Aapnu Gujarat
ગુજરાત

ચોટલીકાંડ માનવસર્જિત હોવાના પુરાવા સપાટીએ : ત્રણ કિસ્સામાં મહિલાઓએ ચોટલી કાપી : ગૃહપ્રધાન

અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયભરમાં ચકચાર જગાવનાર ચોટીકાંડમાં સીઆઇડી ક્રાઇમની તપાસ બાદ હવે ચોટીકાંડ માનવસર્જિત હોવાના પુરાવા સામે આવી રહ્યા છે. ત્રણ કિસ્સાઓમાં ખુદ મહિલાઓએ જાતે જ તેમની ચોટલી કાપી હોવાનું સાબિત થયું હોવાનું નિવેદન આજે ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, ચોટીકાંડ મામલે સીઆઇડી ક્રાઇમની તપાસ તેજ અને વેગવંતી બનાવાઇ છે. જો કે, મહિલાઓ અને બહેનોએ ગભરાવાની કોઇ જરૂર નથી. બનાસકાંઠાના ભાભર ગામે કિશોરીના કપાયેલા વાળ અને તેના માથાના વાળ અલગ-અલગ હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. સુરતના કિમ વિસ્તારમાં પણ એસઓજીની તપાસમાં મહિલાએ તેના દાંત વડે જ વાળ કાપ્યા હોવાનું પણ તપાસમાં ફલિત થયું હતુ. આમ, ચોટીકાંડ એ માનવસર્જીત હોવાની વાતને આધાર પુરાવા મળી રહ્યા છે. જો કે, તેમછતાં સીઆઇડી ક્રાઇમે તેની સઘન અને ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ચોટીકાંડની ચાર ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં ગઇકાલે નારોલ, ગોમતીપુર અને શીલજમાં મહિલાઓની ચોટલી કપાયા બાદ આજે ફરી શીલજમાં એક મહિલાની ચોટલી કપાઇ હતી. સીઆઇડી ક્રાઇમની તપાસ ટીમે આ ઘટનાઓની પણ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, અમદાવાદમાં ઉત્તર ભારતીય અને પછાત-ગરીબ મહિલાઓને ચોટીકાંડનો ભોગ બનાવાઇ રહી હોવાની અફવાએ જોર પકડયું છે. તો કેટલાય લોકો અંધશ્રધ્ધામાં ચોટીકાંડથી બચવા નીતનવા નુસખા અને પેંતરા અજમાવી રહ્યા છે. જેમાં અમદાવાદના શાહવાડી વિસ્તારમાં લોકોના ઘરની બહાર કંકુ-મહેંદીના થાપા મરાઇ રહ્યા છે કે જેથી કોઇ ખરાબ શકિત ઘરમાં પ્રવેશ ના કરી શકે. તો, વળી, કેટલીક મહિલાઓ માથાના વાળમાં લીંબુ-મરચા લટકાવીને ફરી રહી હોવાનું સામે આવ્યું હતું. ગઇકાલે અંકલેશ્વરમાં પણ લોકો તેમના ઘરની બહાર લીમડાના તોરણ અને લીંબુ-મરચા લટકાવતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આમ, લોકો ચોટીકાંડને લઇ અંધશ્રધ્ધાનો પણ શિકાર બની રહ્યા છે.

Related posts

ગુજરાતમાં ભાજપની હાલ આંધી ચાલી રહી છે : મોદી

aapnugujarat

હાલોલના જાંબડી ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી

aapnugujarat

વસ્ત્રાપુરનાં શોપિંગ મોલમાં મફત પાર્કિંગની સુવિધા અમલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1