ગુજરાતમાં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થઈ ગયો છે જ્યાં ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું મૂડી રોકાણ કરવાના વચન આપ્યા છે. ગુજરાતમાં પહેલેથી મોટા પાયે હાજરી ધરાવતા અદાણી જૂથે જાહેરાત કરી છે કે તેઓ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેલા અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ જણાવ્યું કે ગુજરાત તેમના માટે બહુ મહત્ત્વનું રાજ્ય છે. અહીં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણના કારણે એક લાખ જોબ સર્જાશે.
અદાણી જૂથ હવે ક્લિન અને સસ્ટેનેબલ એનર્જી પર ફોકસ ધરાવે છે. તેથી આગામી સમયમાં ગુજરાતમાં ક્લીન અને રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં રોકાણ વધારવામાં આવશે. ગૌતમ અદાણીએ પોતાની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જણાવતા કહ્યું કે હવે ભવિષ્ય સસ્ટેનેબલ એનર્જીનું છે. અમે આત્મનિર્ભર ભારતના લક્ષ્ય હેઠળ સૌથી વિશાળ ઈન્ટીગ્રેટેડ, રિન્યુએબલ એનર્જી ઈકોસિસ્ટમ તૈયારી કરીશું જેનાથી એક લાખ લોકોને રોજગારી મળશે.
વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમિટમાં અદાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત એ વડાપ્રધાન મોદીના અસાધારણ વિઝનનું પરિણામ છે. તેમાં વિશાળ મહત્ત્વાકાંક્ષા, સ્કેલ અને અસરકારક અમલીકરણનો સમન્વય થયો છે. અદાણીએ કહ્યું કે ભારત હવે મજબૂત જીડીપી ગ્રોથના માર્ગે છે અને વર્ષ 2014થી માથાદીઠ આવક વધી રહી છે. છતાં સૌથી બેસ્ટ સમય હજુ આવવાનો બાકી છે.
તેમણે જણાવ્યું કે અદાણી જૂથ ગુજરાતમાં જે રોકાણ કરશે તેનાથી ઈનોવેશનને વેગ મળશે, રોજગારીની તકો સર્જાશે અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગ્રોથને ઉત્તેજન મળશે. તેમણે પોતાના વક્તવ્યમાં પોતાના ગ્રૂપની યોજનાઓ જણાવવા ઉપરાંત વડાપ્રધાનની કામગીરીને ખાસ બિરદાવી હતી.