Aapnu Gujarat
બ્લોગ

૯ ડિસેમ્બરે મતદાન : રાજકીય પક્ષોનાં જીવ પડીકે બંધાયા

૯મી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ૧૯ જિલ્લામાં મતદાન યોજાનાર છે. અત્રે ફરી યાદ કરાવી દઈએ આ ઓગણીસ જિલ્લામાં મતદાન થવાનું છે તે જિલ્લા કયા છે. (૧) કચ્છ (૨) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) રાજકોટ (૫) જામનગર (૬) દેવભૂમિ દ્વારકા (૭) પોરબંદર (૮) જૂનાગઢ (૯) ગીર સોમનાથ (૧૦) અમરેલી (૧૧) ભાવનગર (૧૨) બોટાદ (૧૩) નર્મદા (૧૪) ભરૂચ (૧૫) સુરત (૧૬) તાપી (૧૭) ડાંગ (૧૮) નવસારી (૧૯) વલસાડ
આખાય ભારતના તમામ રાજકીય પક્ષો અને રાજકારણ સાથે સંકળાયેલા લોકોની નજર રાજકોટ બેઠક ઉપર છે એટલું જ નહિ ભાજપના વડાપ્રધાનથી લઇ નાનામાં નાના કાર્યકરની નજર પણ આ બેઠક ઉપર છે. વર્તમાન મુખ્યપ્રધાન આ બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં છે. ત્યારે રાજકોટના જ વર્તમાન કૉંગ્રેસના યુવા ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ પણ મેદાનમાં છે.
રાજકોટની આ બેઠક ઉપર બ્રાહ્મણ, પાટીદાર અને લોહાણા મતદારોનું પ્રભુત્વ વધારે છે. આ બેઠક ઉપરથી ભૂતકાળમાં ભાજપના ખુબજ સિનિયર નેતા અને હાલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા ચૂંટાઈ આવતા હતા અને વજુભાઇ વાળા ૧૯૯૦થી ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે એટલું જ નહિ પરંતુ ગુજરાત સરકારનો ઇતિહાસ છે કે વજુભાઇ વાળાએ નાણાપ્રધાન તરીકે ગુજરાત સરકારનું ૧૮ વખત બજેટ રજૂ કર્યું છે અને તેના પર વિરોધ પક્ષ તરફથી આવતા આકારા પ્રહારોનો સામનો પણ હસતા હસતા કર્યો છે જેને વિરોધ પક્ષે પણ સ્વીકાર કર્યો છે આમ આ બેઠક અતિમહત્વની છે.રાજકોટની આ બેઠકની બીજી અગત્યની વાત કરીએ તો હાલના મુખ્યપ્રધાન પણ આ બેઠક ઉપર ગત ચૂંટણીમાં વિજયી થયા હતા. ઉપરાંત હાલના દેશના વડાપ્રધાન પણ રાજકોટ બેઠક ઉપરથી જૂના સીમાંકન પ્રમાણે ચૂંટણી લડી ૧૪ હજાર મતની સરસાઈથી જીત્યા હતા. આમ રાજકોટની આ બેઠક ગાંધીનગરની ગાદી માટે મહત્વની છે તેમ ચોક્કસ કહી શકાય. આ ઉપરાંત અતિ મહત્વની વાત અત્રે યાદ કરવી જરૂરી છે ગુજરાતના ઇતિહાસમાં ૧૯૯૫માં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સરકાર બની ત્યારે મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ આ રાજકોટ શહેરની બેઠક ઉપરથી ચૂંટણી લડી વિજયી બન્યા હતા.
પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ ૧૭૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી ખર્ચ અને સામાન્ય નિરીક્ષકો એમ કુલ ૧૯૧ નિરીક્ષકો
ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કુલ ૬૦૪ સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત
રાજ્યનાં ૫૬,૪૩૯ હથિયાર પરવાનેદારો પૈકી ૫૦૫૮૯ એ પોતાના હથિયાર જમા કરાવ્યા
રૂ.૧૪.૭૧ કરોડની કિંમતનો વિદેશી – રૂ.૨૧.૨૧ લાખની કિંમતનો દેશી દારૂ રૂ.૨૦.૪૮ કરોડની અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૩૫.૪૧ કરોડનો મુદ્દામાલ જપ્ત
ફ્લાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા રૂ.૧.૬૫ કરોડની રોકડ રકમ જપ્ત.
બેટી બચાવોપ બેટી પઢાઓપ, મહિલા સશક્તિકરણની વાતો થાય, પણ રાજકારણમાં હકીકતમાં મહિલાઓને પ્રાધાન્ય અપાતું નથી. રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટની ફાળવણી કરતી નથી. આનું ઉદાહરણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૮૯ બેઠકોનું મતદાન ૯ ડિસેમ્બરે થનાર છે, જેમાં ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં માત્ર ૯ મહિલાઓને ટિકિટની ફાળવણી કરાઈ છે.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા કુલ ૧૭૫ ઉમેદવારોના નામ જાહેર થયા છે, જેમાં ભાજપે ૬ મહિલાને ટિકિટ આપી છે, અને કોંગ્રેસે ૩ મહિલાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા અપાયેલ મહિલાઓને ટિકિટઃ(૧) ભૂજમાં નીમાબહેન આચાર્ય, (૨) ગાંધીધામમાં માલતીબહેન મહેશ્વરી, (૩) ગોંડલમાં ગીતાબા જાડેજા, (૪) ભાવનગર પૂર્વ વિભાવરીબહેન દવે, (૫) લિંબાયતમાં સંગીતા પાટીલ અને (૬) ચોર્યાસી બેઠક પર ઝંખનાબહેન પટેલ. જ્યારે કોંગ્રેસ દ્વારા અપાયેલ ટિકિટઃ (૧) રાપરમાં સંતોક અરેઠિયા, (૨) ભાવનગર પૂર્વમાં નીતાબહેન રાઠોડ અને (૩) નવસારીમાં ભાવનાબહેન પટેલ.
