Aapnu Gujarat
શિક્ષણ

મહીસાગર જિલ્લામાં ધો-૧૦નું અંગ્રેજી પેપર લીક કરવાના કેસ ચાર આરોપીના જામીન રદ

મહીસાગર જિલ્લામાં ધો-૧૦નું અંગ્રેજી પેપર લીક કરવાના કેસ ચાર આરોપીના જામીન રદ મહીસાગર જિલ્લામાં માર્ચ-૨૦૧૭માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર લીક કરી વાયરલ કરવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં ટ્રાયલ કોર્ટે ચાર આરોપીઓને આપેલા રેગ્યુલર જામીન ગુજરાત હાઇકોર્ટે આકરૂં વલણ અપનાવી ચારેય આરોપીના જામીન તાત્કાલિક અસરથી રદ કરી તેઓને પોલીસ સમક્ષ હાજર થઇ જવા ફરમાન કર્યું છે. હાઇકોર્ટે વિદ્યાર્થીઓની કારકિર્દી અને તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવાના ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ચારેય આરોપીઓના જામીન રદ કરી નાંખ્યા હતા. હાઇકોર્ટે આ હુકમ સામે સ્ટેની આરોપીઓ તરફથી માંગણી પણ જસ્ટિસ એ.વાય.કોગજેએ ફગાવી દીધી હતી. જયારે આ જ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓના જામીનના કિસ્સામાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને નવેસરથી નિર્ણય લેવા માટે મેટર ટ્રાયલ કોર્ટને રિમાન્ડ કરી હતી. ધોરણ-૧૦ના અંગ્રેજીના પ્રશ્નપત્રને લીક કરવાના ચકચારભર્યા કેસમાં ટ્રાયલ કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા, જેને રદ કરાવવા મહીસાગર જિલ્લાના ડીઇઓ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરેલી અલગ-અલગ અરજીઓમાં જસ્ટિસ એ.વાય.કોગજેએ આ મહત્વના હુકમો કર્યા હતા. હાઇકોર્ટ દ્વારા જે આરોપીઓના જામીન રદ કરી જેલહવાલે કર્યા તેમાં આરોપી મહીસાગર જિલ્લાના મુંખોસલાની સર્વોદય હાઇસ્કૂલના હિતેન્દ્ર મગનલાલ પ્રજાપતિ, સર્વોદય હાઇસ્કૂલના કલાર્ક રમણલાલ ધુળાભાઇ પ્રજાપતિ, તેમના પુત્ર હર્ષદ રમણલાલ પ્રજાપતિ અને હિતેશ ચુનીલાલ અગ્રવાલનો સમાવેશ થાય છે. જયારે જે આરોપીઓના જામીન પર નવેસરથી નિર્ણય લેવા ટ્રાયલ કોર્ટને મેટર રિમાન્ડ કરાઇ તે આરોપીઓમાં દાહોદ ઝોનના ઝોનલ ઓફિસર પ્રહલાદ ભીખાભાઇ રાણા, આસીસ્ટન્ટ ઝોનલ ઓફિસર બાબુલાલ પ્રજાપતિ, કીરીટકુમાર તુલસીદાસ પટેલ અને પ્રીતેશ પટેલનો સમાવેશ થાય છે. મહીસાગર ડીઇઓ તરફથી કરાયેલી અરજીઓમાં સિનિયર એડવોકેટ અરૂણભાઇ ડી.ઓઝાએ જણાવ્યું હતું કે, માર્ચ-૨૦૧૭ની ધોરણ-૧૦ની પરીક્ષાઓ દરમ્યાન આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કાવતરૂં રચી ધોરણ-૧૦નું અંગ્રેજીનું પ્રશ્નપત્ર લીક કર્યું હતું અને તેના ફોટા પાડી વાયરલ કરી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કારકિર્દી સાથે ચેડાં કરવાનું અત્યંત ઘૃણાસ્પદ ગુનાહીત કૃત્ય આચર્યું હતું. આજના સમયમાં જયારે વિદ્યાર્થીને કારકિર્દી ઘડવા માટે એક-એક માર્ક માટે ઝઝુમવું પડયું હોય છે ત્યારે આરોપીઓના માત્ર પૈસાની લાલચ માટે આચરાયેલા આવા ગુનાહીત કૃત્યના કારણે લાખો વિદ્યાર્થીના હિત અને કારકિર્દીને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આ પ્રકારના ગંભીર ગુનાને સહેજપણ હળવાશથી લઇ શકાય નહી. ટ્રાયલ કોર્ટનો આરોપીઓને જામીન આપવાનો હુકમ ભૂલભરેલો અને ખોટો હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ કરવો જોઇએ અને તમામ આરોપીઓના જામીન રદ કરવા જોઇએ. સિનિયર એડવોકેટ એ.ડી.ઓઝાની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ચાર આરોપીઓના જામીન તાત્કાલિક અસરથી રદ કરી તેઓને જેલહવાલે કરતો અને ચાર આરોપીઓના કિસ્સામાં ટ્રાયલ કોર્ટને ફરીથી નવેસરથી મેટર સાંભળી નિર્ણય લેવા રિમાન્ડ કરતો હુકમ કર્યો હતો.

Related posts

DA-IICT પદવીદાનમાં ૪૩૭ વિદ્યાર્થીને ડિગ્રી મળી

aapnugujarat

સીબીએસઈ : નંબર વધારવાની પોલિસી વર્ષ ૨૦૧૮થી બંધ થશે

aapnugujarat

પબજી રમત ઉપર પ્રતિબંધ લગાવવા માટે રજૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1