Aapnu Gujarat
ગુજરાત

આજથી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન શરૂ : નારણપુરાથી અમિત શાહ અભિયાનનો શુભારંભ કરાવશે

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસના વિરામ બાદ આજે ફરીથી પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસ પર છે. આજથી અમિત શાહ ફરી ઝંઝાવતી પ્રચાર કરીને પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શન આપનાર છે. ગુજરાતમાં ૧૫૦થી વધુ બેઠકો જીતવાના મક્કમ ઇરાદા સાથે ભાજપ પ્રમુખ અમિત શાહ આજે સવારે નવ વાગે અમદાવાદના નારણપુરાથી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો શુભારંભ કરાવશે. ૧૨મી નવેમ્બર સુધી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન ચાલનાર છે જેમાં વડાપ્રધાનના સંદેશને જનજન સુધી પહોંચાડશે. રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ ઘરે ઘરે જઇને સંપર્ક કરશે. ભાજપના સુશાસનની સિદ્ધિઓ પ્રજા વચ્ચે લઇ જવાશે. આ અંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તા આઈકે જાડેજાએ આજે જણાવ્યું હતું કે, ભાજપ ૨૦૧૭ની ચૂંટણીમાં જન જન સુધી શાસનની સિદ્ધિઓ પહોંચાડવા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન યોજશે. મહાસંપર્ક અભિયાન દરમિયાન ગુજરાતના ગૌરવ, ગુજરાત અને દેશનું નામ, સમગ્ર વિશ્વમાં ભારતની બોલબાલા સહિત મોદીના સંદેશા લોકો સુધી પહોંચાડવામાં આવશે. મોદીનો જનતા જનાર્દનને ઉદ્દેશીને કરાયેેલો સંદેશો પહોંચાડવામાં આવશે. જાડેજાએ અભિયાનની વિગત આપતા કહ્યું હતું કે, ઘર ઘર ચલો અભિયાનના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ સમગ્ર રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં જોડાશે. જનતાનું અભિવાદન કરી વિજય ભવના આશીર્વાદ મેળવશે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમદાવાદમાં, મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે રાજકોટમાં રહેશે. અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રસંગે સંગઠનની ચૂટણી તૈયારી ચુસ્ત કરવાના હેતુસર શનિવારના દિવસે ગાંધીધામ, કચ્છ, મોરબી, સુરેન્દ્ર નગર, બાવનગર શહેર, જિલ્લા, બોટાદ, અમરેલી અને અમદાવાદમાં પાર્ટીના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રવિવારના દિવસે વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, દાહોદ, સાંબરકાઠા, અને અરવલ્લીમાં કાર્યકરો, હોદ્દેદારોને પ્રચંડ જીત અપાવવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ. સોમવારના દિવસે બહાર રહ્યા બાદ આવતીકાલે તેઓ ફરી રાજયના ત્રણ દિવસના પ્રવાસમાં આવી રહ્યા છે. આ ગાળા દરમિયાન અમિત શાહ પ્રથમ દિવસે રાજકોટ શહેર જિલ્લા, સુરત મહાનગર , બીજા દિવસે જુનાગઢ શહેર જિલ્લા, પોરંબદર, ગિર સોમનાથ, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, , મહીસાગર તેમજ ત્રીજા દિવસે ગુરૂવારના દિવસે સુરત જિલ્લા, તાપી, જામનગર શહેર, જામનગર જિલ્લા, દેવભૂમિ દ્ધારકા, વડોદરા શહેર, છોટા ઉદયપુર, તેમજ વડોદરા જિલ્લામાં પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, નેતાઓને ચૂંટણી જીતના સંબંધમાં માર્ગદર્શન આપનાર છે. અમિત શાહ ગુજરાત ચૂંટણીમાં ૧૫૦થી વધારે સીટ જીતવા માટેનો હેતુ ધરાવે છે. ચૂંટણીને ધ્યાનમાં લઇને અમિત શાહ આક્રમક મુડમાં આવી ચુક્યા છે. ભાજપ અત્યારે જે પ્રકારે પાટીદાર આંદોલન, કોંગ્રેસ, દલિતો સહિતના પરિબળો સામે લડત આપી રહ્યું છે, તેને લઇ પાયાના અને સંનિષ્ઠ કાર્યકરોનો ઉત્સાહ ઓછો ના થાય કે તેઓમાં કોઇ નિરાશાનું વાતાવરણ અસર ના કરે તે હેતુથી ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં ધામા નાંખી ચુક્યા છે. દક્ષિણ ગુજરાત સહિતના ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર બાદ અમિત શાહ તા.૭મીથી શહેરી વિસ્તારમાં ખાસ કરીને અમદાવાદના તેમના નારણપુરા વિધાનસભા મતક્ષેત્ર સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર ફરીને મતદારોથી લઇ પાયાના કાર્યકરો, આગેવાનોને રૂબરૂમાં મળી તેમને ભાજપના વિકાસનો ઇતિહાસ સમજાવશે. અમિત શાહનો ખાસ કરીને ભાજપના કાર્યકરો અને આગેવાનોને બુસ્ટ અપ કરી તેમનામાં એક નવી ઉર્જા અને પ્રાણના સંચાર કરવાનો મુખ્ય આશય છે.

Related posts

ભાવનગરમાં બે ડૉક્ટર પોઝિટિવ હોવા છતાં દર્દીઓને કરે છે સેવા

editor

સંથારા શ્રાવકે જૈન પરંપરા ઉજાગર કરી

aapnugujarat

કોરોના ની મહામારી વચ્ચે દિયોદર માં માનવતાની મહેક…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1