Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના લોકો ભાજપને આ વખતે બોધપાઠ ભણાવી દેશે : જિજ્ઞેશ મેવાણી

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજયા બાદ દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીએ સાફ શબ્દોમાં ભાજપ પર બહુ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથેની તેમની આ બેઠક ઘણી સકારાત્મક રહી છે. કોંગ્રેસે તેમને મળવા બોલાવ્યા અને હકારાત્મક અભિગમ તો દાખવ્યો , જયારે ભાજપ તો દલિતોને(અમને) મળવા સુધ્ધાં તૈયારી દાખવી નથી. ભાજપનો આ ઘમંડ આ વખતની ચૂંટણીમાં ગુજરાતના દલિતો સહિત સાડા છ કરોડ જનતા ચકનાચૂર કરી નાંખશે. ભાજપને પાડી દેવા જે કંઇ કરવુ પડે તે અમે કરીશું એવો જોરદાર હુંકાર પણ મેવાણીએ કર્યો હતો. બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર ગુજરાતના તમામ વર્ગ અને લોકોને સાથે લઇને ચાલનારી સરકાર હશે અને લોકોના મનની વાત સાંભળીને કોંગ્રેસ સરકાર ચલાવશે. કોંગ્રેસે તેમને બેઠક યોજવા મળવા બોલાવ્યા તે બદલ કોંગ્રેસના સરારાત્મક અને મળતાવડા વલણની પ્રશંસા કરતાં મેવાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, ઉનાકાંડની દલિતો પરની અત્યાચારની શરમજનક ઘટના બાદ અમે કેટલા આંદોલન કર્યા, કેટલા આવેદનપત્ર આપ્યા અને રજૂઆતો કરી પરંતુ ભાજપ સરકારનો એટલો બધો અહંકાર અને ઘમંડ છે કે, અમારી માંગણીઓ પર વિચારણા કરવાની વાત તો બાજુ પર રહી આજિદન સુધી અમારા દલિત નેતાઓ સાથે બેઠક સુધ્ધાં કરી નથી. આટલી અહંકારી અને ઘમંડી છે ભાજપ સરકાર પરંતુ આ વખતની ચૂંટણીમાં દલિતો અને ગુજરાતની સાડા છ કરોડની જનતા ભાજપનો ઘમંડ ચકનાચૂર કરશે. કોંગ્રેસે અમારી ૧૭ માંગણીઓ પૈકી ૯૦ ટકા સ્વીકારી લીધી છે અને તે અમારો અધિકાર હોવાનું ગણાવ્યું છે આટલો છે ભાજપ અને કોંગ્રેસમાં ફરક. હજુ કેટલાક મુદ્દા પર અમે અમારી દલિત સંસ્થાઓ, દલિત સંગઠનોને સાથે રાખી આગળ વધવા અને બેઠક યોજવા રાહુલજીને અનુરોધ કર્યો છે. બીજી બેઠકમાં થનારી ચર્ચા અને નિર્ણય બાદ આગળની રણનીતિ કે અમારું વલણ અમે સ્પષ્ટ કરીશું. જો કે, ભાજપને આ વખતની ચૂંટણીમાં પાડી દેવા અમે ગમે તે કરીશું એમ મેવાણીએ ઉમેર્યું હતું. કોંગ્રેસ સાથેની બેઠકથી તેઓ ખુશ હતા તે સ્પષ્ટ જણાતું હતું. દરમ્યાન મેવાણી સાથેની બેઠક બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, બેઠક સકારાત્મક રહી છે. ભાજપના શાસનમાં ગુજરાતમાં દરેક સમાજમાં આંદોલનો ચાલી રહ્યા છે અને દરેક વર્ગ-સમૂહ ભાજપથી નારાજ છે. કારણ કે, ભાજપ તોડવાનું કામ કરે છે, જયારે કોંગ્રેસ જોડવાનું કામ કરે છે. કોંગ્રેસની સરકાર સમાજના તમામ લોકોને વર્ગ અને સમૂહને સાથે લઇને ચાલવામાં માને છે. કોંગ્રેસની સરકાર આવશે તો તે તેના મનની વાત કરવાના બદલે લોકોના મનની વાત સાંભળીને તેમના કહેવા મુજબ સરકાર ચલાવશે. રાહુલે બધાનો આભાર પણ માન્યો હતો.

Related posts

” આનંદ એ જ સાહિત્યનું સર્વોચ્ચ પ્રયોજન છે.”- યશોધર રાવલ

editor

રાહુલ ગાંધીને પાર્ટી પ્રેસીડન્ટ બનાવવાની ભલામણ ગુજરાત કોંગ્રેસ કરી,મીટીંગમાં થયો અગત્યનો ઠરાવ

aapnugujarat

પ્રેમ દરવાજા પાસે મ્યુનિ.ના રિઝર્વ પ્લોટના દબાણો દુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1