Aapnu Gujarat
રાષ્ટ્રીય

અજાણી મહિલાને ડાર્લિંગ કહી બોલાવવી એ જાતીય સતામણી ગણાયઃ કલકત્તા હાઈકોર્ટ

મહિલાઓની જાતીય સતામણીના કેસમાં કલકત્તા હાઈકોર્ટે એક મહત્ત્વની વાત કરી છે. કોર્ટે કહ્યું કે અજાણી મહિલાને ‘ડાર્લિંગ’ કહીને સંબોધન કરવું એ જાતીય સતામણી જ ગણી શકાય. આ કેસમાં એક પુરુષે શરાબ પીધેલી હાલતમાં એક મહિલા કોન્સ્ટેબલને ‘ડાર્લિંગ’ કહીને બોલાવી હતી. તેના કારણે તે પુરુષ સામે કેસ થયો હતો. કોર્ટે આ પુરુષને થયેલી સજા યથાવત રાખી છે. હાઈકોર્ટે કહ્યું કે અજાણી સ્ત્રીને ડાર્લિંગ કહીને બોલાવવી એ સેક્શન 354-એ હેઠળ ગુનો છે.

કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે ભારતમાં સામાજિક ધોરણો એવા નથી કે કોઈ પણ પુરુષ ગમે તે મહિલાને ડાર્લિંગ અથવા એવી બીજા શબ્દોથી બોલાવી શકે. હાઈકોર્ટની પોર્ટ બ્લેર બેન્ચના સિંગલ જજ જસ્ટિસ જય સેનગુપ્તાએ આ ટિપ્પણી કરી હતી. આ કેસમાં જનક રામ નામના એક માણસે શરાબ પીને નશાની હાલમાં એક મહિલા કોન્સ્ટેબલને ડાર્લિંગ કહીને બોલાવી હતી.

જસ્ટિસ જય સેનગુપ્તાએ કહ્યું કે કોઈ પોલીસ કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ મહિલા હોય, કોઈ અજાણી વ્યક્તિ તેને શેરીમાં શરાબ પીધેલી હાલતમાં અથવા સંપૂર્ણ ભાનપૂર્વક ડાર્લિંગ કહીને બોલાવે તે ભારતીય સમાજમાં સ્વીકાર્ય નથી. આપણા સમાજમાં તે એક જાતીય સતામણી જ ગણાય. આ શબ્દ ચોક્કસપણે વાંધાજનક છે.

કોર્ટે એમ પણ કહ્યું કે આરોપીએ નશો કર્યા વગર સંપર્ણ હોશમાં રહીને આવો શબ્દ વાપર્યો હોત તો કદાચ ગુનાની ગંભીરતા આના કરતા પણ વધી ગઈ હોત.

કેસની વિગત પ્રમાણે દુર્ગા પુજા વખતે મહિલા કોન્સ્ટેબલ સહિત એક પોલીસ ટીમ લાલ ટિકરે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જતી હતી ત્યારે પોલીસને માહિતી મળી કે કેટલાક લોકો તોફાન કરવાની તૈયારીમાં છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેટલાક લોકોને પકડીનો પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલાક લોકો શેરીમાં ઉભા હતા. રાતે અંધારું હેવાના કારણે મહિલા પોલીસે એક દુકાનની સામે ઉભા રહેવાનું નક્કી કર્યું ત્યારે ત્યાં જનક રામ નામનો માણસ હતો. તેણે તરત મહિલા પોલીસને સવાલ કર્યો કે, “ક્યા ડાર્લિંગ, ચલાન કાટને કો આઈ હૈ ક્યા?”

તેના પગલે મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસમાં ફરિયાદ કરી અને એક એફઆઈઆર નોંધવામાં આવી હતી. મહિલા માટે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ જનક રામને 500 રૂપિયાનો દંડ અને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. જનક રામ તેની વિરુદ્ધ હાઈ કોર્ટમાં ગયો હતો. ત્યાં પણ તેનો પરાજય થયો છે તેથી હવે તેણે જેલમાં સજા ભોગવવી પડશે.

હાઈકોર્ટે જણાવ્યું કે જનક રામે મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી તે વાતના પૂરતા પૂરાવા છે. જોકે, જનક રામ માત્ર વાંધાજનક શબ્દો બોલ્યો હતો અને તેણે બીજું કંઈ કર્યું ન હતું. તેથી તેની સજા ત્રણ મહિનાથી ઘટાડીને એક મહિનો કરવામાં આવી છે.

Related posts

મહારાષ્ટ્ર સરકાર ઘરે-ઘરે જઇને કોરોના વેક્સિન આપશે

editor

આદર્શ કૌભાંડ : કોંગ્રેસ નેતા અશોક ચવ્વાણને રાહત

aapnugujarat

બિહાર લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ-આરજેડી વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે અસમંજસ !!

aapnugujarat
UA-96247877-1