પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસા પ્રકરણમાં તૃણમુલ કોંગ્રેસના નેતા અને મમતા બેનરજીના સાથીદાર શાહજહાંની પોલીસે આખરે ધરપકડ કરી હતી. છેલ્લા બે મહિનાથી પોલીસ તેને શોધી રહી હતી પરંતુ શાહજહાંનો કોઈ પતો ન હતો. શાહજહાંએ તેના ઘરે તપાસ કરવા આવેલી ઈડીની ટીમ પર ઘાતક હુમલો કરાવ્યો ત્યારથી તેની શોધખોળ ચાલુ હતી. શાહજહાંએ કેટલીક મહિલાઓ પર રેપ કર્યો હોવાના તથા ઘણી મહિલાઓની જમીન પચાવી પાડી હોવાના આરોપ છે.
શાહજહાંના મુદ્દે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે વિવાદ ચાલતો હતો. પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં એક માફિયાની જેમ પોતાનું રાજ ચલાવનાર શાહજહાંને લગભગ 55 દિવસ પછી પકડવામાં આવ્યો છે. ભાજપે આરોપ મુક્યો છે કે શાહજહાં એક માફિયા છે અને તેને તૃણમુલ કોંગ્રેસ છાવરી રહી છે.
53 વર્ષના શાહજહાંને નોર્થ 24 પરગણાના મીનાખાન એરિયામાંથી પકડવામાં આવ્યો હતો અને તેને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારી અમિનુલ ઈસ્લામ ખાને જણાવ્યું હતું. કલકત્તા હાઈકોર્ટે શાહજહાં મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી તેના ત્રણ દિવસ પછી શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે શાહજહાં પર એવા ગંભીર આરોપો છે કે તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.
સંદેશખાલીની ઘણી મહિલાઓએ આરોપ મૂક્યો છે કે શાહજહાં અને તેના માણસોએ ધાકધમકીથી તેમની જમીનો પચાવી પાડી હતી અને તેમનું જાતીય શોષણ કર્યું હતું. આ વિસ્તારમાં એક મહિના કરતા વધુ સમયથી વિરોધ પ્રદર્શનો ચાલે છે અને શેખ શાહજહાં તથા તેના મળતિયાઓની ધરપકડ કરવાની માંગણી થઈ રહી છે. ભાજપનું કહેવું છે કે અમારા સતત પ્રેશરના કારણે મમતા બેનરજી સરકારે આ કાર્યવાહી કરી છે.
તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે શાહજહાંની ધરપકડ એટલા માટે નહોતી કરવામાં આવતી કારણ કે કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યા હતા. હવે આ ધરપકડથી સાબિત થઈ ગયું છે કે અમે રાજધર્મનું પાલન કરીએ છીએ. સ્ટે ઓર્ડર હટી જતા જ ત્રણથી ચાર દિવસમાં શેખ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે.
પાંચમી જાન્યુઆરીએ શાહજહાંના ઘરની તપાસ કરવા માટે ઈડીની એક ટીમ ગઈ ત્યારે તેના પર ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારથી શાહજહાં ફરાર હતો અને તેને પકડવાના પ્રયાસ ચાલુ હતા.