Aapnu Gujarat
ગુજરાત

ન્યુ યર પાર્ટી તૈયારી : ૫૮ લાખનો દારૂનો જથ્થો જપ્ત

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ તેની કોઇ વાસ્તવિક કે અસરકારક અમલવારી દેખાતી નથી કારણ કે, છાશવારે દેશી-વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતો જ હોય છે. અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલ અને ગ્રામ્ય એલસીબી પોલીસે એક સંયુકત ઓપરેશનમાં અસલાલી સર્કલ પાસેથી ન્યુ યર પાર્ટીના ભાગરૂપે લવાયેલો રૂ.૫૮ લાખનો ઇંગ્લીશ દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી. આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતાં બુટલેગર અને દારૂડિયા તત્વોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો અન્ય એક બનાવમાં ગ્રામ્ય એલસીબીએ બગોદરા હાઇવે પરથી કારમાં અમદાવાદમાં દારૂ લઇને આવતાં બે યુવકોને એક લાખના દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ૩૧ ડિસેમ્બર અને ન્યુ યરની પાર્ટીને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દારૂની હેરાફેરી અને કન્સાઇન્ટમેન્ટ વધી જતા હોય છે, તેથી પોલીસ તંત્રને આ બાબતે એલર્ટ પર રાખવામાં આવ્યું છે. દરમ્યાન અમદાવાદ(ગ્રામ્ય) આરઆર સેલના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહને બાતમી મળી હતી કે, અસલાલી રીંગરોડ સર્કલ નજીકના એક પાર્કીંગમાં દારૂ ભરેલી ટ્રક પડી છે, જેથી પોલીસ અધિકારીઓએ સ્ટાફ સાથે તરત જ આ સ્થળ પર દરોડો પાડયો હતો અને ટ્રક સાથે ડ્રાઇવરને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકની જડતી લેતાં તેમાંથી રૂ.૫૯ લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. જેમાં બટાલિયન વ્હીસ્કી માર્કાની ૧૮૦ એમએલની બોટલો ભરેલા ૧૪૫૦ બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવર મોહમંદ ચાંદ સલીમ અબ્બાસી(રહે.મેરઠ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી લીધી હતી, જો કે, આ દરમ્યાન ટ્રકનો કલીનર મુશરાન ઉર્ફે ઇમરાન ભાગી છૂટયો હતો. ડ્રાઇવરે પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તેને યોગેશ નામની વ્યકિતએ આ જથ્થો મોકલ્યો હતો. આ કન્સાઇન્ટમેન્ટ પંજાબથી લવાયું હતું. પોલીસે આરોપી ડ્રાઇવરની પૂછપરછના આધારે દારૂનો આ જથ્થો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો, કોના ઇશારે તે અહીં મોકલાયો અને સમગ્ર હેરાફેરીમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે તે સહિતના પ્રશ્નોના જવાબ શોધવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક બનાવમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બગોદરા હાઇવે પર આઇ-૨૦ કારમાં દારૂનો જથ્થો લઇને આવી રહેલા ગોપાલ પ્રજાપતિ અને વિપુલ વાળંદ(રહે.અર્જુનનગર, નિર્ણયનગર પાસે)ને ઝડપી લીધા હતા.
આરોપીઓની કારની જડતી લેતાં તેમાંથી એક લાખની કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

નીતિન પટેલથી મુખ્યમંત્રી પદ ફરી વેંત છેટું રહી ગયું

editor

થરા નેશનલ – હાઈવે ૨૭ પર લોડિંગ રિક્ષાએ મારી પલટી

editor

છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં ૪૦૪૮ વૃક્ષોનું નિકંદન થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1