Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ભવ્ય પ્રારંભ

ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થશે. આ વખતે ગેટ વે ટુ ફ્યુચર થિમ પર વાઈબ્રન્ટ સમિટ શરૂ કરવામાં આવશે જેમાં યુએઈના પ્રમુખ સહિત ટોચના વૈશ્વિક નેતાઓ અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ ભાગ લેવાના છે. આ પ્રસંગે મોઝામ્બિકના પ્રેસિડન્ટ ફિલિપ ન્યુસી, ચેક રિપબ્લિકના વડાપ્રધાન, રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી જૂથના વડા ગૌતમ અદાણી, આર્સેલર જૂથના ચેરમેન લક્ષ્મી મિત્તલ, ટાટા જૂથના એન ચંદ્રશેખરન, કોટક જૂથના ઉદય કોટક, આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ બિરલા, માઈક્રોનના વડા સંજીવ મેહરોત્રા, ડીપી વર્લ્ડ યુએઈના સુલતાન અહમદ બિન સુલેમાન, સુઝુકી મોટર્સના પ્રેસિડન્ટ તોશી હિરો સુઝુકી પણ ઉપસ્થિત રહેશે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મહત્ત્વના અતિથિ તરીકે યુએઈના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ ગુજરાત આવ્યા છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ગયા વર્ષે 2021માં કોવિડના કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ કેન્સલ કરવી પડી હતી. તેના કારણે આ વખતની સમિટનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. મંગળવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ થયો હતો.

વર્ષ 2015ની ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાતે 21,304 એમઓયુ કર્યા હતા જ્યારે 2017માં 24,774 ડીલ થઈ હતી. તેમાંથી 70 ટકા ડીલમાં વચન પ્રમાણે કામ પણ થયું છે. આ વખતના વાઈબ્રન્ટ સમિટમાં 90 ટકા જેટલા એમઓયુ ખરેખર આકાર લેશે તેવી અધિકારીઓને આશા છે.

વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટની સાથે સાથે ગાંધીનગરમાં એક વિશાળ ટ્રેડ શો પણ શરૂ થઈ ગયો છે જેમાં 1000થી વધુ પ્રદર્શનકારોએ ભાગ લીધો છે અને 20 દેશોએ પોતાના સ્ટોલ ખોલ્યા છે. આ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, સિંગાપોર, યુએઈ, યુકે, જર્મની, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, જાપાન, ઈન્ડોનેશિયા સહિતના દેશોએ પોતાના સ્ટોલ લગાવ્યા છે.

આજે શરૂ થયેલા વાઈબ્રન્ટ સમિટમાં મહાત્મા મંદિરનો હોલ મહેમાનોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. તેમાં સૌથી પહેલાં તમામ ઉપસ્થિત ડેલિગેટ્સને ગુજરાતની ગ્રોથ સ્ટોરી દેખાડવામાં આવી હતી. વાઈબ્રન્ટ સમિટમાં થ્રીડી સ્ક્રીન પર ગુજરાતની ઝાંખી દેખાડવામાં આવી હતી.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ગુજરાત આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર પછી બંને દેશના વડા રોડ શો કરતા એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ તરફ આવ્યા હતા. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવ્યું હતું.

Related posts

ગુજરાતે ફરીવાર વિકાસની રાજનીતિ સ્વીકાર : રૂપાણી

aapnugujarat

ગોધરાના ડીવાયએસપીરમેશ દેસાઈને મળ્યો ડીજીપી ચંદ્રક

editor

ઇકબાલગઢ ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “ટેલી-લૉ” જાગૃતિ કેમ્પ યોજાયો

editor
UA-96247877-1