Aapnu Gujarat
ગુજરાત

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો ભવ્ય પ્રારંભ

ભારતના સૌપ્રથમ હેરિટેજ સિટીમાં જેની ઘણા સમયથી ઉત્સુક્તાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. પાશ્ચાત્ય દેશોમાં એવી માન્યતા ફેલાયેલી છે કે હિન્દુ ધર્મમાં ચેરિટીનું વિશેષ મહત્વ નથી અને ભારતીય કોર્પોરેટ જગતમાં પણ સમાજને કંઈક પાછું આપવાની વિશેષ માન્યતા નથી. આ માન્યતાનું ખંડન કરવા માટે જ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 5થી 8 જાન્યુઆરી દરમિયાન નરસિંહ મહેતા નગર, ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાનારા આ મેળાનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ વિચારક અને અર્થશાસ્ત્રી એસ. ગુરુમૂર્તિ અને સ્વામી શ્રી અવધેશાનંદ ગીરીજી મહારાજના હસ્તે પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પ.પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ જીનચંદ્રસાગર અને હેમચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબશ્રીની હાજરીમાં થયું હતું.

કળશયાત્રા અને બાઈક રેલી

હિન્દુ પરંપરા અનુસાર કોઈપણ શુભ કાર્યની શરૂઆત જેમ કળશ સ્થાપનાથી થાય છે તે જ રીતે આજે સેવા મેળાનો પ્રારંભ સવારે 9.00 વાગ્યે કળશયાત્રાથી થયો હતો. અમદાવાદની 100થી વધુ સંસ્થાઓની 5,000 મહિલાઓએ કળશયાત્રામાં ભાગ લીધો હતો, જેનું નેતૃત્વ દિવ્યાંગ મહિલાઓએ કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલથી શરૂ થયેલી કળશયાત્રા મેળાના સ્થળ પર પહોંચી હતી, જ્યાં પ. પૂ. પરત્માનંદ મહારાજે તેમનું સ્વાગત કર્યું હતું. મહિલાઓના કળશના પાણીનું મેળામાં બનાવાયેલા હિમાલયમાં ગંગાવતરણ કરાયું હતું. કળશયાત્રા બાદ શહેરના વિવિધ ભાગમાંથી 1500 જેટલા યુવાનોની બાઈક રેલી પણ સેવા મેળાના સ્થળ પર પહોંચી હતી.

એસ. ગુરુમૂર્તિ અને અવધેશાનંદજી મહારાજના હસ્તે સેવા મેળાનું ઉદ્ઘાટન

જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદ ગીરીજી મહારાજ અને પ્રસિદ્ધ વિચારક અને અર્થશાસ્ત્રી એસ. ગુરુમૂર્તિ, પૂજ્ય ભાઈશ્રી રમેશ ઓઝા, પ. પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજી તેમજ અન્ય આમંત્રીત સાધુ-સંતોએ દીપ પ્રાગટ્ય કરી મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંગઠનના પ્રમુખ શ્રી પ્રદિપ મોદીએ આ સેવા મેળામાં ચાર દિવસ સુધી યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓ અને સેમિનાર અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાના છ મૂલ્યો – વન અને વન્ય જીવનું સંરક્ષણ, જીવસૃષ્ટિનું સંતુલન, પર્યાવરણની સુરક્ષા, પરીવાર અને માનવ મૂલ્યોનું સંરક્ષણ, નારી ગરિમાની અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભાવનાની જાગૃતિના આધારે એક થીમ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા અંગે એસ. ગુરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં એક કાર્યક્રમમાં સખાવતી કાર્યો અંગે બિલ ગેટ્સના સન્માન કાર્યક્રમમાં એક નેતાએ કહ્યું કે ‘વીઆર ડઝ નોટ નો ફિલાન્ટ્રોફી’. તેમના આ એક સ્ટેટમેન્ટ બાદ વૈશ્વિક સ્તરે એવી માન્યતા ફેલાઈ કે ભારતીયો દાનમાં વિશ્વાસ નથી ધરાવતા અને ભારતીય કોર્પોરેટ જગત પણ ચેરિટી કરતું નથી. આ ઘટના બાદ ભારતમાં અનેક બુદ્ધિજીવીઓએ એકત્ર થઈ ભારતીય સમાજમાં દાનની પ્રવૃત્તિઓને ઉજાગર કરવાના મહત્વ પર ભાર મૂક્યો. ત્યાર બાદ ચેન્નઈમાં 2009માં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો પ્રારંભ થયો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 13 રાજ્યોમાં 24 મેળાઓનું આયોજન થઈ ગયું છે. અમદાવાદમાં યોજાઈ રહેલો આ 25મો મેળો ગુજરાતનો સૌપ્રથમ મેળો છે. જોકે, રસપ્રદ વાત એ છે કે આ મેળાનું વિચારબીજ અમદાવાદમાં જ રોપાયું હતું, જે આજે વૃક્ષ બની વિકસી રહ્યું છે.’

