Aapnu Gujarat
બ્લોગ

ગુજરાત ચુંટણી ભાજપ અને કોંગ્રેસ બંનેની કસોટી કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતાધારી ભાજપ પક્ષને જ્ઞાતિવાદ, મોંઘવારી, નોટબંધી, જીએસટી, આંતરિક જૂથવાદ જેવા મહત્વના પરિબળોનો સામનો કરવો પડશે. આ પરિબળોને લઈને પ્રજા સત્તાધારી પક્ષની વિરુદ્ધ જઈને મતદાન કરે તો સતાધારી પક્ષની હાર થાય અને તેના આગામી વર્ષમાં અન્ય રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડે. બીજી તરફ કોંગ્રેસ પણ આ બધા મુદ્દાને લઈને પ્રજાની સમક્ષ જઈ રહી છે, આ મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે. જો પ્રજા આ વાત સ્વીકારે અને કોંગ્રેસ સત્તામાં આવે તો રાજકીય ક્ષેત્રે મોટી ઊથલપાથલ થાય તેમ ચર્ચાઈ રહ્યું છે.ભાજપ માટે દેશભરમાં ગુજરાત મોડેલ સ્ટેટ છે. ગુજરાત થઈને જ ભાજપે દિલ્હીની ગાદી મેળવી છે. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ સતા પર છે, હવે પરાજિત થાય તો ઘરઆંગણે જ ભાજપની પડતીનો પ્રારંભ થાય. ગુજરાતની ચૂંટણી પછી સવા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ નબળો પડ્યાંના અર્થઘટન સાથે રાષ્ટ્રીય ક્ક્‌ષાએ વિરોધ પક્ષોને સંગઠિત થવાની તક મળી જાય.કોંગ્રેસે ગુજરાતમાં “કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે” નારા સાથે જોરશોરથી પ્રચાર આરંભ્યો છે. ભાજપ “હું છું વિકાસ હું છું ગુજરાત” સૂત્ર વહેતું મૂક્યું છે. જો ભાજપ ફરી સરકાર રચવામાં સફળ થાય તો વડાપ્રધાન મોદી આવતી લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ વધુ મજબૂત બનશે. અને જો સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો સફળ થાય તો કોંગ્રેસ પ્રેરિત રાજકીય નવસર્જન સાથે ભાજપના અરમાનોનું વિસર્જન થઈ જશે. આવી સ્થિતિ દેશના રાજકીય માહોલમાં બદલાવ લાવવાનો રસ્તો ખોલી શકે છે.ગુજરાતમાં અગાઉની ચૂંટણીઓ કરતાં મુદ્દા અને માહોલ આ વખતે મહદઅંશે અલગ છે. મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસના સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય ક્ક્‌ષા સુધીના નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ગુજરાતનું પરિણામ દેશને નવી રાજકીય દિશા ચીંધનારું બની રહેશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી ઉમેદવાર યાદી જાહેર થવા સાથે ચૂંટણીમેદાનમાં મધ્યાંતર શરુ થઇ ચૂક્યું છે. વિપક્ષ કોંગ્રેસ આ વખતે મેદાનમાં દેખાઇ રહી છે અને સારી એવી ટક્કર રાહુલ ગાંધી આપી રહ્યાં છે ત્યારે આગામી રણનીતિ અમલમાં મૂકતાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રચારજંગમાં ઉતારવા તૈયારી કરી લીધી છે. ભાજપે તૈયાર કરેલા ફૂલપ્રૂફ પ્લાન મુજબ ફક્ત નરેન્દ્ર મોદીને આગળ કરી ચૂંટણી લડવા માટે રાજ્યના જિલ્લે-જિલ્લે પીએમ મોદીની મહારેલીઓ કરવાનું આયોજન થઇ ગયું છે. પહેલા તબક્કામાં પીએમ પ્રચારકાર્ય માટે ટૂંકસમયમાં આવશે. મોદી પોતે એક સામાન્ય કાર્યકર્તાની જેવી આખરી મહેનત કરી કલાકોના હિસાબે ઝંઝાવાતી પ્રચારમાં લાગી જશે અને કોંગ્રેસ કેમ નહીં અને ભાજપને કેમ મત આપવો તે માચે ગુજરાતની જનતાને મનાવશે.