Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ આરટીઓમાં નવા સારથી-૪ સોફ્ટવેરને લઇ કામ ઠપ થયું

અમદાવાદ આરટીઓ કચેરીમાં સારથી-૪ના નવા સોફ્ટવેરના ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે, જેના કારણે આરટીઓમાં છેલ્લા દસ દિવસથી લાઇસન્સ, રિન્યુઅલ અને ડુપ્લીકેટ લાઇસન્સ સહિતની સંબંધિત કામગીરી છેલ્લા દસ દિવસથી બંધ છે. જેના કારણે હજારો નાગરિકો અને વાહનચાલકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આરટીઓ તંત્ર દ્વારા નાગરિકોને આ અંગે કોઇ આગોતરી જાણ જ કરી નહી હોવાના કારણે રોજના હજારો નાગરિકો આરટીઓ કચેરી ખાતે લાઇસન્સ સંબંધી કામગીરી માટે આવી ધરમધક્કા ખાઇ પાછા ફરે છે અને આરટીઓ તંત્ર પર ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે. આરટીઓ કચેરીમાં નવુ સારથી-૪ સોફ્ટવેર આવવાથી હવે વાહનચાલકે તેના દસ્તાવેજો-પુરાવા સ્કેન કરીને આરટીઓમાં આપવા ફરજિયાત બનશે પરંતુ નિષ્ણાતોના મતે, કોઇ ફેર પડવાનો નથી ઉલ્ટાનું વાહનચાલકો-નાગરિકોના નાણાં, સમય અને શકિતનો દુર્વ્યય જ થવાનો છે. એટલે કે, છેવટે તો, ખાતર પર દિવેલ જેવો ઘાટ સર્જાય તેવી સ્થિતિ છે. આરટીઓ તંત્રના નીતનવા ધાંધિયા અને લાલિયવાળીથી નિર્દોષ નાગરિકો અને હજારો વાહનચાલકો રોજબરોજ કોઇક ને કોઇક હાલાકી અને મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. આરટીઓ કચેરીમાં લાઇસન્સ માટે હવે સારથી-૪ નામના નવા સોફ્ટવેરના ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે, જેના કારણે છેલ્લા દસ દિવસ ઉપરાંતથી આરટીઓમાં લાઇસન્સ કામગીરી ઠપ્પ છે. આ સોફ્ટવેર લાગુ થવાથી દરેક વાહનચાલક અથવા લાઇસન્સવાંચ્છુ નાગરિકને તેના ઇલેકશન કાર્ડ, રહેઠાણના પુરાવા સહિતના સંબંધિત દસ્તાવેજો અને પુરાવા કોમ્પ્યુટર પર સ્કેન કરીને રજૂ કરવાના રહેશે જેથી હવે નાગરિકોને સાયબર કાફેનો આશરો લેવો પડશે એટલે, સાયબર કાફેવાળાની કમાણી વધશે. આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, નવા સોફ્ટવેરની સીસ્ટમથી નાગરિકોને પુરાવાઓ સ્કેન કરવાની જટિલ પ્રક્રિયામાં પસાર થવુ પડશે પરંતુ તેનાથી સમસ્યાનો અંત નહી આવે. કારણ કે, જયારે વાહનચાલક લાઇસન્સ લેવા જશે ત્યારે ખરાઇ માટે પાછા ઓરીજનલ દસ્તાવેજો અને પુરાવા તો આરટીઓ તંત્ર માંગશે જ. તો પછી સ્કેનીંગ કરાવવાનો અર્થ શું ? રિન્યુઅલમાં પણ તકલીફ ઉભી થશે કારણ કે, એપોઇન્ટમેન્ટ વખતે ઓરીજનલ લાઇસન્સ મંગાય છે તો દસ્તાવેજો અને પુરાવા સ્કેન કરાવવાની કયાં જરૂરિયાત છે? આનાથી તો, ઉલ્ટાની લોકોની હાલાકી અને ખર્ચાઓ વધશે. નાગરિકોના નાણાં, સમય અને શકિતનો દુર્વ્યય થશે. એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ મહત્વનો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું હતુ કે, નિર્દોષ નાગરિકો શા માટે પુરાવાઓ સ્કેનીંગ કરવાની જફામાંથી પસાર થાય. આ બધી જવાબદારી આરટીઓ તંત્રની છે. સ્કેનીંગ સહિતની નીતનવી પધ્ધતિઓ અમલી બનાવવાના કારણે લાઇસન્સની પ્રક્રિયા સરળ અને ઝડપી બનવાના બદલે જટિલ, મુશ્કેલીભરી અને વિલંબિત બનતી જાય છે. રાજય સરકારે આરટીઓ તંત્રના સમગ્ર વહીવટ, સંચાલન અને કામગીરી પર બારીકાઇથી નજર રાખી ચોક્કસ વ્યવસ્થાતંત્ર ગોઠવવાની જરૂર છે.

Related posts

મેમનગર વિસ્તારમાં ચાલતી વધુ પાંચ ટેરેસ રેસ્ટોરન્ટ સીલ

aapnugujarat

રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ : હાર્દિક પટેલ

aapnugujarat

જવાહર ચાવડા-પરિવારની સંપતિ ૮.૫૬ કરોડ વધી : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1