Aapnu Gujarat
ગુજરાત

VVPAT ની જાણકારી સાથે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે નાટ્ય કૃતિની સાથે મતદાર જાગૃત્તિ રથના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી આર.એસ.નિનામા

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ અન્વયે નર્મદા જિલ્લામાં આગામી તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની બેઠકની થનારી ચૂંટણીમાં મતદારો દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે ગત ચૂંટણીમાં ઓછા નોંધાયેલા મતદાનવાળા વિસ્તાર-ગામો તેમજ હાટ બજાર માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિશેષ મતદાર જાગૃત્તિ અભિયાનના ભાગરૂપે જિલ્લામાં આજથી શરૂ થનારા મતદાર જાગૃત્તિ રથના બીજા તબક્કાના કાર્યક્રમનો રાજપીપલા કલેક્ટરાલય ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ લીલી ઝંડી ફરકાવીને પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ માં થનારા મતદાન માટે EVM મશીનની સાથે સૌ પ્રથમવાર VVPAT નાં થનારા ઉપયોગ અંગે લોકોને જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે તેમજ જિલ્લામાં અગાઉની ચૂંટણીમાં મતદાન ઓછું નોંધાયુ હોય તેવા ખાસ પસંદગીના વિસ્તારો અને ગામોમાં અચૂક મતદાન કરવા અંગેની લોકજાગૃત્તિ કેળવાય તેવા આશયથી પરંપરાગત પ્રચાર-પ્રસારના નાટકના માધ્યમથી “જાગો મતદાર જાગો” શિર્ષક હેઠળના નાટકની રજુઆત થકી મતદાન માટેનો સંદેશો ગુંજતો કરવાનો ભગીરથ પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્રએ આદર્યો છે. મતદાન જાગૃત્તિ રથની સાથોસાથ નાટ્ય કલાકારો તરફથી મતદાન જાગૃત્તિની નાટ્યકૃતિ પણ જે તે ગામોમાં રજુ કરવાનું આયોજન કરાયું છે.

આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતેથી પ્રારંભાયેલો બીજા તબક્કાનો મતદાર જાગૃત્તિ રથ બપોરે કેવડીયા કોલોનીમાં રામચોક સ્કુલ કમ્પાઉન્ડ ખાતે અને ત્યારબાદ તિલકવાડા તાલુકાના મુખ્યમથકે તિલકવાડા બજારમાં પણ “જાગો મતદાર જાગો” ની નાટ્યકૃત્તિ રજુ કરવાની સાથોસાથ મતદાર જાગૃત્તિ રથના માધ્યમથી EVM-VVPAT કાર્યપધ્ધતિ અંગેની જાણકારી અંગે વિસ્તૃત સમજ અને માર્ગદર્શન પુરૂ પડાયું હતું અને પ્રત્યેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઇએ તેવો સંદેશો આપ્યો હતો.

અમદાવાની એઇડ્સ જન એવમ્ વિકલાંગ સેવા સંસ્થાનના સંચાલક શ્રી રાજુભાઇ જોષીના નેજા હેઠળ ૭ જેટલા કલાકારોના કલાજૂથ તરફથી અને ચૂંટણીતંત્રના માધ્યમથી મતદાર જાગૃત્તિ રથ સાથે જિલ્લાના નિર્ધારીત અન્ય વિસ્તાર-ગામોમાં પણ મતદાર જાગૃત્તિનો કાર્યક્રમ રજુ કરાશે, જેનો જાહેર જનતાએ બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા EVM-VVPAT ની જાણકારી અંગે પ્રથમ તબક્કામાં તાલુકાના તમામ ગામોમાં મતદાર જાગૃત્તિ રથ ફરીને EVM-VVPAT કાર્યપધ્ધતિની જાણકારીની સાથે સમજ પૂરી પડાઇ હતી.

આજના આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, ચૂંટણીલક્ષી ફરજો સાથે સંકળાયેલા અધિકારીઓ શ્રી આર.વી. બારીયા, શ્રી એસ.જી. ગાવિત, શ્રી આર.એમ. ચૌધરી, શ્રી એન.યુ. પઠાણ, શ્રી યાકુબ ગાદીવાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.                    ૦ ૦ ૦ ૦

Related posts

ભાજપના અધ્યક્ષ અમિત શાહની નવસારીમાં કાર્યકરો સાથે બેઠક, ચૂંટણી જીતવા આપ્યો મંત્ર

aapnugujarat

કડી ના નાયક ભોજક સમાજ તરફથી 51 હજાર નો ચેક રાહતફંડમાં અર્પણ કરવામાં આવ્યો.

editor

નડિયાદમાં ફ્લેટ ધરાશાયી : ૪નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1