Aapnu Gujarat
શિક્ષણ

ફી નિયમનના કાયદાનો હવે ગુજરાતમાં કડકાઇથી અમલ

ગુજરાત સરકારના સ્વનિર્ભર શાળા ફી નિર્ધારણ કાયદા-૨૦૧૭ની બંધારણીય કાયદેસરતાને બહાલ રાખતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ અને હાઇકોર્ટે ૨૦૧૮થી તેનો અમલ કરવા આપેલી મંજૂરીને પગલે આજે રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે, હવે રાજયભરમાં ફી નિયમન કાયદાનો ભારે કડકાઇથી અને ચુસ્તપણે અમલ કરવામાં આવશે. શિક્ષણપ્રધાને આજે હાઇકોર્ટના ચુકાદા બાદ ફી નિયમન કાયદાનો રાજયભરમાં કેવી રીતે અસરકારક અમલ કરી શકાય અને વિદ્યાર્થીઓ અને વાલીઓને કયા પ્રકારે મોટી રાહત આપી શકાય તે સહિતના મુદ્દાઓને લઇ રાજયના શિક્ષણ સચિવ સુનયના તોમર અને રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં શિક્ષણપ્રધાને તેઓને જરૂરી સૂચના અને નિર્દેશો પણ આપ્યા હતા. બીજીબાજુ, ગુજરાત સરકારના ફી નિયમન કાયદાને પડકારતી સ્વનિર્ભર શાળાઓની ઢગલાબંધ રિટ અરજીઓ તાજેતરમાં જ ફગાવી દેવાના અને સરકારના ફી નિયમન કાયદાને બંધારણીય અને કાયદેસર ઠરાવતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સ્વનિર્ભર શાળાઓ તરફથી સુપ્રીમકોર્ટમાં પિટિશન ફાઇલ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે ગુજરાત સરકારે પણ આ કેસમાં અગમચેતીના ભાગરૂપે બે-ત્રણ દિવસમાં સુપ્રીમકોર્ટમાં કેવીયેટ ફાઇલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ સુપ્રીમકોર્ટમાં વેકેશન હોઇ તા.૩ અથવા ૪થી જાન્યુઆરીએ સરકાર દ્વારા કેવીયેટ ફાઇલ કરાય તેવી શકયતા છે. કેવીયેટ અરજીનો અર્થ એ થાય કે, જો સ્વનિર્ભર શાળાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી પિટિશન સુપ્રીમકોર્ટમાં ફાઇલ કરાય તો, ગુજરાત સરકારનો પક્ષ સાંભળ્યા વિના સુપ્રીમકોર્ટ કોઇ હુકમ કરે નહી તેવી વિનંતી કરતી અરજી એટલે કેવીયેટ. કેવીયેટને લઇ રાજયના શિક્ષણ પ્રધાન સહિતના સત્તાવાળાઓ દ્વારા સુપ્રીમકોર્ટમાં આસીટન્ટ સોલીસીટર જનરલ તુષાર મહેતા સાથે પણ ચર્ચા વિચારણા હાથ ધરી હતી. દરમ્યાન શિક્ષણ પ્રધાને ફી નિયમન કાયદાની અમલવારી ૨૦૧૮થી કરવાની હોઇ આજે પહેલા જ દિવસે શિક્ષણ સચિવ સુનયના તોમરની ઉપસ્થિતિમાં રાજયના તમામ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક બોલાવી લીધી હતી. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયની તમામ શાળાઓમાં સરકારના ફી નિયમન કાયદાની ભારે ચુસ્તતા અને કડકાઇ સાથે અસરકારક અમલવારી કરાવવાના નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં હાઇકોર્ટે તેના ચુકાદામાં કરેલી સ્પષ્ટતાઓ અને માર્ગદર્શિકાઓની પણ છણાવટ કરી તે મુજબ સ્પષ્ટપણે અમલવારી કરવા પણ સૂચનાઓ અપાઇ હતી. જેથી હવે રાજયમાં ફી નિયમન કાયદાની કડકાઇથી અમલવારી થશે. જે શાળાઓએ ફી વધારે લેવી હશે તેઓએ જે વધુ ફી માંગી રહ્યા છે તેનું વાજબીપણું અને જરૂરી પુરાવા ફી નિયમન કમીટી સમક્ષ રજૂ કરી પુરવાર કરવું પડશે અને જો કમીટી તેઓને વધુ ફી ઉઘરાવવાની મંજૂરી આપશે તો જ તેઓ વધુ ફી ઉઘરાવી શકશે, અન્યથા નહી. શિક્ષણપ્રધાને વાલીઓને પણ શાળા સંચાલકોની દાદાગીરીને વશ થઇ વધુ ફી નહી ભરવા ખાસ તાકીદ કરી હતી. ફી નિયમન મામલે હાલમાં મહત્વપૂર્ણ ચુકાદો અપાયો હતો.

Related posts

डिप्लोमा इंजीनियरिंग में ३०,७२२ सीटें रिक्त हुई

aapnugujarat

અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનો વિદ્યાર્થી પર હુમલો

aapnugujarat

સેમેસ્ટર પદ્ધતિમાં જરૂરી સુધારા કરવાની વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1