પૂજ્ય શ્રી ભાઈ રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, ‘હિન્દુત્વ એક વિચારધારા અને સંસ્કૃતિનું નામ છે. તેને કોઈ ધર્મ અથવા મઝહબ સાથે જોડી શકાય નહીં. તમે હિન્દુ હોવ કે ન હોવ, તમે ધાર્મિક હોવ કે ન હોવ, તમારે ત્રણ વસ્તુ શીખવી જોઈએ. 1. માણસનો માણસ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, 2, મનુષ્યનો મનુષ્યેતરજીવ સૃષ્ટિ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ અને 3. મનુષ્યનો પ્રકૃતિ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ. જે છ થીમ પર આ મેળો યોજાઈ રહ્યો છે તે આ જ ભાવનાને પ્રદર્શિત કરે છે અને તે જ હિન્દુત્વ છે.’

પ્રખ્યાત જૈનાચાર્ય હેમચંદ્રસાગર સુરિશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, હિન્દુ હોવાની વ્યાખ્યા ખૂબ જ વ્યાપક છે. તેને સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આત્માના એક શરીરમાંથી બીજા શરીરમાં અવતરણની માન્યતામાં વિશ્વાસ રાખનાર દરેક હિન્દુ છે. એટલે કે પૂર્વજન્મ અને પુનર્જન્મમાં જેની આસ્થા છે તે હિન્દુ છે. આપણે જૈન કે શિખ કે પછી અન્ય ધર્મના પછી છીએ, પહેલાં આપણે હિન્દુ છીએ. ભારત માત્ર એક ભૂમીનો ટૂકડો નથી, તે એક તીર્થધામ છે. હિન્દુ સમાજના ઉત્થાન માટે મેં અગાઉ પણ સૂચન કર્યું હતું અને હજી પણ મારું સૂચન છે કે હિન્દુ સાધુ-સંતોએ એક મંચ પર આવીને સમાજના ઉત્થાન માટે ચિંતન કરવાની જરૂર છે.

જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદજીએ જણાવ્યું હતું કે, ‘હિન્દુત્વની વ્યાખ્યા ખૂબ જ વ્યાપક અને સર્વસ્વીકૃત છે. જે સમગ્ર વિશ્વને કુટુંબ માને છે તે હિન્દુ છે.’ એસ. ગુરુમૂર્તિની કુંભમેળામાં નારી સન્માન અને કન્યા પૂજનનું આયોજન થવાનું છે તે બાબતને ટાંકીને તેમણે કહ્યું કે હિન્દુ સમાજમાં તો પરાપૂર્વથી નારીનું સન્માન થઈ રહ્યું છે. વધુમાં હિન્દુ સમાજ માત્ર નારીનું જ સન્માન નથી કરતું તે પ્રકૃતિનું પણ સન્માન કરે છે. ભારતના કોઈપણ અવતાર, દેવ, દેવીઓ સાથે કોઈને કોઈ સ્વરૂપે પ્રાણી, વનસ્પતી, પ્રકૃતિ અને જળ સંકળાયેલા જ રહ્યા છે. આથી, આ રીતે ભારતીયો સદીઓથી વન અને વન્યજીવોનું રક્ષણ કરી રહ્યા છે. જોકે, વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસ્કતિનો વિકાસ થવાના પગલે વન-વન્યજીવોનું અવમૂલ્યન થઈ રહયું છે. આથી આપણે હિન્દુ મૂલ્યોને પુનઃજીવંત કરવાની જરૂર છે અને આ પ્રકારના મેળાના આયોજન મારફત આપણે તે કાર્ય તરફ આગળ વધીશું તેવી આશા છે.

મેળાની અન્ય વિશષતા

ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં 90,000 ચો. મીટરમાં ઊભા કરાયેલા નરસિંહ મહેતા નગરમાં અન્ય અનેક આકર્ષણો પણ ઊભા કરાયા છે. અહીં 300થી વધુ સંસ્થાના 400 સ્ટોલમાં તેમના દ્વારા સમાજમાં કરવામાં આવી સેવાઓ દર્શાવવામાં આવશે.

