Aapnu Gujarat
ગુજરાત

વડોદરા મ્યુનિસિપિલ કમિશનર વિનોદ રાવે જજને મેસેજ કરતાં હાઈકોર્ટે ઉધડો લીધો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર  વિનોદ રાવનો આજે ગુજરાત હાઇકોર્ટે જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટ જજને વોટ્‌સએપમેસેજ કરવા બદલ ન્યાયતંત્રની કામગીરીમાં દખલ કરવાના મુદ્દાને લઇ હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશરને આજે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા. એટલું જ નહી, જસ્ટિસ આર.એચ.શુકલએ વકીલો-પક્ષકારોથી ભરચક કોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રીતસરના ઝાટકી નાંખ્યા હતા અને એમનો એટલી હદે ઉધડો લઇ નાંખ્યો હતો કે, હાઇકોર્ટે તેમને લેખિતમાં માફી માંગવા અને ખુલાસો કરવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે સોમવારે ફરીથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા અને લેખિતમાં માફી માંગતુ વિગતવાર સોગંદનામું રજૂ કરવા પણ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સોમવાર પર મુકરર કરી છે. વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારના પથિકભવન કોમ્પલેક્ષના સ્થાનિક દુકાનદારો દ્વારા તેઓની દુકાનો તોડવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હિલચાલ સામે એડવોકેટ શાર્વિલ મજમુદાર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે એડવોકેટ એસ.પી.મજમુદારની દલીલો ગ્રાહ્ય રાખી અગાઉ દુકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરવા સામે સ્ટે જારી કર્યો હતો. આ કેસ હાઇકોર્ટના જે જજની કોર્ટમાં ચાલી રહ્યો હતો, તે જજને જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે મેસેજ કરતાં હાઇકોર્ટે આ સમગ્ર બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઇ વિનોદ રાવને આજે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા. હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવનો ભરચક કોર્ટમાં રીતસરનો ઉધડો લેતાં જણાવ્યું કે, તમે એક ઉચ્ચ અધિકારી અને જવાબદાર વ્યકિત હોવાછતાં હાઇકોર્ટ જજને સીધો મેસેજ કરવાની હિંમત કેવી રીતે કરી શકો? શું તમને હાઇકોર્ટ કે ન્યાયતંત્રની ગરિમાનો ખ્યાલ નથી. તમારા જેવા સરકારી અધિકારીઓને તમારી જવાબદારીનું ભાન ના રહેતું હોય ત્યારે ન્યાયતંત્રએ આકરી કાર્યવાહી કરવી ન્યાયોચિત બની જાય છે. સરકારી અધિકારીઓ સરમુખત્યારની જેમ વર્તવાનું બંધ કરે. ન્યાયતંત્ર એ સોશ્યલ સર્કલ નથી કે જયાં વોટ્‌સઅપ મેસેજ કે અન્ય રીતે કોઇ જજને મેસેજ કરી પરેશાન કરાય. તમારા આવા બેજવાબદાર અને ન્યાયતંત્રની ગરિમાના હનન કરતાં કૃત્ય બદલ તમારી વિરૂધ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરવી ઉચિત લેખાશે. હાઇકોર્ટનો ગરમ મિજાજ જોઇ વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ પણ એક તબક્કે ફફડી ગયા હતા. તેમણે હાઇકોર્ટની તરત જ માફી માંગી હતી, જો કે, હાઇકોર્ટ તેમને આસાનીથી માફી આપવાના મૂડમાં ન હતી અને હાઇકોર્ટે તેમની વિરૂધ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરવાની આકરી ચીમકી ઉચ્ચારી હતી. જસ્ટિસ આર.એચ.શુકલએ વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને હાઇકોર્ટની લેખિતમાં માફી માંગી આ સમગ્ર મામલે ખુલાસો કરવા ફરમાન કર્યું હતું. એટલું જ નહી, સોમવારે તેમને ફરીથી હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા અને માફી માંગતું ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા પણ ફરમાન કર્યું હતું.

Related posts

રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો

aapnugujarat

કોંગ્રેસની નકારાત્મક છબી ફરી ખુલ્લી પડી ગઈ : જીતુ વાઘાણી

aapnugujarat

અમિત શાહ ચૂંટણીને લઇને તમામ સાથે સીધો સંવાદ કરવા સુસજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1