Aapnu Gujarat
ગુજરાત

અમિત જેઠવા કેસમાં ટ્રાયલ સામે ચોથી સુધી સ્ટે મુકાયો

ચકચારભર્યા અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં પબ્લીક પ્રોસીકયુટરને કેસની તૈયારી કરવા માટે પાંચ દિવસનો સમય આપી સુપ્રીમકોર્ટે સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહેલ આ કેસનો ટ્રાયલ સોમવાર સુધી સ્ટે કરતો હુકમ આજે કર્યો હતો. મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવા તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમકોર્ટે સોમવાર સુધી જેઠવા કેસનો ટ્રાયલ ચલાવવા પર મનાઇહુકમ ફરમાવી દીધો હતો. ગઇકાલે અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવા તરફથી ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી અને જેઠવા કેસના ટ્રાયલ સામે સ્ટેની માંગણી કરી એવી રજૂઆત કરાઇ હતી કે, કેસના બહુ બધા કાગળો અને સંવેદનશીલ દસ્તાવેજોનો ઝીણવટભર્યો અભ્યાસ જરૂરી છે અને તેથી આ કેસમાં નીમાયેલા પબ્લીક પ્રોસીકયુટરને કેસની તૈયારી અને જરૂરી અભ્યાસ માટે ત્રણ સપ્તાહનો સમય આપવો જોઇએ. જો કે, આરોપીઓ ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર સહિતના અન્ય આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ નિરૂપમ નાણાવટી, સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી વગેરેએ અરજીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ કેસમાં હાઇકોર્ટે અગાઉ જયારે સમગ્ર કેસમાં રિટ્રાયલનો હુકમ કર્યો ત્યારે તે હુકમ સામે આરોપી દિનુ બોઘા સોંલકીએ સુપ્રીમકોર્ટમાં પિટિશન કરી ત્યારે સુપ્રીમકોર્ટે રિટ્રાયલનો હુકમમાં સુધારો કર્યો હતો અને કેસના માત્ર ૨૬ સાક્ષીઓને નવેસરથી તપાસવા હુકમ કર્યો હતો. એ વખતે સુપ્રીમકોર્ટે ડે ટુ ડે બેઝીઝ પર કેસનો ટ્રાયલ ચલાવવા પણ સ્પષ્ટ હુકમ કર્યો હતો. તેથી નીચલી કોર્ટ(ટ્રાયલ કોર્ટ) દ્વારા ડે ટુ ડે બેઝીઝ પર કેસની સુનાવણી હાથ ધરાઇ રહી છે, તેમાં હવે સ્ટેની માંગણી અસ્થાને છે. સુપ્રીમકોર્ટે કરેલા હુકમ સંદર્ભે અરજદારપક્ષ દ્વારા કરાયેલી હાલની અરજી ટકી શકે તેમ જ નથી. આરોપીપક્ષના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ સોનિયાબહેન જી.ગોકાણીએ અરજદારપક્ષની અરજી ફગાવી દીધી હતી અને મંગળવારે બપોર સુધીમાં અરજદારપક્ષને સુપ્રીમકોર્ટમાં આ મામલે જવાનો સમય આપ્યો હતો અને ત્યાં સુધી ટ્રાયલ સ્ટે કર્યો હતો. હાઇકોર્ટમાંથી રાહત નહી મળતાં ભીખાભાઇ જેઠવા આજે સુપ્રીમકોર્ટમાં પિટિશન કરી સરકારી વકીલને આ કેસની તૈયારી માટે સમય આપવા વિનંતી કરી હતી. જેમાં સુપ્રીમકોર્ટે જેઠવા કેસમાં તૈયારી કરવા માટે સરકારી વકીલને સોમવાર સુધીનો સમય આપી ત્યાં સુધી આ કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં હાથ ધરવા પર સ્ટે ફરમાવ્યો હતો.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બે ચરણમાં શરૂ થશે

aapnugujarat

ઈણાજ ખાતે જિલ્લા આયોજનની બેઠક યોજાઈ

editor

૨૦ કરોડના ખર્ચે કાલુપુર શાક માર્કેટ આધુનિક થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1