રમતોનું આયોજન

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં માત્ર પર્યાવરણ અને અધ્યાત્મની જ વાત નથી થઈ. સેવા મેળામાં આયોજિત સ્પર્ધાત્મક રમતોત્સવમાં શુક્રવારે અમદાવાદની 25થી વધુ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજે કબડ્ડી, વોલીબોલ, ખો-ખો સહિતની પ્રાચીન ભારતીય રમતો યોજાઈ હતી.

યાજ્ઞવલ્ક્ય યજ્ઞશળા

હિન્દુ પરંપરામાં યજ્ઞનુ વિશેષ મહત્વ હોવાથી 11 યજ્ઞકુંડની યજ્ઞશાળા ઊભી કરવામાં આવી છે જ્યાં દરરોજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. આજે 33 યુગલોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.

નારી સન્માન

આ મેળામાં બપોરે નારી સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય સમાજમાં નારીના મહત્વ અને ભારતના વિકાસમાં નારીની ભૂમિકા અંગે ગણમાન્ય મહિલા ચિંતકો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું.

તત્ત્વમ” – (જીવન-મૂલ્ય-પ્રદર્શન)

હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના આકર્ષણો પૈકીનું એક એટલે આ મેળા નું હાર્દ સ્વરૂપ તત્ત્વ છે તેને પ્રદર્શિત કરતુ પ્રદર્શન એટલે “તત્ત્વમ’, જયાં આપને સાક્ષાત્કાર થશે શ્રી રામ થી લઈને કૃષ્ણ  અને  પ્રવયાવરણ થી લઈને આ દેશની અસ્મિતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર સૈનિકોનું। આ સર્વેનું માધ્યમ –  સેતુ બનશે જીવન મૂલ્યોનું પ્રદર્શન, જે વિવિધતાથી ભરપૂર, અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ થી જીવંત કરેલ ચિત્રો, ફિલ્મો, માહિતી અને દ્રશ્યો દ્વારા.

 તત્ત્વમ” આખરે છે શું?

તત્ત્વમ એટલે જીવનદ્રષ્ટિ, જીવન જીવવાનો પંથ, અર્વાચીન મૂલ્યોની જાળવણી કરવાની અને તેનો ઉત્તર, આધુનિક વિશ્વની સુખાકારી અને પીડાકારી બાબતોને જાણ્યા પછી, પ્રબોધન કરવાનો અમૂલ્ય અવસર, જીવનના  મૂલ્યોનો  તુલનાત્મક ગ્રાફ, સમન્વય-પ્રકૃતિ અને પર્યાવરણ નો, ચાલો- પરિવાર ને ફરી પોતાનો કરીએ, સાથે મળીને આ વિચારને અમલમાં મુકવાનો સમય.

અહીંયા બાળકો થી લઈને વરિષ્ટ નાગરિકો માટે મનોરંજક રજૂઆત અને સકારાત્મક સંદેશ છે. સહુ  હૃદય અને દિમાગ ને સ્પર્શે તેવા પ્રેરણાત્મક પાત્રો,વિચાર અને ચિત્રો છે, જે સર્વે આપને ઝકડી રાખશે અને આપ તૈયાર થશો કૈંક આ વસુંધરા માટે કરી છૂટવા.

પ્રદર્શન -1 : વન અને વન્ય જીવોનું સંરક્ષણ,

પ્રદર્શન -2 : જીવસૃષ્ટિ (એકોલોજી) ની જાળવણી,

પ્રદર્શન -3 : પર્યાવરણની સુરક્ષા,

પ્રદર્શન -4 : કુટુંબ અને પરિવાર મૂલ્યો,

પ્રદર્શન -5 : નારી સન્માન અને ગૌરવ અને

પ્રદર્શન -6 : દેશપ્રેમનું સિંચન

Related posts

રાહુલ ગાંધી ૧૫મી એપ્રિલ ઉપરાંત ૧૯મીએ પણ ગુજરાત આવશે

aapnugujarat

વિરમગામના બજાણીયાપરા વિસ્તારમાં બે મકાન ઘરાશયી, કોઈ જાનહાનિ નહીં

aapnugujarat

अमराईवाडी में १०० वर्ष पुराना मकान धराशायी : दो की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1