Aapnu Gujarat
ગુજરાત

ઇવીએમ સાથે વીવીપેટના અમલ માટે કોંગ્રેસની માંગ

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઇવીએમની સાથે વીવીપેટનો પણ અમલ કરવા સહિતની માંગણીઓ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળ દ્વારા આજે રાજયના ઇલેકશન કમીશનને એક વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુજરાત ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી અધિકારી સ્વેઇનને ગાંધીનગર ખાતે મળી આ મામલે વિગતવાર રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવા, એઆઇસીસીના મહામંત્રી દિપક બાબરીયા, એઆઇસીસીના મંત્રી ડો.પ્રભાબહેન તાવીયાડ, પ્રદેશ પ્રવકતા ડો.હિમાંશુ પટેલ, બદરૂદ્દીન શેક, ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી, એડવોકેટ પંકજ ચાંપાનેરી અને નિકુંજ બલર સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજયના ચૂંટણી આયોગને મહત્વના સૂચનો કરતા જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીઓમાં ઇવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવે., જેથી ચૂંટણી પારદર્શક બને અને ઇવીએમમાં થતાં ગોટાળા-ગડબડી અટકાવી શકાય. તદુપરાંત, મતદારયાદીમાં ચૂંટણી પહેલા બદઇરાદાથી નામો ડિલીટ ના થાય તે માટે અગાઉથી જ તકેદારી રાખવામાં આવે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનમથકો સીસીટીવી કેમેરા અને સુરક્ષા ઉપકરણોથી સજ્જ કરવામાં આવે, વીવીપેટ મશીનમાંથી નીકળતા કાગળની ઉપરની છાપ દસ-પંદર મિનિટમાં ભૂંસાઇ ના જાય તે માટે સારી ગુણવત્તાવાળા પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે, જો મતદાન સમયે વીવીપેટ અને ઇવીએમના મત વચ્ચે તફાવત જણાય તો મતદાર તરત જ લેખિત ફરિયાદ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો ઇવીએમના વીવીપેટના નીકળતા મતોમાં સતત તફાવત જણાય તો, તાત્કાલિક મતદાન અટકાવવામાં આવે, મતગણતરી સમયે ઉમેદવારને વાંધો હોય તો, કોઇપણ પાંચ ટકા બુથોની વીવીપેટની પ્રિન્ટેડ મતોની ગણતરી કરવામાં આવે. ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળ તરફથી અપાયેલા આવેદનપત્ર અંગે એઆઇસીસીના મહામંત્રી દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે, ઉપરોકત તમામ બાબતે રાજય ચૂંટણી પંચ દ્વારા દિશા-નિર્દેશ અને નિયમો તેમ જ સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી વીવીપેટથી થશે તેવું જાહેર કરવામાં આવે.

Related posts

ઈંગ્લેન્ડ ક્રિકેટ સિરીઝ પહેલાં અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ

editor

બીઆરટીએસ કોરીડોરમાં એસટી પર પણ પ્રતિબંધ

aapnugujarat

ડૉ. આંબેડકરી પત્રકારિત્વ શતાબ્દી વર્ષ ૨૦૨૦ની ઉજવણી કરીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1