તદઉપરાંત આ યાદીમાં વર્તમાન ધારાસભ્યોમાં ભાવનાબહેન મકવાણા, વર્ષાબહેન દોશી, વસુબહેન ત્રિવેદી અને ભાનુબહેન બાબરિયાની ટિકિટ કપાઈ ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં ભાજપે ૨૦ મહિલાઓને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે ૧૪ મહિલાઓને ટિકિટ આપી હતી.ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હીના માર્ગદર્શન મુજબ દરેક મત વિસ્તાર દીઠ ત્રણ -ત્રણ સ્ટેટીક સર્વેલન્સ ટીમની ફાળવણી કરવામાં આવી છે. હાલ રાજયમાં કુલ ૬૦૪ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તેમજ ૫૫૫ ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે. તમામ જિલ્લાઓ ખાતે જિલ્લા ચુંટણી અધિકારીની કચેરી ખાતે ટોલ ફ્રી નંબર સાથે કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. રાજયના શહેર/જિલ્લાઓ ખાતે જિલ્લા સ્તરનાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ જિલ્લાસ્તરે ખર્ચ નિરીક્ષણ સેલની રચના કરવામાં આવી છે. ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા જપ્ત કરવામાં આવેલી રોકડ રકમની સમીક્ષા-ચકાસણી કરીને, તે અંગે યોગ્ય નિર્ણય કરવા માટે જિલ્લાસ્તરે સમિતિની રચના કરવામાં આવી છે.રાજ્યમાં ચૂંટણી દરમિયાન ખર્ચ પર દેખરેખ રાખવા તથા નશાબંધી-આબકારીની કામગીરી સંબંધે કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓ જેવી કે આવકવેરા, વાહનવ્યવહાર વિભાગ, વન વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. રાજયની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય જળ અને જમીન સીમાઓથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા બીએસએફ, કોસ્ટગાર્ડ, નારકોટીક્સ બ્યુરો તેમજ રાજયના વિમાન મથકોએ તકેદારી રાખવા સીઆઈએસએફ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ફ્લાઈંગ સ્કવોર્ડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા રોકડ રકમ અને સોનુ જપ્ત કરવાના ૧૪ કેસ નોંધાયા છે. જે પૈકી બનાસકાંઠા- અમદાવાદ શહેર, છોટાઉદેપુર,પાટણ, જામનગર, ભાવનગર અને નવસારીમાં એક-એક, જ્યારે મોરબીમાં ચાર અને ખેડામાં ત્રણ કેસ નોંધી કુલ રૂા.૧.૬૫ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત, વિદેશી દારૂના ચાર કેસમાં રૂા.૧,૦૯,૩૮૦ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં કુલ ૫૬,૪૮૭ પરવાનેદાર હથિયારધારકો છે. જે પૈકી જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે રચાયેલી સ્થાનિક રિવ્યુ કમિટિ દ્વારા સમીક્ષા બાદ કુલ ૫૦,૫૮૯ પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. રાજ્યમાં ચૂંટણી સંબંધી તકેદારીના પગલાંના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કુલ ૪૦,૯૩૦ બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમા તંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં દેશી-વિદેશી દારૂ તેમજ તે કેસમાં જપ્ત વાહનો-અન્ય સામગ્રી મળી કુલ રૂ.૩૫,૪૧,૧૧,૫૯૭ની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નશાબંધીના ૨૨,૦૪૩ કેસોમાં કાર્યવાહી કરીને ૧૭,૮૮૬ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત નશાબંધી એક્ટ હેઠળ ૨૧,૮૫૭ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ક્રિમીનલ પ્રોસીઝર કોડની વિવિધ કલમ અન્વયે કુલ ૧,૧૮,૮૨૪ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે.તમામની નજર હવે નવમી ડિસેમ્બર પર મંડાઇ છે જ્યારે પ્રથમ તબક્કાની ચુંટણીનું મતદાન થવાનું છે.

Related posts

VERY NICE LINE

aapnugujarat

પૃથ્વીનું સૌથી ઠંડુંગાર સ્થળ : ઍન્ટાર્કટિકા

aapnugujarat

વિજ્ઞાનનો ચમત્કારઃ હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1