Aapnu Gujarat
ગુજરાત

દ.ગુજરાતનો પ્રવાસ રાહુલ ગાંધી જંબુસરથી શરૂ કરશે

સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાતના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી તા.૧લી નવેમ્બરે ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધી તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસની શરૂઆત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી કરવાના છે તો, પારિદામાં રોડ-શો યોજશે. આ સિવાય વ્યારાથી ડોલવણ સુધી પણ રાહુલ ગાંધી વિશાળ રોડ-શો યોજી લોકોની વચ્ચે રહેશે. નવસારી અને સુરતમાં પણ રાહુલ ગાંધીની વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી લોકો સાથે સીધો સંવાદ યોજશે અને ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનોની વ્યથા સાંભળશે. સુરતના છેલ્લા કાર્યક્રમને આટોપી તેઓ સુરતથી જ દિલ્હી જવા પરત ફરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૧થી ૩ નવેમ્બર દરમ્યાન દક્ષિણ ગુજરાતના તેમના ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રવાસમાં ૪૫૦ કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ અને મહાનગરોની તેઓ મુલાકાત લેશે. સુરતના પાટીદારોના ગઢ ગણાતા એવા પૂર્વ વિસ્તારમાં રાહુલ ગાંધી વિશાળ જાહેરસભા સંબોધશે. આ સિવાય રોડ-શો, લોકસંવાદ અને રૂબરૂ માલાકાત દ્વારા તેઓ પ્રજાની વચ્ચે રહી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આ વખતે પોતાના ચૂંટણી પ્રવાસ દરમ્યાન હિન્દુત્વનું કાર્ડ ખેલી દેવદર્શન અને મંદિરોમાં ભજન, ગાયોને ચારો ખવડાવી જનસમુદાયનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો, ભાજપે પણ રાહુલ ગાંધીના હિન્દુત્વના મુદ્દા પર ટીકાત્મક નિવેદનો કર્યા છે. જો કે, રાહુલ ગાંધી દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન પણ મહત્તમ દેવ દર્શન અને ગરીબ અને પછાત મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ યોજી જાહેરસભાઓ, રોડ-શો અને પ્રશ્નોત્તરી કાર્યક્રમો યોજી પોતાનું ચૂંટણી પ્રચાર અભિયાન ચાલુ રાખવા મક્કમ છે. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસની જબરદસ્ત સફળતા અને સાંપડેલા અભૂતપૂર્વ લોકસમર્થન બાદ ગુજરાત કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે અને તેથી હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધીના ખાસ રોડ-શો, જાહેરસભા અને લોકસંવાદ કાર્યક્રમોનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું છે. આ માટે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની એક મહત્વની બેઠક પણ કોંગ્રેસે બોલાવી છે, જેમાં રાહુલ ગાંધીના પ્રચાર પ્રવાસને લઇ ખાસ માર્ગદર્શિકા અને રણનીતિ તૈયાર કરવામા આવશે.
રાહુલ ગાંધી તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમ્યાન ડાંગના સુપ્રસિધ્ધ શબરીધામ મંદિર, ઉનાઇમાં ઉનાઇ માતાના મંદિર સહિતના ધાર્મિકસ્થાનોના દર્શન કરે તેવી પણ શકયતાઓ છે. રાહુલ ગાંધી આ વખતે પણ કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર નોટબંધી, જીએસટી ઉપરાંત, બેરોજગારી, ખેડૂતો, મહિલાઓ સહિતના મુદ્દે આકરા પ્રહારો કરે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ છેલ્લે રાહુલ ગાંધી ૪થા તબક્કામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરી ચૂંટણી પ્રચાર કરશે.

Related posts

CM to start Digital Seva Setu in rural areas

editor

જિલ્લા કલેકટરે વડોદરા જિલ્લા આયોજન મંડળની નવીનીકરણ પામેલી કચેરીનું લોકાર્પણ કર્યુ

aapnugujarat

मानसून की ऋतु की औसत १२६.१७ फीसदी बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1