ચૂંટણીની સત્તાવાર અધિસૂચના પહેલાં જ ઘણોખરો મુદ્દાલક્ષી અને પૂર્વનિર્ધારિત યોજનાઓના લોકાર્પણ પ્રસંગોએ દોરદમામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષનો પ્રચાર માહોલ બનાવ્યો જ હતો. નર્મદા યોજના પૂર્ણાહૂતિ અને દહેજ ફેરી સર્વિસ જેવા પ્રોજેક્ટોની સફળતા તેમાં મોટો ભાગ ભજવ્યો હતો.આજે પહેલાં ચરણ તેમ જ બીજા ચરણમાં યોજાનાર ચૂંટણી માટે કુલ ૭૦ ઉમેદવાર જાહેર કરી દીધાં પછી વધુ જોશથી પ્રચાર કાર્યમાં ઉતરી રહી છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે બીજેપી પ્રચાર માટે ચૂંટણી રથ પણ તૈયાર કરવાની છે. ત્યારે મુખ્ય સૂકાન સંભાળતાં પીએમ મોદી વાયુવેગી અને ઝંઝાવાતી પ્રચારમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી જનતાના મનમાં ઉઠેલા વાંધાવચકાને ધોઇ નાખવા વીજળીગતિએ ફરી વળશે.ગુજરાતમાં આગામી ૯ ડિસેમ્બરના રોજ યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા તા.૧૪ નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસ પક્ષ પોતાના પક્ષના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવા જઈ રહી છે.ભાજપની ૭૦ ઉમેદવારોના નામની પ્રથમયાદી શુક્રવારે જાહેર થઈ ચૂકી છે.વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલ ઝંઝાવતી પ્રચાર-મુલાકાત ભાજપ માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે. રાહુલ ગાંધી દ્રારા આ વખતે રાજયના જુદા જુદા સંપ્રદાયના તીર્થમંદિરોની મુલાકાત પણ ચર્ચાનો મુદો બની ગયો છે. કોગ્રેસ પક્ષ આ વખતે રાજયમાં મધ્યમવર્ગ અને હિંદુત્વની દિશામાં ધ્યાન આપી પ્રગતિ કરતી દેખાઈ રહી છે. રાહુલ ગાંધીની આ તમામ મુલાકાતમાં ક્યાંય પણ કઈ અજુગતું બોલાઈ ના જવાય અને ભાજપ પક્ષને ફાયદો થાય, તેનું ધ્યાન પણ ચોક્કસ રાખવામા આવી રહ્યું છે અને પક્ષના કાર્યકરોને પણ સંયમ જાળવવા તાકીદ કરવામાં આવી છે.ગુજરાતમાં આ વખતે રાહુલ ગાંધીને પ્રજા દ્વારા મળેલ સાથ કોંગ્રેસનાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ આ વખતે ૧૩૦ કરતાં વધારે નવા ચહેરા ઉતારવાના મૂડમાં છે અને ખાસ કરીને યુવા વર્ગને વધુને વધુ તક મળે તેમજ તમામ જ્ઞાતિને પૂરતો ન્યાય મળે તે દિશામાં ચોક્કસ ગંભીરતાપૂર્વક વિચાર કરી લેવામાં આવ્યો છે.ભાજપમાં ટિકીટ મેળવવાના મુદ્દે યુવા કાર્યકરો આક્રમક બની રહ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. યુવા કાર્યકરો આ વખતની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં નહીં આવે તો સંપૂર્ણપણે લડી લેવાના મૂડમાં છે. જરુર પડે તો રાજીનામાં આપવાની પણ તૈયારી કરવામાં આવી છે.સતાધારી ભાજપ પક્ષમાં કાર્યકરોનો એક અવાજ ચોક્કસ ઊઠતો જણાયો છે કે ચાર પાંચ ટર્મથી એકના એક ચહેરાઓ આવે છેઅને ચૂંટાઈને મંત્રી બને છે પછી કાર્યકરોને સાંભળતા નથી.રાજ્યના કેટલાક વિધાનસભા મત ક્ષેત્રોમાં યુવાનો દ્વારા ગ્રૂપ મિટિંગ અને જાગૃતિ લાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.ભાજપ યુવા કાર્યકરોની માગણી જો યોગ્ય રીતે સાંભળવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની આ ચૂંટણીમાં પોતાનો આકરો મૂડ બતાવે તેવી ચર્ચાઓ પણ સંભળાઇ રહી છે.કોંગ્રેસે પાટીદારો, ઓબીસી અને દલિતોને આકર્ષવા માટે પોતાની પૂરી તકાત લગાવી દીધી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાં બેસીને કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.