Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ માટે સજ્જ બનતું જિલ્લા ચૂંટણીતંત્ર

ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૨૫ મી ઓક્ટોબર, ૨૦૧૭ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૧૭ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ થતાં ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભાની કામગીરી સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ આજે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમ કર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાના અમલીકરણ બાબતોની જાણકારી સાથે ચૂંટણીલક્ષી અન્ય આનુષંગિક બાબતોની આંકડાકીય માહિતીથી માધ્યમોને વાકેફ કર્યા હતા.

નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના નોડલ અધિકારીશ્રી અને નાયબ કલેક્ટરશ્રી એસ.જી.ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી દેવમણી ગીતાંજલી, મિડીયાના નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી ઉક્ત પત્રકાર પરિષદમાં માધ્યમો સાથે સીધો વાર્તાલાપ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એસ. નિનામાએ ઉમેર્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉક્ત ચૂંટણીઓ યોજવાની તારીખોની જાહેરાતની સાથે જ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી અમલમાં રહેતી આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે અને સંબંધિતોને સોંપાયેલી કામગીરી નિષ્પક્ષ રીતે હાથ ધરીને નર્મદા જિલ્લામાં ઉક્ત ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે જિલ્લા ચૂંટણીતંત્રને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું હોવાનું શ્રી નિનામાએ જણાવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત VVPAT નો ઉપયોગ વિશેષ બાબત રહેશે અને તેને કારણે દરેક મતદાન મથક ઉપર એક વધારાનો કર્મચારી તૈનાત કરાશે અને VVPAT માં જો કોઇ ક્ષતિ જણાય તો ડીસ્પ્લે યુનિટ થકી તેનું સતત મોનીટરીંગ કરાશે અને તે અંગેની ફરિયાદ વગેરે બાબત સંદર્ભે ઝોનલ-યોગ્ય કક્ષાએ ધ્યાન દોરીને તેનું નિરાકરણ કરાશે. નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારની બેઠકની ચૂંટણી માટે તા. ૧૪ મી નવેમ્બર, ૨૦૧૭ થી ઉમેદવારીપત્રો સ્વીકારાશે અને તા. ૯ મી ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે આજે તાકીદની બેઠક યોજીને જિલ્લામાં તેનો અમલ શરૂ કરાવાયો છે. જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ ફોન નંબર (૦૨૬૪૦) ૨૨૪૦૦૧ તેમજ ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૨૩૨૮૨૦ રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કરાયો છે અને તેના આધારે નિકાલની કાર્યવાહી કરાશે. VVPAT ના ઉપયોગની સાથે સાથે ફેસબુક, ટ્વીટર અને ઇ-મેઇલ આઇડીથી મતદારોમાં જાગૃત્તિ લાવવાના સઘન પ્રયાસો-કામગીરી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાઇ છે. ફ્લાઇંગ સ્કવોર્ડ-સ્ટેટીક સર્વેલન્સ ટીમ આજથી કાર્યરત કરાઇ છે. રૂા. ૫૦ હજારથી વધુ રોકડ રકમ લઇ જતાં નાગરિકો સંદર્ભે આયકર વિભાગને જરૂરી કાર્યવાહી માટે જાણ કરાશે.

શ્રી નિનામાએ વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણી પ્રચારલક્ષી બાબતોમાં લાઉડ સ્પીકર, સભા-સરઘસ, વાહન, પ્રચાર પત્રિકા વગેરેની મંજૂરી માટે સીંગલ વીન્ડો સીસ્ટમ ગોઠવવામાં આવી છે અને સંબંધિત બેઠકના ચૂંટણી અધિકારીશ્રી પાસેથી નિયત સમયમર્યાદામાં આ તમામ મંજૂરીઓ એક જ સ્થળેથી આપવામાં આવશે. જિલ્લામાં ૧૦૩ જેટલા શેડો એરીયાના મતદાન કેન્દ્રો ખાતે વન વિભાગના વાયરલેસ નેટવર્કની મદદથી સતત સંપર્ક જાળવીને જરૂરી વિગતો જિલ્લા કંટ્રોલકક્ષને પુરી પડાશે. જિલ્લામાં ૬૦૦ સુધીના મતદારો ધરાવતા ૨૪૩ મતદાન મથકો, ૬૦૧ થી ૧૨૦૦ સુધી મતદારો ધરાવતા ૨૭૨ મતદાન મથકો અને ૧૨૦૦ થી વધુ મતદારો ધરાવતા ૩ મતદાન મથકો રહેશે. જિલ્લાના ૬૧૮ મતદાન મથકો ઉપર કુલ- ૩૭૦૮ જેટલા અધિકારીઓ/કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત કરાશે. જિલ્લાની બન્ને બેઠકો માટે ૪,૧૩,૦૪૫ મતદારો  નોંધાયા છે, જેમાં ૧૮ થી ૧૯ વર્ષની વયના ૬,૯૫૦ જેટલા યુવા મતદારો સૌપ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એસ. નિનામાએ વધુમાં જણાવ્યા મુજબ ચૂંટણી ખર્ચના ધારાધોરણો અને કોડ ઓફ કન્ડક્ટના અમલની બાબતો અંગે તેનો  ક્ષતિ રહિત અમલ થાય તે જોવાની પણ સંબંધિત અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વકની સૂચના આપવાની સાથે વિવિધ સરકારી વિભાગોએ તેમના તાબા હેઠળની કચેરીના અધિકારીઓ-કર્મચારીઓને પણ આદર્શ આચારસંહિતાના અમલ સંદર્ભે જરૂરી સમજૂતી પુરી પાડવા માટે પણ અમલીકરણ અધિકારીઓને સૂચના અપાઇ છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નિનામાએ આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ચૂસ્ત અમલીકરણ માટે નિમાયેલા નોડલ અધિકારીશ્રી જી.આર. ધાકરે, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.બી. મોડીયા, મિડીયાના નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા ઉપરાંત રાજપીપલા શહેરી વિસ્તારમાં અને જિલ્લાના તમામ તાલુકા મથકોએ આચારસંહિતાના અમલ માટે નિમાયેલા નોડલ અધિકારીશ્રીઓ-તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વગેરે સાથે તાકીદની બેઠક યોજીને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.   

Related posts

પુત્રીના અશ્લિલ ફોટા પિતાને મોકલનાર યુવક ઝડપાયો

aapnugujarat

અમદાવાદમાં ૮૭૫ કેસો નોંધાયા

aapnugujarat

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૮ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1