Aapnu Gujarat
ગુજરાત

રાજયના તમામ બાર એસો.ની ચૂંટણી હવે ૨૨ ડિસેમ્બરે થશે

ગુજરાત રાજયના તમામ ૨૫૦ બાર એસોસીએશનની ચૂંટણી જે અગાઉ તા.૧૫મી ડિસેમ્બરે યોજાનાર હતી, તે હવે તા.૨૨મી ડિસેમ્બર,૨૦૧૭ના રોજ યોજવાનો ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓની તારીખને ધ્યાનમાં રાખી તેમ જ ચૂંટણીની તારીખ બદલવા અંગે રાજયના વિવિધ વકીલમંડળો તરફથી મળેલી રજૂઆતને પગલે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રાજયના તમામ બાર એસોસીએશનની ચૂંટણી હવે તા.૨૨મી ડિસેમ્બરે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એમ અત્રે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગત અને શિસ્ત કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું. ગુજરાત બાર કાઉન્સીલ તરફથી રાજયના તમામ બાર એસોસીએશનોને તા.૧૦મી નવેમ્બર,૨૦૧૭ સુધીમાં પોતપોતાના એસોસીએશનના વકીલ મતદારોની મતદાર યાદી અને ચૂંટણીનો કાર્યક્રમ બાર કાઉન્સીલને મોકલી આપવા તાકીદ કરાઇ છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગત અને શિસ્ત કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ-૨૦૧૫ મુજબ, ગુજરાત રાજયના તમામ બાર એસોસીએશનોની ચૂંટણી એકસાથે એક જ તારીખે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તે મુજબ, તા.૧૫મી ડિસેમ્બરે રાજયના તમામ ૨૫૦ બાર એસોસીએશનની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા નિયમ મુજબ, કોઇપણ વકીલ સૌપ્રથમવાર વન બાર, વન વોટ પધ્ધતિથી જ મત આપી શકે તેવી જોગવાઇ અમલી બનાવાઇ છે એટલે કે, કોઇપણ ધારાશાસ્ત્રી કોઇપણ એક એસોસીએશનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકે. નવા નિયમો ગુજરાત રાજયના વકીલઆલમની ચૂંટણીમાં સૌપ્રથમવાર અમલી બનવા જઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, જો કે, તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો તા.૯ અને તા.૧૪ ડિસેમ્બર જાહેર કરાતાં રાજયના બાર એસોસીએશનોની તા.૧૫મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીની તારીખ બદલવાની માંગણી વકીલઆલમમાં ઉઠવા પામી હતી. કારણ કે, રાજયના વિવિધ જિલ્લાઓમાં જુદા જુદા પક્ષની વિચારધારા સાથે જોડાયેલા અને સંકળાયેલા વકીલમિત્રો પોતાના ઉમેદવારોના પ્રચાર-પ્રસાર અર્થે જઇ શકે અને તેઓને પણ ચૂંટણીલક્ષી કામગીરી કરવાની સરળતા રહે તદુપરાંત બાર એસોસીએશનની તેમની પોતાની ચૂંટણી માટે પણ તેમને ઉમેદવારી કરવામાં કે પ્રચાર-પ્રસાર કરવાની પૂરતી તક અને સમય મળી રહે તે હેતુથી વિવિધ બાર એસોસીએશન તરફથી ચૂંટણીની તારીખ બદલવા રજૂઆત મળી હતી. જેને પગલે ગુજરાત બાર કાઉન્સીલની આજરોજ મળેલી સામાન્ય સભામાં રાજયના તમામ બાર એસોસીએશનોની ચૂંટણી હવે તા.૧૫મી ડિસેમ્બરના બદલે તા.૨૨મી ડિસેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Related posts

રાધનપુરમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

પાવીજેતપુર તાલુકાના સૂસ્કાલ ગામે કેનાલમાં ગાબડુ પડતા પાકને નુકસાન

aapnugujarat

રૂ.૨૫ કરોડના ખર્ચે ગુજરાતની બીજી સૈનિક શાળા ઉમરપાડાના બિલવણમાં નિર્માણ પામશે: ગણપતસિંહ વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1