Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેર/જિલ્લામાં ચૂંટણી આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અમલ કરાશે  – જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતી

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા શહેર/જિલ્લાની દસ વિધાનસભા બેઠકો માટે બીજા તબક્કામાં તા.૧૪/૧૨/૨૦૧૭ના રોજ મતદાન યોજાશે. વડોદરા જિલ્લામાં ચૂંટણી જાહેર થતાં જ મુક્ત, ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આજથી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અમલ કરવામાં આવશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.ભારતીએ જણાવ્યુ છે. આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લામાં આજથી ૧૦ વિડીયો સર્વેલન્સ ટીમ, ૧૦ વિડીયો વ્યુઇંગ ટીમ, ૧૦ એકાઉન્ટીંગ ટીમ, ૩૦ ફલાઇંગ સ્કવોડ ટીમ, ૩૦ સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે. એટલુ જ નહીં શહેર જિલ્લામાં વિવિધ સ્થળે લગાવેલ રાજકીય પક્ષોના બેનર/હોર્ડીંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

શ્રીમતી પી.ભારતીએ જણાવ્યુ કે, વડોદરા જિલ્લામાં ૧૨,૦૮,૩૨૮ પુરૂષ અને ૧૧,૩૨,૪૮૦ મહિલાઓ તથા અન્ય ૭૪ મતદારો સહિત કુલ ૨૩,૪૦,૮૮૨ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૨૬૭ બિલ્ડીંગોમાં ૨૪૩૩ મતદાન મથકો ઊભા કરવામકાં આવ્યા છે. વડોદરા જિલ્લાની દરેક વિધાનસભામાં એક મતદાન મથક એટલે કુલ ૧૦ મતદાન મથકો ઉપર મહિલા પોલીંગ સ્ટાફ કાર્યરત કરવામાં આવશે.

વડોદરા શહેર/જિલ્લાની તમામ દસ વિધાનસભામાં આ વખતે સૌ પ્રથમવાર EVM ની સાથે વોટર વેરીફાયેબલ પેપર ઓડીટ ટ્રેલ (VVPAT) નો ઉપયોગ કરવામાં આવશે. શહેર/જિલ્લામાં VVPAT ના ઉપયોગ તેમજ મતદાન જાગૃતિ માટે વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતીએ ઉમેર્યુ કે, ૧/૧/૨૦૧૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોના નામ તા.૧૭ નવેમ્બર સુધી મતદાર યાદીમાં નોંધવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં મતદારોને પોતાને કયા મતદાન મથકે મતદાન કરવા માટે જવાનું છે તે દર્શાવતી ગુગલ મેપ  સાથેની વોટર સ્લીપ મતદાનના સાત દિવસ અગાઉ મોકલી આપવામાં આવશે. મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે ચૂંટણી પંચના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપરથી પણ જાણકારી મેળવી શકશે.

જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યુ કે, શહેર/જિલ્લામાં ૫૩૦૦ જેટલા દિવ્યાંગો મતદારો માટે મતદાન મથકોએ આનુસાંગિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જિલ્લાના તમામ મતદાન મથકોએ મતદાર સહાયક બુથ પણ ઊભા કરવામાં આવશે તેમ જણાવતાં શ્રીમતી પી.ભારતીએ જણાવ્યુ કે, વિધાનસભાવાર BLO દ્વારા બુથ અવેરનેસ અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યુ કે, ફ્લાઇંગ સ્કોડની ટીમના વાહનો ઉપર GPS સિસ્ટમ લગાવાશે. ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં MCMC ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ કે, વડોદરા શહેરના સ્થળાંતરીત મતદારોના નામો મતદાર યાદીમાં છે કે કેમ તેની મહાનગરપાલિકાના સંકલનમાં રહી ચકાસણી કરવામાં આવશે.

જિલ્લામાં ચૂંટણી કામગીરી માટે વિધાનસભાવાર ચૂંટણી અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એટલુ જ નહીં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી માટે વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ કે, આદર્શ આચારસંહિતાના અમલ માટે રાજ્ય /પંચાયત હસ્તકના આરામ ગૃહો/સરકીટ હાઉસના ઉપયોગ રાજકીય પક્ષો તરફથી ચૂંટણી વિષયક પ્રચાર/બેઠકો માટે ન થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ આપી છે. આ ઉપરાંત રાજકીય પક્ષોના હોદ્દેદારો કે જેઓની પાસે સરકારી વાહન છે તે પરત ખેંચી લેવા તથા અન્ય સહકારી બેંક/મંડળીઓ હસ્તકના વાહનો પરત ખેંચી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળ હથિયારબંધી, ચૂંટણી પ્રચાર અર્થે ખાનગી મિલકતોનો બગાડ ઉપર નિયંત્રણ, ભીંતચિત્રો, ચોપાનીયા છાપવા માટે નિયંત્રક આદેશો બહાર પાડવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે તેમ જણાવતાં શ્રીમતી પી.ભારતીએ ઉમેર્યુ કે, કોઇપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઇ લાંચ લેવી કે આપતી વ્યક્તિને ભારતીય દંડ સંહિતાના કલમ ૧૭૧(ખ) મુજબ એક વર્ષની કેદ તથા દંડની શિક્ષા થશે. મતદારોને ધાકધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૭૩૩ પર જાણ કરી શકાશે.

વડોદરા શહેર/જિલ્લાની વિધાનસભાની દસ બેઠકોની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપૂર્ણ રીતે તટસ્થતાપૂર્વક યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

Related posts

ડભોઈ શર્મન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બેનર પરત ખેચાયું .

editor

ગુજરાતમાં પણ કૃષિ બિલ મુદ્દે ખેડૂત આંદોલનના એંધાણ

editor

ભારત બંધના એલાનને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનું સમર્થન

editor

Leave a Comment

UA-96247877-1