Aapnu Gujarat
ગુજરાત

કડવા પાટીદાર ટ્રસ્ટ હાર્દિકના ટેકામાં : આક્ષેપોનો દોર જારી

તાજેતરમાં જ પાટીદાર સમાજની છ વિવિધ સંસ્થાઓના વડીલ આગેવાનો અને ખુદ યુવા પાટીદાર બ્રિગેડના યુવાઓએ એક મંચ પર જાહેરમાં આવી પાસના નેતા હાર્દિક પટેલ આણિમંડળીનો ખુલ્લો વિરોધ કર્યો હતો અને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન હવે પ્રાઇવેટ અનામત આંદોલન બની ગયું છે ત્યારે હવે પાટીદાર સમાજની કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ સંસ્થા હાર્દિક પટેલ અને લાલજી પટેલના સમર્થનમાં આવી છે અને આ બંને નેતાઓ દ્વારા ચલાવાઇ રહેલા અનામત આંદોલનને વાજબી અને યથાર્થ ગણાવ્યું હતું. કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ભીખુભાઇ પટેલ અને પાટીદાર યુથ ફાઉન્ડેશનના પ્રમુખ જગદીશભાઇ પટેલ સહિતના આગેવાનોએ ચૂંટણી ટાણે અંગત રાજકીય ખીચડી પકવવા પાટીદાર સંસ્થાઓનો દૂરપયોગ નહી કરવા પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિતની સંબંધિત સંસ્થાઓને સાફ શબ્દોમાં ચીમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અનામતની માંગણી એ સમગ્ર પાટીદાર સમાજની માંગણી છે, અને તેમાં કોઇ વિરોધ કે મતભેદ હોવા જોઇએ નહી. પોતાની અંગત અને રાજકીય મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે ધાર્મિક સંસ્થાઓને રાજકીય અખાડો બનાવવી જોઇએ નહી. હાર્દિક પટેલ આણિમંડળીનો વિરોધ કરી રહેલી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, યુવા પાટીદાર બ્રિગેડ સહિતના સંસ્થાઓના જાહેરમાં હાર્દિક વિરોધી નિવેદનો અને સમાજની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા નિવેદનોને લઇને પણ કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટના આગેવાનોએ ભારે નારાજગી વ્યકત કરી હતી. સંસ્થાના અગ્રણી જગદીશભાઇ પટેલ, કનુભાઇ પટેલ, બેચરભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ સહિતના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે, અનામતની માંગણી એ હાર્દિકની માંગણી નથી એ પાટીદાર સમાજની માંગણી છે, જો હાર્દિક આંદોલનમાંથી ખસી જાય તો પણ નવો હાર્દિક ઉભો થશે પરંતુ પાટીદારોની અનામત લઇને જ જંપીશું. તેમાં કોઇ બાંધછોડ નહી થાય. ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સરદાર કલ્પરથ સહિતની સંસ્થાઓના યુવા પાટીદાર આગેવાનોએ પણ એક મંચ પર આવી હાર્દિક પટેલનો વિરોધ કરી તેને સાફ શબ્દોમાં ચીમકી આપી હતી કે, જો હાર્દિક પટેલ કોંગ્રેસની પાટલીમાં બેસી પાટીદાર અનામત આંદોલનને બદલે પર્સનલ આંદોલન ચલાવશે તો, પાટીદાર યુવાઓનું તેને કોઇપણ સંજોગોમાં સમર્થન રહેશે નહી. યુવા પાટીદાર બ્રિગેડે હાર્દિક પટેલને અંગત રાજકીય સ્વાર્થમાં રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરાશે તો, પાટીદાર યુવાઓ તરફથી હવે જડબાતોડ જવાબ અપાશે એવી ચેતવણી પણ આપી હતી. આમ, પાટીદાર સમાજમાં તેની જ સંસ્થાઓના આગેવાનો દ્વારા એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી સ્પષ્ટ કરી દેવાયું છે કે, સમાજમાં હાલ ભાગલાની અને મતભેદની પરિસ્થિતિ બની ચૂકી છે.

Related posts

અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે દર્શનનો સમય વધારાયો

aapnugujarat

चांदखेडा क्षेत्र में स्पीड से जा रही कार दीवार से टकरा ने से ड्राईवर की मौत

aapnugujarat

ત્રાસવાદ સામે મોદી શાસનમાં ઝીરો ટોલરન્સની નીતિ : અમદાવાદમાં યોગી આક્રમક અંદાજમાં દેખાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1