Aapnu Gujarat
ગુજરાત

મને કોઈએ દિલ્હી નથી બોલાવ્યો, ક્ષત્રિય સમાજે મને માફ કર્યો છે : RUPALA

રાજકોટમાં લોકસભાની ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલા ક્ષત્રિય સમુદાય વિશે ટિપ્પણી કરીને ફસાઈ ગયા છે. તેમણે ક્ષત્રિયોની વારંવાર માફી માગી લીધી છે છતાં આ મુદ્દો શાંત નથી થયો. આ દરમિયાન એવી વાતો વહેતી થઈ હતી કે રાજકોટની બેઠક પરથી રુપાલાને બદલવામાં આવશે અને તેમને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા છે. જોકે, રુપાલાએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે તેમને કોઈએ દિલ્હી બોલાવ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજે મને માફ કરી દીધો છે.
રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમમાં રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરી હતી. હવે તેમણે કહ્યું કે દલિત સમાજનો કાર્યક્રમ મારો સત્તાવાર કાર્યક્રમ ન હતો. આ વિવાદ પર પહેલી વખત જાહેરમાં વાત કરતા રૂપાલાએ કહ્યું કે, દલિત સમાજના કાર્યક્રમમાં હું પ્રચાર માટે ગયો ન હતો. રાજકોટ લોકસભા બેઠક પર કોઇ ફેરફાર હોય તો તે દિલ્હી દરબારથી નક્કી થશે.
ક્ષત્રિય સમાજની નારાજગી અંગે તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજ વિશે મારાથી ટીપ્પણી થઈ તે મારી ભૂલ હતી. ક્ષત્રિય સમાજની લાગણીને હાનિ પહોંચી હોય તો હું માફી માંગુ છું. મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ આગેવાનોએ મને માફ કર્યો છે.
તાજેતરમાં ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જયરાજ સિંહ જાડેજાએ પોતાને ત્યાં એક બેઠક બોલાવી હતી જેમાં રુપાલા હાજર રહયા હતા. આ બેઠકમાં રુપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી લીધી હતી. ત્યાર પછી જયરાજસિંહ જાડેજાએ આ વિવાદ હવે પૂરો થયો તેમ કહી દીધું હતું. જોકે, હજુ પણ ઘણા ક્ષત્રિય આગેવાનો આ માફી સ્વીકારવા તૈયાર નથી અને તેમણે રુપાલાની જગ્યાએ બીજા કોઈને ઉમેદવાર બનાવવાની માગણી કરી છે.
રુપાલાએ રાજકોટની લોકસભા બેઠક વિશે કહ્યું કે, મોહનભાઈ કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરે તે પહેલાથી નક્કી છે. પાર્ટીમાં ઉમેદવાર કોણ હોય તે હું નક્કી નથી કરતો. મને દિલ્લી બોલાવવામાં આવ્યો નથી. હું કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઈ શકું છું. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે.
પરષોત્તમ રૂપાલા દ્વારા તાજેતરમાં રાજા-મહારાજાઓ વિશે બફાટ કરવામાં આવ્યો હતો જેના કારણે સમાજમાં રોષની લાગણી પ્રવર્તે છે. ક્ષત્રિય સમાજે ગોંડલમાં જયરાજસિંહ દ્વારા થયેલા રાજકીય સમાધાનને માન્ય રાખવાનો ઈનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ બેઠકમાં માત્ર ભાજપના આગેવાનો જ હાજર હતા. ભાજપે આ વિવાદમાં અત્યાર સુધી ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાં સફળતા મળી નથી.

Related posts

ડીસા તાલુકાની ખેટવા રેલવે લાઈન યુવક – યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

aapnugujarat

આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે

aapnugujarat

ગાંધીનગરમાં સોમનાથ બ્રહ્મકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

editor
UA-96247877-1