Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસના મહામંત્રી સહિતના તમામ હોદ્દા પરથી પૂજા પ્રજાપતિએ રાજીનામું આપ્યું

ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષમાં ટિકિટ ફાળવણીને લઇ કેટલાક ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારોમાં ભારોભાર નારાજગી અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે, જેને લઇ હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે અમદાવાદમાં ગુજરાત મહિલા કોંગ્રેસના મહામંત્રી સહિતના તમામ હોદ્દા પરથી પૂજા પ્રજાપતિએ રાજીનામું આપી દીધુ હતું. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં મહિલાઓની ઘોર ઉપેક્ષા અને અવગણનાને લઇ પૂજા પ્રજાપતિએ ભારે દુઃખ વ્યકત કર્યું હતું અને તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબહેન પટેલને પત્ર પાઠવી રાજીનામું આપી દીધું હતું. પૂજા પ્રજાપતિએ મહિલા કોંગ્રેસના મહામંત્રી સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતાં પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમે ગાંધીજીની વિચારધારા અને કોંગ્રેસની વિચારધારાને માનતા આવ્યા છીએ. સને ૨૦૦૩થી અમે ઇન્ટુક દ્વારા કોંગ્રેસમાં શરૂઆત કરી હતી અને મહિલા, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દાઓ પર ઘણી લડતો આપી પંચાયતી રાજમાં મહિલાઓના ૩૩ ટકા અનામતના મુદ્દાને આવકાર્યો હતો. થોડા સમય પહેલા મહિલા સશકિતકરણના નામે રાજનીતિમાં ૫૦ ટકાની હિસ્સેદાર એવી મહિલાઓને ૩૩ ટકા બેઠકો જિલ્લા દીઠ આપવા અંગે તેમ જ ૨૬ લોકસભા પ્રમાણે ૨૬ મહિલાઓને આગામી ચૂંટણીમાં સ્થાન આપવામાં આવશે એવી જોરશોરથી પક્ષ દ્વારા જાહેરાતો થઇ હતી પરંતુ એ સિધ્ધાંતો કયાંક ખોવાઇ ગયા અને મહિલાઓની ભારે ઉપેક્ષા અને અવગણના કરવામાં આવી છે. ત્યારે મારા સિધ્ધાંતો મુજબ હું આ રીતે જોઇ શકું એમ નથી, માટે દુઃખી મન સાથે મહિલાના અધિકારો અને સન્માન માટે હું મારા તમામ પદો પરથી રાજીનામું આપું છું. દરમ્યાન પૂજા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ મહિલાઓના સન્માન અને અધિકારોની વાત છે, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી વખતે પક્ષ દ્વારા મહિલાઓને ઘોર અન્યાય એ તેમના સન્માન પર પ્રહાર સમાન છે અને તેથી તેમણે રાજીનામું ધરી દેવાનો નિર્ણય લીધો.

Related posts

Covid-19: Gujarat recorded 1,408 fresh cases and 14 deaths in 24 hours

editor

સુરતનાં કામરેજમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

aapnugujarat

નયા ભારતનું નિર્માણ આ યુવાશકિતના સામર્થ્યથી થશે : મુખ્યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1