Aapnu Gujarat
ગુજરાત

લૂંટ અને મારામારીનાં કેસમાં હાર્દિક-દિનેશ બાંભણીયાને પાટણની કોર્ટમાં રજૂ કરાયા

પાસના નેતા હાર્દિક પટેલ સહિત સાત જણાં વિરૂધ્ધ પાટણ ખાતે નોંધાયેલી લૂંટ અને મારામારીની ફરિયાદ અનુસંધાનમાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાને આજે પાટણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, પાસના નેતાઓ હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની ધરપકડને પગલે અમદાવાદ, સુરત સહિત રાજયમાં કોઇ અનિચ્છનીય બનાવો ના બને તે હેતુથી રાજય પોલીસને એલર્ટ રહેવા સૂચના જારી કરાઇ હતી. અમદાવાદ, સુરત બાદ હવે હાર્દિક પટેલ વિરૂધ્ધ પાટણમાં ફરિયાદ નોંધાતા તેની વિરૂધ્ધ ફરિયાદનો સિલસિલો જારી રહ્યો છે. ખુદ પાટણના પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે લૂંટ અને મારામારીની હાર્દિક પટેલ અને તેના સાથીઓ વિરૂધ્ધ પાટણના બી ડિવીઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાનમાં ગઇ મોડી રાત્રે પાટણ બી ડિવીઝનના પોલીસ અધિકારીઓ દ્વારા હાર્દિક પટેલની આણઁદ નજીકથી જયારે દિનેશ બાંભણીયાની રાજકોટ ખાતેથી ધરપકડ કરાઇ હતી. પાસના આ બંને નેતાઓને પાટણના સમી પોલીસમથકે લાવવામાં આવ્યા હતા, જયાં ભારે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આખી રાત તેઓએ સમી પોલીસમથકમાં જ ગુજારી હતી. દરમ્યાન આજે બપોરે પાટણ બી ડિવીઝનના અધિકારીઓ દ્વારા પાસના આ બંને નેતાઓને લોખંડી પોલીસ જાપ્તા વચ્ચે પાટણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની ધરપકડના પગલે રાજયમાં કોઇ ઘેરા પ્રત્યાઘાત ના પડે અને કોઇ અનિચ્છનીય બનાવો ના બને તે હેતુથી રાજય પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા ખાસ સૂચનાઓ જારી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લાના પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે ખુદ પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ અને તેના છ સાથીદારો સુનીલ ખોખરીયા, બ્રીજેશ પટેલ, ધવલ પટેલ, દિનેશ બાંભણીયા વિરૂધ્ધ લૂંટ અને મારામારીની ફરિયાદ પાટણના બી ડિવીઝન પોલીસમથકમાં નોંધાવી હતી, જેમાં નરેન્દ્ર પટેલે આરોપ લગાવ્યો હતો કે, શનિવારે હાર્દિક પટેલ તથા તેના સાથીદારોએ તેને પાટણની એક હોટલમાં તેને બોલાવી તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેને માર માર્યો હતો.
આ બબાલ દરમ્યાન હાર્દિક અને તેના સાથીઓએ તેના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી.

Related posts

વાપીમાં કડીમાં આવેલી સર્વ વિદ્યાલયના છાત્રોએ સફાઇ કામગીરી કરી લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો

aapnugujarat

કડવા પાટીદાર ટ્રસ્ટ હાર્દિકના ટેકામાં : આક્ષેપોનો દોર જારી

aapnugujarat

ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદ શહેરમાં રોજનાં ૧૨૦૦ વૃક્ષ ધરાશાયી થવાનાં કોલ મળે છે : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1