તો દલિત નેતા જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધી પણ પાટીદાર આંદોલના મહત્વના ચહેરા હાર્દિક પટેલનો પોતાના ભાષણોમાં અનેકવાર ઉલ્લેખ કરી ચૂક્યા છે.કોંગ્રેસ નેતાઓની હાર્દિક પટેલ સાથે ઘણીવાર ગુપ્ત મુલાકાતો પણ થઈ હોવાની ચર્ચા છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક સવાલ એવો પણ થાય છે કે શું કોંગ્રેસની આ યોજના સફળ થશે?અનામતને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે એક રીપોર્ટ તૈયાર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોનીયા ગાંધી ગમે ત્યારે અનામતને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જો આમ થાય તો અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાની પ્રતિક્રિયા જોવાની રહેશે કારણ કે ઠાકોર સેના પહેલેથી જ પટેલ સમાજને અનામત આપવાનો વિરોધ કરતી આવી છે.કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને વચન આપ્યું છે કે કેટલીક મહત્વની સીટો પર તેમના સમર્થકોને ટિકીટ આપવામાં આવશે. આના કારણે ઠાકોર સમાજ કોંગ્રેસની તરફેણમાં છે.
હાર્દિક પટેલ પણ કહી ચૂક્યા છે કે જો પાટીદાર આંદોલનના નેતાઓને કોંગ્રેસ ટિકીટ આપશે તો તેઓ કોંગ્રેસને સમર્થન આપશે. અને એટલા માટે જ ઉત્તર ગુજરાતમાં વર્તમાન સ્થિતી અનુસાર રાજકીય સમીકરણોનો અંદાજ લગાવવો મુશ્કેલ લાગી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર અને પટેલ સમાજનો ખૂબ પ્રભાવ છે, પરંતુ તેઓ એકબીજાને વોટ આપવા નથી માંગતા. આવા સંજોગોને જોતા કોંગ્રેસ માટે ઈધર કુઆ ઈધર ખાઈ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાઓનો સમાવેશ થયેલ છે. તા.૨૧ નવેમ્બર ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ છે. ૨૪ નવેમ્બર ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે.ગુજરાતમાં આ વખતે રાજકીય વાતાવરણમાં ગરમાવો ચૉક્કસ આવી જશે. સત્તાધારી ભાજપ પક્ષ સામે વિરોધનો વંટોળ ઉભો થઇ ગયો છે. આ વિરોધમાં ખાસ કરીને મોંઘવારી અને સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવતી ખોટી જાહેરાતો હવે પ્રજા જાણી ગઈ છે.રાજ્યમાં હાર્દિક પટેલ, જીજ્ઞેશ અને અલ્પેશ ઠાકોર જેવા અલગ અલગ સમાંજના યુવાનો દ્રારા પોતાના સમાજ માટે લડી લેવાના મૂડમાં નીકળ્યા છે.ત્યારે રાજકીય વાતાવરણ ગરમાયું છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ અને બ્રહ્મસમાજ પણ લડાયક મૂડમાં આવી ગયું છે.કોંગ્રેસના યુવા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતોમાં પ્રજા દ્વારા મળતા સ્વયંભૂ સમર્થનથી ભાજપ મોવડીમંડળ ચોંકી ઉઠ્યું છે. અને ભાજપે કેન્દ્રના સિનિયર લોકો અને ફિલ્મ પ્રચારકોને શેરીએ શેરીએ પત્રિકા આપતાં કરી દીધા છે.રાહુલ ગાંધી હવે, દરેક સભામાં વડાપ્રધાનની ગરિમા જાળવવા અને તેમની સામે વ્યક્તિગત નામ લઈને ઉચ્ચારણો ન કરવાની વાત દોહરાવી તેનાથી રાજ્યમાં બુદ્ધિજીવી લોકો આ વાતને સારી ગણાવી ચોરે અને ચોંકે ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. બીજું રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને કોઈ પણ અપશબ્દો ન બોલવાની તાકીદ કરી છે. તે પણ એક સારી વાત બની છે. તેમ લોકો માની રહ્યા છે.
