Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં પ્રેમી યુગલે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

સુરતમાં પુણા વિસ્તારમાં એક પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. એક મહિના પહેલા જ આ યુગલ રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યું હતું. યુવક પરિણીત હતો જ્યારે તેની પ્રેમિકા અપરિણીત હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બન્નેએ કોઈ અગમ્ય કારણોસર એક જ હુકમાં દોરી બાંધીને જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા યુવકે મોબાઈલમાં હુકમાં દોરી બાંધી હોય તેવો ફોટો તેની બહેનને મોકલ્યો હતો.
આ બનાવની વિગત મુજબ સુરતના પુણા ખાતે આવેલા બીવી પાર્ક સોસાયટીમાં હુકમસિંહ એ.ચુડાવત રહેતો હતો જ્યારે તેનો પરિવાર રાજસ્થાનમાં રહેતો હતો. ૧૬ વર્ષ અગાઉ હુકમસિંહના લગ્ન થયા હતા. જેમાં તેને બે સંતાન પણ છે. થોડા સમય પહેલા હુકમસિંહને તેના સંબંધીની દીકરી અનમોલ સાથે પ્રેમ થઈ ગયો હતો. બે અઢી વર્ષથી તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે અનમોલ અપરણિત હતી. બન્ને જણા એક મહિના પહેલા રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હતા. રાજસ્થાનમાં મોબાઈલની દુકાન ચલાવતો હુકમસિંહ સુરતમાં લોટ દળવાની ઘંટી શરૂ કરવાની કોશિષ કરી રહ્યો હતો.
બીજી તરફ હુકમસિંહ અનમોલ સાથે ભાગી જતા બન્નેના પરિવારે પણ તેમની સાથે સંપર્ક રાખ્યો ન હતો. દરમિયાન હુકમસિંહે તેની બહેનને હુક સાથે દોરી બાંધેલો ફોટો મોબાઈલમાં મોકલ્યો હતો. બાદમાં તેણે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. દોરી સાથેનો ફોટો જાઈને હુકમસિંહની બહેને તેનો સંપર્ક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
સુરતમાં જ રહેતા હુકમસિંહની બહેન અને બનેવીને જાણ થતા તેઓ હુકમસિંહના ઘરે ગયા હતા. જોકે કોઈએ દરવાજો ન ખોલતા તેમણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દરવાજો ખોલીને જોયું તો હુકમસિંહ અને અનમોલ ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે ચડ્યા હતા. પોલીસે બન્નેના મૃતદેહ ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે હુકમસિંહના પરિવારના નિવેદન નોંધીને અનમોલના પરિવારને બનાવ અંગે જાણ કરી હતી. હુકમસિંહના મૃતદેહને રાજસ્થાન લઈ જવાય તેવી શક્યતા છે જ્યારે અનમોલના પરિવારનો સંપર્ક કર્યા પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે.
હુકમસિંહ અને અનમોલ કૌટુંબિક સંબંધીઓ થાય છે. બન્ને ભાગી જતા તેમના પરિવારોમાં નારાજગી હતી. હુકમસિંહ પર થોડુ દેવુ હોવાનું પણ કહેવાય છે. જોકે હજી સુધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

Related posts

આરોગ્ય વિભાગની વ્યાપક રેડ : દૂધનાં સેમ્પલો લેવાયા

aapnugujarat

राजस्थान चुनाव के लिए गुजरात में मशक्कत जारी

aapnugujarat

કોંગી ધારાસભ્યોની બસનો વસુબહેન ત્રિવેદીની કાર સાથે અકસ્માત, કોઈને ઈજા નહીં

aapnugujarat
UA-96247877-1