતી ઉતારી હતી. અમિત શાહ દ્વારા આ પ્રસંગે સાધુ-સંતો સહિતના લોકોને ધોતી સહિતનું દાન પણ કરવામાં આવ્યું હતું. આ દાન-પુણ્યના પ્રસંગમાં અમિત શાહની સાથે તેમના પત્ની, પુત્ર જય અને તેની પત્ની તથા પૌત્ર પણ સહભાગી બન્યા હતા. મકરસંક્રાતિએ દાન-પુણ્યનું સવિશેષ મહત્વ છે કારણ કે, ઊતરાયણના દિવસે કરેલા દાન-પુણ્યનું અનેકગણુ અને બહુ દુર્લભ ફળ પ્રાપ્ત થતું હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. જયોતિષીઓના મતે, બારેય રાશિઓના વ્યકિતઓએ તેમની રાશિ મુજબ દાન-પુણ્ય કરવામાં આવે તો તેનું અનેકગણું અને અદ્‌ભુત ફળ પ્રાપ્ત થતુ હોય છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ તેનો અનેરો મહિમા છે. પ્રજાજનોએ તેમની રાશિ મુજબ, ઊતરાયણના તહેવાર નિમિતે સફેદ તલ, સફેદ વસ્ત્ર, સાકર, દૂધ, ચોખા, લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ સીંગ, તાંબાનું વાસણ, કાળી વસ્તુ, કાળા વસ્ત્ર, કાળા તલ, કાળા અડદ, સ્ટીલના વાસણ, પીળા વસ્ત્ર, ગોળ, ચણાની દાળ, કેળા, યથાશકિત સુવર્ણ, ચંદનનું કાષ્ટ, શેરડી, લોખંડની વસ્તુ, લવીંગ, સાકર સહિતની ચીજવસ્તુઓનું દાન કરી અનેકગણું પુણ્ય કમાવવાનો લાભ ઉઠાવ્યો હતો. શહેર સહિત રાજયના વિવિધ મંદિરોમાં પણ દાન-સેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક મંદિરોમાં તો ઊતરાયણના પવિત્ર પર્વ નિમિતે ગૌદાનનું અનન્ય મહાત્મ્ય હોઇ ગૌભકતો ગૌદાન કરી અતિદુર્લભ પુણ્યપ્રાપ્તિનો લ્હાવો ઉઠાવ્યો હતો. શહેરના જગન્નાથ મંદિર, કેમ્પ હનુમાનજી મંદિર, ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના પ્રાચીન અંબાજી મંદિર, સોલા ભાગવત, ઇસ્કોન મંદિર, ભાડજ સ્થિત રાધામોહન મંદિર, પાલડી સ્થિત જલારામ મંદિર સહિતના મંદિરોમાં વિશેષ આયોજન કરાયા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ઊતરાયણના પર્વને લઇ દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર અને આકર્ષક સજાવટ કરાયા હતા. મંદિરોમાં દેવી-દેવતાઓના વિશેષ અન્નકુટ અને શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ પ્રસાદ અને ભંડારાનું પણ આયોજન કરાયુ હતું. શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિરમાં આવતીકાલે વહેલી સવારે આઠથી દસ વાગ્યા સુધી સુંદરકાંડના વિશેષ પાઠનું આયોજન કરાયું હતું. જગન્નાથ મંદિર ખાતે પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મંદિરની બહાર ખૂબ મોટી સંખ્યામાં લાઇન લગાવીને બેસી ગયા હતા, લોકો તેમને ઉદારતાથી ચીજવસ્તુઓ દાન કરતા હતા. મંદિર બહાર હાથીઓને પણ કેળા, ગોળ સહિતની ખાદ્યચીજો ખવડાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અન્ય મંદિરોમાં પણ કંઇક આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Related posts

રાજ્ય સરકાર સામે શંકરસિંહ વાઘેલાએ બાંયો ચઢાવી

editor

પ્રિયંકા ૨૮મીએ ગાંધીનગરમાં પ્રથમ જ ચૂંટણી સભા ગજવશે

aapnugujarat

विवेकानंदनगर में पिछले १५ दिन से गटर का पानी रोड पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1