રાજ્યમાં રાહુલ ગાંધી, વડાપ્રધાન અને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખના ગુજરાત રોકાણથી આગામી ચૂંટણીમાં આવનાર પરિણામ કંઈક જુદું હશે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગર ખાતે રાજપૂત સંમેલનમાં રાજપૂત સમાજના એકતાની પણ બંને પક્ષનાં મોવડીઓ દ્વારા નોધ લેવામાં આવી છે.ગુજરાતમાં ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. ત્યારબાદ ૨૦૧૪માં લોકસભાની યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતમાં ૨૬ બેઠકો મેળવી ઇતિહાસ સર્જયો હતો, મતદારોની અને જુદા જુદા સમાજની નારાજગીની શરૂઆત વર્ષ ૨૦૧૫માં યોજાયેલ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીથી જોવા મળી હતી. ૨૦૧૫ના વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં ૨૩૦ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે ૨,૫૩૬ બેઠકો મેળવી હતી, જે અગાઉની ચૂંટણીમાં એક હજારની અંદર હતી.ભાજપ પક્ષે ભૂતકાળની તાલુકા પંચાયતની ચૂંટણી કરતા ૨૦૧૫ની ચૂંટણીમાં ૧૯૬૭ નુકસાન થયું, જયારે ૩૩ જિલ્લા પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં ૩૬૫ બેઠકો મેળવી હતી, જેની સામે કોંગ્રેસ પક્ષે કુલ ૫૯૪ બેઠકો પ્રાપ્ત કરી હતી. આમ ભાજપને ૨૨૯ બેઠકોનું નુકશાન થયું હતું.
વર્ષ ૨૦૧૫માં યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો. આમાં પાટીદાર સમાજની ભૂમિકા અગત્યની રહી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષમાં અનેક નાના મોટા કારણોથી સત્તાધારી ભાજપ પક્ષ સામે નારાજગી ઉભી થતી ગઈ અને આ નારાજગી આજે ખુલ્લેઆમ દેખાઈ રહી છે. પરિણામે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ છેલ્લી ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં ૬૦ બેઠકો જાળવી હતી. તેમાં આ વખતે વધારે બેઠકો મળે તેમ દેખાઈ રહ્યું છે. આ વખતના વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા સમાજ દ્રારા ઉભી થયેલ નારાજગીમાં ગ્રામ્ય વિસ્તારો ખુબ જ આકરા મૂડમાં છે, ભાજપને પછાડવા માટે જયારે શહેરી વિસ્તારમાં હજુ ચિત્ર સ્પષ્ટ દેખાતું નથી. પરંતુ આ વખતની ચૂંટણી આગામી રાજકીય સમીકરણોમાં ખુબ જ મહત્વની બની રહેશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા તેની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી છે. યાદી રીલીઝ કરાયાં પછી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે તેની સત્તાવાર ઘોષણા કરી હતી.ભાજપે જાહેર કરેલી ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાજકોટ પશ્ચિમ પર સીએમ રુપાણી, નિતીન પટેલ મહેસાણા, જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમની નિયમિત બેઠક પર જ ચૂંટણી લડવાનું જાહેર થયું છે. આ સાથે આ નેતાઓની બેઠકમાં બદલાવની તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.ભાજપે જાહેર કરેલી ૭૦ બેઠક પરના ઉમેદવારોમાં સોમનાથ- જશા બારડ, રાજુલાથી હીરા સોલંકી, ગઢડાથી આત્મારામ પરમાર, મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ, શહેરાથી જેઠા આહીર વગેરે ટિકીટ મેળવનાર નામો બહાર પડ્યાં છે. આ યાદીમાં ૪ મહિલા ઉમેદવારના નામ છે. જોકે વઢવાણના વર્ષા દોશીનું પત્તું કપાયું છે.નવા ચહેરાને જોખમની સ્થિતિ કળી ગયેલાં ભાજપ મોવડીમંડળે સેફ ગેમ રમતાં સિટીંગ ૪૯ ધારાસભ્યને ફરી ટિકીટ આપી છે. તો જે ચાર મહિલા ઉમેદવાર ટિકીટ મેળવી શક્યાં તેમાં વિભાવરી દવે-ભાવનગર પૂર્વ, વડોદરા-મનીષા વકીલ, લિંબાયત-સંગીતા પાટીલ અને રમીલા બારા કે જેઓ ગત ચૂંટણી ખેડબ્રહ્મા બેઠક પર હારી ગયાં હતાં તેમનો સમાવેશ થયો છે.મહત્ત્વનું છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાંથી પાંચને ટિકીટ આપવામાં આવી છે. તેમાં જામનગર રુરલમાં રાઘવજી પટેલ, અને જામનગર ઉત્તરમાં ધર્મેન્દ્ર જાડેજા, ઠાસરાથી રામસિંહ પરમાર, બાલાસિનોરથી માનસિંહ ચૌહાણ, ગોધરામાંથી સી કે રાઉલજી ટિકીટ મેળવવામાં સફળ બન્યાં છે.જાતિવાર જોઇએ તો આ યાદીમાં ૧૫ પટેલ, ૬ ક્ષત્રિય, ૫ કોળી, ૨ જૈન અને ૨ બ્રાહ્મણને ટિકીટ ફાળવવામાં આવી છે.ભાજપે આજે જાહેર કરેલી આ યાદીમાં પહેલા તબક્કાની ૪૫ અને બીજા તબક્કાની ૨૫ બેઠક જાહેર કરવામાં આવી છે.
ભાજપે તેના ઉમેદવારોની બીજી યાદીમાં કેટલાંક જૂનાં નામ પડતાં મૂક્યાં છે, જેમાં ચોટીલાથી સંસદીય સચિવ શામજી ચૌહાણ, ધોરાજીથી પ્રવીણભાઇ માંકડિયા, ટંકારાથી બાવનજી મેતલિયા અને અમદાવાદનાં નિર્મલા વાધવાણીની ટિકિટ કપાઈ છે. આ સિવાય માણાવદરથી રતિ સુરજેવાલા અને સુરતથી રણજિત ગિલિટવાળાનાં નામ પડતાં મુકાયાં છે.ઉલ્લેખનીય છે કે, બીજી યાદીમાં પસંદગીના ઉમેદવારોને ટિકિટ મળતા કાર્યકરોમાં આનંદની લાગણી છવાઇ છે જ્યારે જેના પત્તા કપાયા છે એવા ઉમેદવારોના સમર્થકોમાં નારાજગી વ્યાપી છે.

Related posts

ગંભીર જેવા ઑપનરની ભારતને હંમેશા ખોટ પડશે

aapnugujarat

પ્રાણાયામ અંગે વૈજ્ઞાનિક સંશોધન

aapnugujarat

શ્રધ્ધાંજલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1